કડી તાલુકાના લ્હોર ગામે કડી તાલુકાનાં દલિત પરિવારના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢી ગામના સરપંચની આગેવાનીમાં ગ્રામજનોએ બેઠક કરી હતી અને દલિત સમાજનો બહિષ્કાર કરી દલિત પરિવારોને અનાજ, કરીયાણુ, દૂધ સહિત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ મુકી દીધો હતો. જે અંગે દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠયો હતો.
આ મામલે અત્યાચારના ભોગ બનેલા પરિવારે અંતે પોલીસ મદદ માંગી બાવલુ પોલીસ મથકે સરપંચ સહિત પાંચ શખ્શો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. આજે આ અંગે ડે.સીએમ નીતિન પટેલ પણ સમાધાન કરવા પહોંચ્યા હતાં. તેમની કલાકોની સમજાવાટ બાદ પણ સમાધાન થયું નથી.આ મામલે લ્હોર ગામ પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ગુરુવારે આ બનાવ સરકારના ધ્યાને આવ્યો હતો. તાત્કાલિક અસરથી કલેક્ટર સહિત મામ લોકોને જાણ કરવામાં આવી હતી.
દલિતોએ જેમની સામે ફરિયાદ દાખલ કરી છે તે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે પાંચેય લોકો જેલ હવાલે છે. ગુરુવારે રાત્રે મારા ધ્યાનમાં આ બનાવ આવતા હું બપોરથી અહીં આવ્યો છું. મેં દોઢ કલાક સુધી ગામના તમામ વર્ગો સાથે ચર્ચા કરી છે.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગામ ખાતે ઉચ્ચ અધિકારીઓ અને અન્ય સમાજના આગેવાનો હાજર છે. અમે દોઢ કલાક સુધી ચર્ચા વિચારણા કરી છે. દલિત સમાજે સમાધાન માટે સહમતિ આપી છે. તેમણે રક્ષણની ખાતરી માંગી છે. મેં મારા તરફથી તેમને ખાતરી આપી છે કે કોઈ પણ ગામમાં વરઘોડો કાઢતા રોકવાનો કોઈનો અધિકાર નથી. જ્ઞાતિઓનો બહિષ્કાર કરવો એ પણ ગુનો છે. આવું ચલાવવામાં નહીં આવે.
તેમણે આગળ જણાવતા કહ્યું કે, કેટલાક લોકો સમાધાન ન થાય તે માટે તેમજ તેમના રાજકીય હિતો પાર પાડવા માટે કામ લાગ્યે છે. એનજીઓ ચલાવતા લોકો પણ અહીં હાજર છે. તેમની પણ ફરજ છે કે આ મામલે સમાધાન કરાવે. આ મામલે રાજકારણ લાવ્યા વગર સમાધાન થાય તે જરૂરી છે. કોઈ પોતાની સંસ્થા માટે આ બનાવનો દુરુપયોગ ન કરે તેની સમજ મેં ગામના લોકોને આપી છે. ગામના લોકોએ સમાધાન માટેની તૈયારી બતાવી છે. મહેસાણાના કડી તાલુકાના લ્હોર ગામમાં અનુસૂચિત જાતિના યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો ત્યારે ગામના લોકોએ દલિત સમાજના લોકોનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આ મુદ્દો હજી શાંત પડ્યો નથી કે સાબરકાંઠાના પ્રાંતિજમાં અનુસૂચિત જાતિના યુવકનો પોલીસ બંદોબસ્ત વચ્ચે વરઘોડો કાઢવાની ફરજ પડી હતી.
મળતી માહિતી પ્રમાણે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના સીતવાળા ગામમાં અનુસૂચિત જાતિના એક પરિવારમાં યુવકના લગ્ન પ્રસંગ હતો. જેના પગલે યુવકના પરિવારે ગુરુવારે રાત્રે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે કહેવાતા ભદ્ર સમાજના લોકોએ યુવકને રાસગરબા નહીં કરવા દેવાની ધમકી આપીને ગરબા બંધ કરાવ્યા હતા. અને બીજા દિવસે એટલે કે શુક્રવારે યુવકનો જાન નીકળવાની હતી અને વરઘોડાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, અન્ય સમાજના જૂથ દ્વારા આપવામાં આવેલી ધમકીના પગલે યુવકના પરિવારે પોલીસ સુરક્ષા માંગી હતી. આમ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ગામમાં આવી પહોંચ્યો હતો. અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.