હિન્દુ યુવાનને બ્લડ ડોનેટ કરવા મુસ્લિમ યુવકે રોઝો તોડી નાંખ્યો

સમગ્ર વિશ્વમાં મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. પરંતુ આસામમાં મુસ્લિમ યુવાને એટલા માટે રોઝો તોડી નાંખ્યો કે તેણે હિન્દુ યુવકને બ્લડ ડોનેટ કરવું હતું. 26 વર્ષીય પન્નુલ્લા અહમદે દર્દીને લોહીની તાતી જરૂરિયાત હોવાથી  રોઝો તોડી નાંખ્યો હતો.

વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે ભોજન કરવામાં આવે છે તેને સેહરી કહેવામાં આવે છે. સેહરી દરમિયાન અહમદે નોટીસ કર્યું કે તેના રૂમ મેટ તપશ ભગવતીને તબિયત સારી જણાતી નથી. ભગવતી પણ આસામના પોપ્યુલર બ્લડ ડોનેર ગ્રુપ ટીમ હ્યુમેનિટીનો મેમ્બર છે. મોડી રાત્રે ફોન કોલ આવ્યો હતો કે એક દર્દીને ઓ-પોઝીટીવ ગ્રુપ બ્લડની જરૂર છે. ઓન લાઈન સર્ચ અને અપીલ કરવામાં આવ્યા બાદ પણ દર્દી રાજન ગોગોઈનું પરિવાર મેચીંગ બ્લડ ડોવરને શોધી શક્યું ન હતું.

ભગવતી અને અહમદ ગુવાહાટીમાં સ્વાગત સુપર સ્પેશિયાલિટી સર્જિકલ હોસ્પિટલમાં કામ કરે છે. જ્યાં રાજન ગોગોઈ દાખલ હતો તે હોસ્પિટલમાં બન્ને જણા દોડી ગયા. અહમદે બ્લડ ડોનેટ કરવાની ઈચ્છા જાહેર કરી પરંતુ રોઝા દરમિયાન બ્લડ ડોનેટ કે શરીરમાં ઈન્જેક્શન પણ લઈ શકાતું ન હોવાથી અહમદ માટે ધર્મસંકટ ઉભું થયું. અહમદે વિશેષ વિચાર કર્યા વિના બ્લડ ડોનેટ કરવાનો નિર્ણય કર્યો અને રોઝો તોડી નાંખ્યો. બન્ને મિત્રોએ પોતાના ફોટો પણ ફેસબૂક પર શેર કર્યા છે અને અન્યોને બ્લડ ડોનેટ કરવાની અપીલ પણ કરી છે.