ગુજરાતથી પશ્ચિમ બંગાળ ગયેલા ભાજપના કાર્યકરોને પોલીસે હોટલમાંથી બહાર કાઢયા

પ.બંગાળના બારાસાટ લોકસભામાં સોમવારે અમીત શાહના રોડ શો અને ત્યાર બાદ થયેલી આગજની અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાને ધ્વસ્ત કરવાની ઘટનાને પગલે પોલીસે ગુજરાતીઓને શોધવાનું શરૂ કર્યું છે. કોલકાતા સહિત બંગાળની હોટલોમાં રોકાયેલા ગુજરાતના ભાજપના કાર્યકરોને પોલીસે બાહર કાઢી મૂક્યા હતા. કાર્યકરો અને પોલીસ વચ્ચે ચકમક પણ ઝરી હતી પરંતુ પોલીસે ભાજપના કાર્યકરોને વિસ્તાર છોડી જવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.

પોલીસે મતદાન પૂર્વે થઈ રહેલી રૂટીન તપાસ દરમિયાન ગુજરાતથી બંગાળ ગયેલા ભાજપના કાર્યકરોને હોટલ છોડી દેવાનું ફરમાન કર્યું હતું. કાર્યકરોને હોટલ છોડી દેવાની ફરજ પડી હતી. ટીએમસીનાના ઉમેદવાર કાકોલી ધોષ દાસ્તીદારે પોલીસને ફરીયાદ કરી હતી કે ચૂંટણીના અંતિમ તબક્કામાં બાહરથી ભાજપના સમર્થકો આવ્યા છે અને તેઓ રોકડ રૂપિયા અને હથિયાર સાથે આવ્યા છે. હોટલથી કાઢવામાં આવ્યા બાદ ભાજપના કાર્યકરો સ્થાનિક ભાજપના નેતા તુહીન મંડલના ઘરે જતા રહ્યા હતા.

જ્યાર તુહીન મંડલના ઘરે અચાનક ભાજપના કાર્યકરોનો જમાવડો થયો અને ત્યાર બાદ વાહનોમાં તોડફોડની ફરીયાદ મળતા પોલીસ તુહીન મંડલના ઘરે પહોંચી હતી. જ્યારે પોલીસ તુહીન મંડલના ઘરે પહોંચી તો સમગ્ર ઘરમાં અંધારું છવાયેલું હતું. પોલીસે વારંવાર ફોન કર્યા પણ કોઈએ ફોન ઉપાડ્યા ન હતા. અંતે પોલીસ ઘરની બહાર ફીટ કરાયેલી ગ્રીલને તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં દાખલ થઈ પોલીસે લાઈટ ચાલુ કરાવી તો ભાજપના નેતાઓ છૂપાયેલા હતા અને મોટી સંખ્યામાં હાજર હતા.

પોલીસે ભાજપના નેતા પ્રદીપ બેનરજી સહિત કેટલાક લોકોને ઓળખી કાઢયા. પ્રદીપે કહ્યું કે અહીંયા મીટીંગનું આયોજન કરાયું છે. આ મીટીંગમાં આરએસએસના નેતા અને ભાજપના સહ-પ્રભારી અરવિંદ મેનન પણ હાજર રહેવાના છે.