લોકસભાની ચૂંટણી માટે 23મી મેના રોજ સમગ્ર દેશમાં મતગણતરી કરવામાં આવશે ત્યાર ચૂંટણી પંચ દ્વારા ખાસ તૈયાર કરાયેલા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવનાર છે. અત્યાર સુધી મત ગણતરી વખતે ચૂંટણીપંચ દ્વારા જિનેસીસ નામનો સોફટવેર ઉપયોગમાં લેવાતો હતો પરંતુ આ સોફટવેરની અનેક મર્યાદાના કારણે આ વખતે તેનો ઉપયોગ કરવાનું બંધ કરાશે અને તેના સ્થાને સુવિધા નામનો નવો સોફટવેર ઉપયોગમાં લેવાશે તેવી જાણકારી કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા તમામ જિલ્લા કલેકટરો અને રિટનીંગ ઓફીસરોને આપવામાં આવી છે.
કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા દેશભરના તમામ કલેકટરો-રિટનીંગ ઓફીસરોને સુવિધા નામના નવા સોફટવેર બાબતે વિસ્તૃત સમજ અને તાલીમ આપવામાં આવી રહી છે. દરરોજ અલગ-અલગ રાજ્યના રિટર્નીંગ ઓફીસરોને આ મુજબ તાલીમ અપાઈ છે. ગઈકાલે ગુજરાતના અધિકારીઓને તાલીમ આપવામાં આવી હતી. તાલીમનો આ તબકકો આગામી તા.20 સુધી ચાલુ રહેશે. સુવિધા નામના નવા સોફટવેરનો ઉપયોગ કેમ કરવો, ડેટા એન્ટ્રી કેવી રીતે કરવી, નવા સોફટવેરના ઉપયોગમાં શું કાળજી રાખવી , નિયત ફોર્મેટમાં રિઝલ્ટશીટ તૈયાર કરવા માટે શું કરવું વગેરેની તમામ માહિતી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ રિટર્નીંગ ઓફીસરોને કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવી હતી.