હવે જાહેરમાં બર્થ ડે મનાવ્યો તો થશે જેલ, સુરત પોલીસ કમિશનરનું ફરમાન

સુરત શહેરમાં યુવાનો દ્વારા જાહેર સ્થળો પર બર્થ ડે ઉજવવાની ફેશન થઈ ગઈ છે. સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મોડી રાત્રે જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને જાહેર જનતાને ખલેલ પહોંચાડવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં સંપત્તિને પણ નુકશાન પહોંચાડવાની ઘટના બની છે. આ અંગે થયેલી ગંભીર ફરીયાદોને ધ્યાને લઈ સુરતના પોલીસ કમિશનર સતીષ શર્માએ જાહેરનામું બહાર પાડી જાહેરમાં બર્થ ડે ઉજવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

પોલીસ કમિશનર જાહેર કરેલા જાહેરનામામાં જણાવ્યા મુજબ સુરતમાં મોડી રાત્રે હાઈસ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ જાહેરમાં બર્થ ડેની ઉજવણી કરે છે. એકબીજાના શરીર પર સેલો ટેપ લગાડી, કેમિકલ કે અન્ય ફોમને જબરદસ્તીથી શરીર પર લગાવી માર મારવાની ઘટના ધ્યાને આવી છે. આવા પ્રકારની હિંસાત્મક અને ક્રૂર ઉજવણીમાં વ્યક્તિનુ મૃત્યુ નિપજવાની દહેશત રહે છે. જેથી સુરત કમિશનરેટના હદ વિસ્તારમાં રાત્રીના સમયે જાહેર બાગ-બગીચા, રોડ કે રસ્તા કે બીઆરટીએસ કોરીડોર, બ્રિજ કે અન્ય જાહેર સ્થળો પર આવા પ્રકારે ઉજવતા બર્થ ડે પર સંપૂર્ણપણે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરતા જણાશે તો તેની સામે આઈપીસીની કલમ 188 મુજબ કાર્યવાહી કરવામા આવશે.