PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીને એસ્કોર્ટ નહીં અપાયું તો ધરણા પર બેસી ગયા, જાણો પછી શું થયું?

PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ મંગળવારે રાજસ્થાન પોલીસને દોડતી કરી દીધી હતી. એસ્કોર્ટ નહીં મળવાના કારણે પ્રહલાદ મોદીએ જયપુર પોલીસ સ્ટેશનની બહાર ધરણા કરી વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

એક કલાક સુધી ચાલેલા ડ્રામામાં પોતાની અવચંડાઈનો અહેસાસ થતાં પ્રહલાદ મોદી સાનમાં સમજી જઈને ધરણા પર ઉઠી ગયા હતા અને ત્યાંથી પોબારા ગણી ગયા હતા. પ્રહલાદ મોદીએ મંગળવાર રાત્રે જયપુર-અજમેર હાઈ વે પરથી જવાનું હતું. આ માટે તેમણે એસ્કોર્ટની માંગ કરી હતી. માંગ નહીં સંતોષાતા જયપુરના બગરુ પોલીસ સ્ટેશનની બહાર જ ધરણા ધરી દીધા હતા. તેમનું કહેવું હતું કે રાજસ્થાન પોલીસ એસ્કોર્ટ આપી રહી નથી.

જયપુરના પોલીસ કમિશનર આનંદ શ્રીવાસ્તવે જણાવ્યું કે પ્રહલાદ મોદી હાઈવેથી જયપુર આવી રહ્યા હતા. તેમણે એસ્કોર્ટની માંગ કરી હતી. એસ્કોર્ટ માટે તેઓ પાત્રતા ધરાવતા નથી. તેમને બે પીએસઓ ફાળવવાનો આદેશ હતો અને પીએસઓ શરૂથી જ બગરુ પોલીસ સ્ટેશનથી તેમની સાથે જોડાયેલા હતા. પરંતુ પીએસઓને પોતાની કારમાં લઈ જવા માટે પ્રહલાદ મોદી તૈયાર ન હતા. તેમણે અલગ પોલીસ બંદોબસ્તની માંગ કરી હતી.

પોલીસ કમિશનર શ્રીવાસ્તવે વધુમાં કહ્યું કે પ્રહલાદ મોદીને બે પીએસઓ ફાળવવાનો આદેશ પણ બતાવવામાં આવ્યો હતો. પીએસઓ તેમની કારમાં જ જઈ શકતા હતા. પરંતુ પ્રહલાદ મોદી તેમને પોતાની કારમાં લઈ જવા માટે જરાય રાજી ન હતા.

પાછળથી તેમને સમજ પડી અને નિયમ પ્રમાણે બે પીએસઓ સાથે જ તેમણે આગળની મુસાફરી કરવી પડી. લગભગ એક કલાક સુધી આ ડ્રામા પોલીસ સ્ટેશનમાં ચાલ્યો હતો.