શું ગેનીબેન ઠાકોર પણ વંકાયા, પુત્રના લગ્નમાં શંકર ચૌધરી-અલ્પેશ ઠાકોરે દેખા દીધી

કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ હવે અલ્પેશ ઠાકોરના ભાજપના નેતાઓ સાથેના ફોટા વાઈરલ થઈ રહ્યાં છે. ત્યારે ભાજપના પૂર્વમંત્રી શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર એકસાથેના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. મળતી માહિતી મુજબ વાવની ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પુત્રના ભાભરના તનવાડ ગામે લગ્ન યોજાયા હતા. જ્યાં શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની ઔપચારિક મુલાકાત થઈ હતી. એવું મનાય છે કે ગેનીબેન ઠાકોર પણ હવે કોંગ્રેસથી વંકાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે લોકસભા ચૂંટણી પહેલા અન્યાય થતો હોવાનું કહીને કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો હતો. છઠ્ઠી મેએ શહેરના રાણીપમાં અલ્પેશ ઠાકોરે તેના નવા ઘરનું વાસ્તુ પૂજન કર્યું હતું. તેમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. સાથે જ વાસ્તુ પૂજન કરી ભાજપના નેતાઓની હાજરીમાં ગૃહ પ્રવેશ કર્યો હતો. તેના ગૃહ પ્રવેશ સાથે હવે તેના ભાજપ પ્રવેશનો રસ્તો પણ સાફ થઈ ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.