સુરત ચોર્યાસી વિધાનસભાના ભાજપના મહિલા ધારાસભ્ય ઝંખના પટેલનો પિતરાઈ ભાઈ બિશનુ નરેન્દ્ર પટેલની સુરત પોલીસે વિદેશી દારુના જથ્થા સાથે ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે. સુરતની સચીન પોલીસે દારુબંધી કાયદા હેઠળ બિશનુ પટેલની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિગતો મુજબ બિશનુ પટેલ મહારાષ્ટ્રના થાણેમાં લગ્ન પ્રસંગમાં ગયો હતો અને ત્યાંની વાઈન શોપમાંથી 34 હજારનો દારુનો જથ્થો પોતાની લક્ઝરીયસ કારમાં લઈને આવી રહ્યો હતો ત્યારે સુરત પોલીસના હાથે પલસાણા નજીકથી ઝડપાઈ જવા પામ્યો છે.
એક તરફ રાજ્ય સરકાર દારૂબંધી ના વાતો કરે,ત્યાં બીજી તરફ એક ધારાસભ્યનો પિતરાઈ ભાઈ જ દારૂની હેરાફેરી કરતો ઝડપાઈ ગયો છે. સચીન પોલીસ દ્વારા પોલીસ મથકમાં પણ લકઝરીયસ કારને વીઆઇપી ટ્રિટમેન્ટ આપવામાં આવતા ભારે ચર્ચા થઈ હતી.
સામાન્ય ગુનાના વાહનો ધૂળ ખાતા હોય,ત્યારે દારૂની હેરાફેરીમાં ઝડપાયેલી કારને વીઆઇપી સુવિધા શા માટે ? એવો પ્રશ્ન પર ઉભો થઈ રહ્યો છે. શું એક ધારાસભ્યના પિતરાઈ ભાઈની કાર હોવાથી પોલીસ વીઆઇપી સુવિધા આપી રહી છે? પોલીસ સૂત્રો મુજબ 30 લાખ રૂપિયાની કિંમત ધરાવતી લક્ઝરીયસ કારમાં દારુ લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે કાર્યવાહી કરી બિશનુ પટેલને જેલના હવાલે કર્યો છે.