PM મોદીને નીચ કહેવાને ન્યાયિક ઠેરવતા મણિશંકર ઐયર, ભાજપે કરી આકરી ટીકા

લોકસભાની ચૂંટણીનું હવે એક માત્ર ચરણ બાકી છે અને હવે આ અંતિમ ચરણના મતદાન પહેલા વાકયુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયુ છે.

કોંગ્રેસના નેતા મણીશંકર ઐયરે આજે પોતાના ‘નીચ માણસ’વાળા નિવેદન પર ટિપ્પણી કરતા ફરી એક વખત રાજકીય માહોલ ગરમ બની ગયો છે. કોંગ્રેસના આ નેતાએ પોતાના એક લેખમાં વર્ષ 2017માં પીએમ મોદી અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન ‘નીચ કક્ષાના માણસ’ને યોગ્ય ઠેરવ્યુ છે તો ભાજપે આ નિવેદન પર આક્રમક વલણ અપનાવી કોંગ્રેસના નેતાને એબ્યુઝર ઈન ચીફ ગણાવ્યા છે.

મણિશંકર ઐયરે જણાવ્યુ છે કે, હું મારા લેખ થકી જણાવવા માંગુ છું કે હું મારા દરેક શબ્દ ઉપર કાયમ છું હું કોઈપણ તર્કવિતર્કમાં પડવા માંગતો નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે તેમણે મોદીને નીચ માણસ ગણાવ્યા હતા અને રાજકીય હંગામો મચી ગયો હતો. આ નિવેદનની કડક અને તીવ્ર ટીકા પણ કરવામાં આવી હતી.

આ નિવેદન પછી ઐયરને કોંગ્રેસમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. એવામાં હવે સાતમા તબક્કાની ચૂંટણી બાકી છે ત્યારે મણીશંકર ઐયરે પોતાના લેખમાં અગાઉના નિવેદનને યોગ્ય ઠેરવતા બળતામાં ઘી હોમાયું છે. 

તેમણે લેખમાં પીએમ મોદીના હાલના નિવેદનોનો હવાલો આપતા લખ્યુ છે કે, ‘યાદ છે વર્ષ 2017માં મેં મોદીને શું કહ્યુ હતું, શું મે સાચી ભવિષ્યવાણી નહોતી કરી ? ‘ ઐયરે જણાવ્યુ હતુ કે તેઓ (નરેન્દ્ર મોદી) સભ્ય માણસ નથી. જેવું દેખાય રહ્યુ છે એ જ પ્રકારની ગંદી રાજનીતિ કરવાની કોઈ જરૂર નથી. કોંગ્રેસના આ નેતાએ પીએમ મોદી ઉપર જવાનોની શહાદત કરવાનો પણ આરોપ મુકયો છે. ઐયરે પીએમ મોદી પર પોતાના શિક્ષણને લઈને ખોટુ બોલવાનો આરોપ મુકયો છે. ઐયર આટલેથી જ નથી અટકયા તેમણે પીએમ મોદીને દેશદ્રોહી અને ગંદી જુબાનવાલે વડાપ્રધાન પણ કહ્યા છે.

તેમણે કહ્યુ છે કે, 23મે એ દેશની જનતા તેમને બહારનો રસ્તો બતાડી દેશે. મોદી ભારતમાં અત્યાર સુધીના સૌથી વધુ જુઠું બોલનાર વડાપ્રધાન છે. ઐયરે કહ્યુ છે કે મોદી દેશ વિરોધી ગતિવીધીને પ્રોત્સાહન આપવાના દોષિત છે. તેઓ ગંદી રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વાયુદળને બદનામ કરવા માટે મૂર્ખભર્યો સહારો લીધો. નૌકાદળના જહાજ પર ગેરકાયદેસર રીતે વિદેશીઓને લઈ જવામાં આવે છે. હાલમાં જ સુમાત્રા ટાપુ પર અક્ષયકુમાર પણ ગયો હતો. કોંગ્રેસના નેતાએ વધુમા કહ્યુ હતુ કે, મેં હાલમાં જ સાંભળ્યુ છે કે વડાપ્રધાને વાયુદળને વાદળા હોવા છતા બાલાકોટ એરસ્ટ્રાઈકનો આદેશ આપ્યો હતો. તેમણે એરફોર્સના અધિકારીની વાત પણ માની નહોતી. તેઓ પોતાની 56 ઈંચની છાતી વધુ ફુલાવવા માંગતા હતા. મોદી શું વાયુદળને મૂર્ખ સમજે છે ? ઐયરના આ નિવેદન સાથે કોંગ્રેસ અસંમતિ દર્શાવી છે અને કહ્યું છે કે આ ઐયરનો વ્યક્તિગત નિવેદન છે.