પોરબંદરમાં 30 વર્ષ પછી શીતળાનો શંકાસ્પદ કેસ મળી આવતા આરોગ્ય તંત્રમાં હો-હા થઈ ગઈ છે. પોરબંદરના અડવાણાના સોઢાણા ગામમાં કેસ નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોગ્ય કેન્દ્રના તબીબો ઉચ્ચ સ્તરે કેસ અંગે જાણ કરી દીધી છે.
પોરબંદરમાં આવેલા અડવાણા તાલુકના સોઢાણા ગામમાં નવ માસની બાળકીમાં શીતળાના લક્ષણો સાથેનો કેસ મળી આવ્યો છે. ડોક્ટરોએ તપાસ કરતા શંકાસ્પદ શીતળાનો કેસ હોવાનું ધ્યાને આવતા કેસની ગંભીરતા પારખી જઈ અમદાવાદની બીજે મેડીકલ લેબોરેટરી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ને આ અંગે જાણ કરવામાં આવી છે. બન્ને એજન્સીઓના ડોક્ટરોની ટીમ આ કેસની તપાસ કરવા પોરબંદર આવે તેવી શક્યતા છે.
અડવાણાના સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર પ્રશાંત રાત઼ડીયાએ જણાવ્યું કે શંકાસ્પદ કેસ અંગે અમદાવાદ બીજે મેડીકલ લેબોરેટરી અને WHOને જાણ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ શીતળાનો રોગ થયો હોવાનું જણાઈ રહ્યું છે અને આ શંકાને આધારે જ ઉચ્ચ સંસ્થાઓને જાણ કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે અડવાણામાંથી આ અગાઉ પણ શીતળના રોગના શંકાસ્પદ કેસ મળી આવ્યા હતા. પણ આજે જ્યારે નવ માસની બાળકીમાં શીતળાના લક્ષણો હોવાનું ધ્યાને આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ જવા પામ્યું છે.