દુલ્હન વિનાના લગ્ન, જાણો હિંમતનગરની ઈમોશનલ મેરેજ સ્ટોરી…

ઘરમાં લગ્નની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આમંત્રણ કાર્ડ આપી દેવામાં આવ્યા છે. સગા-સંબંધીઓ, મિત્રો અને ઓળખીતા-પાળખીતાઓને લગ્નમાં આવવા માટે કહી દેવાયું છે. મ્યૂઝીકલ પાર્ટીને પણ બોલાવવામાંઆવી છે. વરઘોડો નીકળે છે અને જાન ધમાલ મસ્તી સાથે રસ્તા પર મોજ ઉડાડે છે અને જમણવારનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
હિમતનગરના ચાંપાનેર ખાતે 10 મેનાં રોજ અલગ પ્રકારના લગ્ન થયા હતા. આ લગ્નમાં વરરાજા હતો પણ વધુ ન હતી. દુલ્હો હતો પણ દુલ્હન ન હતી.
27 વર્ષીય અજય બારોટ બહેરાશનો શિકાર છે. તેનું સ્વપ્ન હતું કે એક દિવસ તેના પણ લગ્ન થાય. લગ્ન માટે અજયને કન્યા મળી નહીં. બારોટ પરિવારે અજય માટે અનેક જગ્યાએ છોકરી માટે શોધ ચલાવી પણ બહેરાશના કારણે અજયને દુલ્હન મળી નહી.
ગામમાં કોઈના પણ લગ્ન હોય અજય ત્યાં અચૂક પહોંચે છે. અજય અચ્છો ડાન્સર પણ છે. પરંતુ તેને હંમેશ એક જ વાતનું દુખ થયા કરે છે કે તેના લગ્ન થતા નથી. અજયના અંકલ કમલેશ બારોટ કહે છે કે અજય માટે કન્યાની શોધ કરવામાં આવી પણ તેના બહેરાશના કારણે અજયને યોગ્ય પાત્ર મળી રહ્યું નથી. ગયા ફેબ્રુઆરીમાં મારા દિકરાના લગ્ન થાય ત્યારે અજય ખૂબ જ અપસેટ થઈ ગયો હતો. ત્યાર બાદ મેં ઘરના લોકો સાથે વાત કરીને અને આ આઈડીયા શોધી કાઢવામાં આવ્યો.
અજયના લગ્નની કંકોત્રી છાપવામાં આવી. મિત્રો અને સગાઓને વિતરિત કરાઈ. લગ્ન સમારંભમાં બધા આવ્યા. લગ્નના આગલા દિવસે અજયની સાવકી માતાએ મ્યૂઝીકલ પ્રોગ્રામ પણ રાખ્યો હતો. તમામ ધાર્મિક ક્રિયા-કાંડો કરવામાં આવ્યા. ગામના મોટાભાગના લોકો લગ્નમાં હાજર રહ્યા હતા. અંદાજે 800 લોકો આવ્યા હોવાનું કમલેશ બારોટે કહ્યું.
વિષ્ણુ બારોટના ચાર સંતાન પૈકી અજય સૌથી મોટો પુત્ર છે. વિષ્ણુ બારોટ ગુજરાત એસટીમાં કન્ડકટર છે. અજયને જન્મજાત બહેરાશ હતી પણ એ ખૂબ જ શાર્પ અને હોશીયાર છે. અજયના ભાઈ હસમુખે કહ્યું કે જ્યારે ખરેખર દુલ્હન મળી જશે ત્યારે આના કરતા પણ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જોકે, લગ્નની વાતથી અજય ખુશ હતો અને તેની ઈચ્છા આવી રીતે પરિપૂર્ણ કરવામાં આવી તેનાથી પણ તેના ચહેરા પર આનંદ જ હતો.