ગુજરાતની ભાજપ સરકાર રાજકીય ચારિત્ર્યશીલતા ગૂમાવી ચૂકી છે

ગુજરાતમાં ફરી એક વાર આંદોલનોના ભણકારા વાગી રહ્યા છે. વિજય રૂપાણીની કેપ્ટન્સી અને નીતિન પટેલની વાઈસ કેપ્ટન્સી ધરાવતી ગુજરાત સરકાર સબ સલામતની આલબેલ પોકારી રહી છે. ક્યાંક દલિતો પર અત્યાચાર, સામાજિક બહિષ્કાર તો ક્યાંક પત્રકારો પર હુમલાની ઘટનાઓ બની રહી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થવાના બદલે દિવસે દિવસે ખરાબો વધી રહ્યો છે.

જૂનાગઢમાં પત્રકારો પર પોલીસે જે પ્રકારે લાઠીઓ વીંઝી છે તે જોતાં પોલીસ તંત્ર પર સરકારનો અંકૂશ હોવાનું દેખાઈ રહ્યું નથી. ગુજરાત પોલીસ દ્વારા સરકારના ઈશારે એટલા બધા ઓપરેશન કરવામાં આવ્યા છે અને આવી રહ્યા છે કે સરકાર પોલીસનો વાળ પણ વાંકો કરવાની સ્થિતિમાં નથી. જો સરકાર કશી પણ કાર્યવાહી કરવા જાય તો પોલીસ વિભાગનો રોષનો ભોગ બનવાનો વારો આવી શકે છે.

ગુજરાતમાં કશું પણ સમુંસુતરું ચાલી રહ્યું નથી. સરકાર પર અનેક પ્રકારના કૌભાંડોના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કોઈ પણ રીતે પરિણામ લક્ષી તપાસ કરવામાં આવી રહી નથી. તપાસના નામે બીબાઢાળ કાર્યવાહી સિવાય બીજું કશું જ ચાલી રહ્યું નથી. અડસટ્ટે-અડસટ્ટે અને અલેલ ટપ્પુની જેમ તપાસ કાંડ આચરવામાં આવી રહ્યા છે.

રાજકીય ચારિત્ર્યશીલતાના અભાવે ગુજરાત સરકારની છાપ તદ્દન ખરાબ પડી રહી છે. રોજ માહિતી ખાતાની ચૂંટણી પહેલાં આવતી પ્રેસનોટમાં સંવેદનશીલ મુખ્યમંત્રી લખાતું આવ્યું પણ સંવેદનશીલતા તો માહિતીની પ્રેસનોટમાં જ વિશેષકર ઉજાગર થયેલી જણાઈ.

ક્યાંય પણકોઈની સાથે વાત ન કરવી, આંદોલનકારીઓની સાથે વાટાઘાટો ન કરવી, રાજ્યમાં સુલેહ-શાંતિનો માહોલ બની રહે તેના માટે ભોગ બની રહેલા સમાજોના અગ્રણીઓ સાથે વાત કરવી અને સમાજોને ઘર્ષણ અને વિવાદ ટાળવા માટે સમજાવવા વગેરે જેવી બાબતોમાં વામણી પુરવાર થઈ રહી હોવાનું પ્રતિપાદિત થઈ રહ્યું હોવાનો અહેસાલ લોકોને થઈ રહ્યો છે.

દલિત સમાજને વરઘોડો કાઢવા ન દેવાય અને સમાધાન માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મહેસાણા દોડી જવું પડે તેનાથી મોટી ગંભીર બાબત કઈ હોઈ શકે છે. ગુજરાતમાં 25 વર્ષનાં ભાજપના શાસનમાં હજુ પણ દલિત સમાજ નિસહાય અને નિરાધાર જ હોવાની ચાડી ખાય છે. હજુ પણ ગુજરાતમાં આભડછેટ હોવાનું પુરવાર થઈ રહ્યું છે. રાજકીય ચારિત્ર્યશીલતામાં સૌ પ્રથમ તો સૌજન્ય મહત્વનું હોય છે.

રાજકીય ચારિત્ર્યશીલતા ગુજરાતમાં અનેક ઉત્તમ દાખલા છે, પરંતુ પાછલા કેટલાક વખતથી આ વાતો અભરાઈએ મૂકી દેવામાં આવી છે. ધારાસભ્યોની તોડફોડના પ્રકરણે તો હદ જ કરી નાંખી છે. મહત્વની વાત એ છે કે હજુ તો રાજકારણમાં પાપા-પગલી ભણી રહેલા નવા ચહેરાઓએ કારકિર્દીના પ્રારંભમાં જ પોતાના માથા પર આયારામ-ગયારામનું લેબલ ચિપકાવી લીધું છે. ખાસ કરીને કોંગ્રેસના ધારાસભ્યો માટે તો આવું જ બની રહ્યું છે. કોઈ કહે આ ધારાસભ્ય આટલો કરોડમાં વેચાયો, કોઈએ આટલા કરોડ લઈ લીધા, વગેરે આક્ષેપો રાજકારણમાં નવા નથી પણ આટલા મોટા પ્રમાણમાં પહેલી વ્યાપક સ્તરે આવું સંભળાઈ રહ્યું છે. જો આવી રીતે નવો ફાલ આવશે તો રાજ્યની સેવા કરતા મેવા ખાવાની ભાવનાથી જ આવશે અને આ વાત ખૂબ જ જોખમી પણ છે.