બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોર- ઠાકોર સેનાએ કોંગ્રેસને કર્યું છે મોટું નુકશાન, પણ હરાવી શકશે?

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની જે હાઈપ્રોફાઈલ સીટો બની છે તેમાં બનાસકાંઠા પણ એક સીટ છે. બનાસકાંઠા કોંગ્રેસના બળવાખોર ધારસભ્ય અલ્પેશ ઠાકોરના કારણે હાઈપ્રોફાઈલ બની છે. તો બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાએ ખરેખર કોંગ્રેસને હરાવી દીધી છે તો આનો જવાબ થોડો એવી રીતે મળી રહ્યો છે કે અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાએ કોંગ્રેસને મોટું નુકશાન પહોંચાડી દીધું છે.

હાલ તો અલ્પેશ ઠાકોર ભાજપનો ભગવો ખેસ ધારણ કરે તેવી અટકળો ચાલી રહી છે. કારણ આલ્પેશને ત્યાં યોજાયેલી વાસ્તુ પૂજામાં ભાજપના મોટા ગજાના નેતાઓ અને મંત્રી હાજર રહ્યા હતા જ્યારે કોંગ્રેસના નેતાઓને નિમંત્રણ સુદ્વાં અપાયા ન હતા. આવી સ્થિતિમાં બનાસકાંઠા લોકસભા માટે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે પંગો લઈ લીધો છે. અલ્પેશને બનાસકાંઠા લોકસભા પોતાના માણસ માટે જોઈતી હતી અને કોંગ્રેસે તે પ્રમાણે સીટ ફાળવવાનો ઈન્કાર કરી દેતા અલ્પેશના ભવાં ચઢી ગયા અને ત્યાર બાદ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામા આપી દીધા.

બનાસકાંઠામાં ઠાકોર સેના સાથે સંકળાયેલા બે ઉમેદવાર હતા. એક સરૂપ ઠાકોર અને બીજો મેલાજી ઠાકોર. મતદાનના બે દિવસ પહેલાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના ઉમેદવારોને પાડી દેવાનું ફેસબૂક લાઈવમાં એલાન કર્યું હતું. આ એલાનની ધારી અસર પડી હોવાનું મનાય છે. અને એવું કહેવાય છે કે ઠાકોર સેના સમર્થિત ઉમેદવારો ઓછામાં ઓછા લાખ કરતા વધારે વોટ લઈ જશે અને આ વોટ કોંગ્રેસને સીધી રીતે નુકશાન કરી શકે એમ છે.

પહેલાં તો વાત માંડીએ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તો બનાસકાંઠા લોકસભમાં આવતી સાત વિધાનસભા પૈકી કોંગ્રેસની પાસે પાંચ વિધાનસભા છે જેમાં વાવ, ધાનેરા, દાંતા, પાલનપુર અને દિયોદરનો સમાવેશ થાય છે. જ્યારે ભાજપ પાસે થરાદ અને ડીસા વિધાનસભા છે. 2017ની વિધાનસભામાં કોંગ્રેસે જીતેલી પાંચ વિધાનસભાની સરસાઈ 51,965 થાય છે જ્યારે ભાજપે જીતેલી બે વિધાનસભાની સરસાઈ 26,264 થાય છે. આમ કોંગ્રેસ પાસે માઈનસ-પ્લસના ગણિત બાદ 25 હજારની સરસાઈ વિધાનસભા પ્રમાણે હાથવગી જોવા મળી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં આ વખતે ભાજપે થરાદના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી પરબત પટેલ પર દાવ રમ્યો છે તો કોંગ્રેસે ચૌધરી સમાજના આગેવાન અને સહકારી અગ્રણી પરથી ભાટોલને ટિકિટ આપીને ઉમેદવાર બનાવ્યા છે. જે પરથી સ્પષ્ટ થાય છે કે, બનાસકાંઠામાં જાતિવાદી સમીકરણના આધારે ચૂંટણી લડાય છે. લોકસભાની ચૂંટણી માટે 16 લાખ 85 હજાર 723 મતદાતાઓ છે. જેમાં સૌથી વધારે 4 લાખ જેટલા ક્ષત્રિય ઠાકોર મતદાતાઓ છે. તો 2 લાખ જેટલા ચૌધરી સમાજના મતદાતાઓ છે. તો આદિવાસી અને દલિત સમાજના દોઢ-દોઢ લાખ જેટલા મતદાતાઓ છે. તો રબારી,બ્રાહ્મણ ,મુસ્લિમ સહિત અન્ય મતદાતાઓ છે ત્યારે જીત માટે બને પક્ષોના નેતાઓ જંજાવતી પ્રચાર કરી રહ્યા છે. અને પોતાની જીતના દાવા કરી રહ્યા છે. બનાસકાંઠામાં 64.70 ટકા વોટીંગ થયું છે.

ભાજપ પાસે પ્લસ પોઈન્ટ મંત્રી પરબત પટેલ છે. જ્યારે જાતિગત સમીકરણોમાં દેખીતી રીતે કોંગ્રેસનું પલડું ભારે છે. ઠાકોર સમાજના આ વખતે ત્રણ ભાગ પડશે એ નક્કી છે. એક ભાગ કોંગ્રેસમાં જશે, બીજો ભાગ ભાજપમાં જશે અને ત્રીજો ભાગ ઠાકોર સેનામાં જશે.

ઠાકોર સેનાના ઉમેદવારો દ્વારા કોંગ્રેસની પરંપરાગત વોટ બેન્ક ઠાકોર સમાજમાં મોટું ગાબડું પાડી દીધું હોવાની ગણતરી છે અને ઠાકોર સેનાના ઉમેદવારો કોંગ્રેસના એક લાખ જેટલા મત બગાડી શકે તેવી ગણતરી મૂકવામાં આવી રહી છે. ઠાકોર સમાજ ઉપરાંત ચૌધરી, રબારી, મુસ્લિમ, માલઘારી સમાજ એમ બધા સમાજના વોટીંગ શેર માટે સીધી ફાઈટ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. ઠાકોર સેના ઠાકોર સમાજ પુરતી જ મર્યાદિત રહી છે અન્ય સમાજોના વોટ મેળવવામાં ઠાકોર સેનાના ઉમેદવારો સફળ થયા હોવાનું જણાતું નથી. જાતિગત સમીકરણો કોંગ્રેસની તરફેણ કરી રહ્યા છે. બહોળા ચૌધરી સમાજના આગેવાન હરીભાઈ ચૌધરીની ટીકીટ કાપી લેવામાં આવી, હરીભાઈ ચૌધરીની નારાજગી પણ જોવા મળી હતી. તો શંકર ચૌધરીએ પરબત પટેલ જીતે તેના માટે આકાશ પાતાળ એક કર્યા છે. પરબત પટેલ જીતે તો થરાદની પેટાચૂંટણી આવે અને આ ચૂંટણી લડી શંકર ચૌધરી ફરી ગુજરાત વિધાનસભામાં એન્ટ્રી કરવાની ખ્વાહિશ રાખતા હોવાનું મનાય છે.

બળવાખોરીનો સામનો કરી રહેલી કોંગ્રેસ વિપરિત સ્થિતિમાં પણ ભાજપને ટક્કર આપી રહી છે અને ઓછા માર્જિનથી પણ કોંગ્રેસના ઉમેદવાર પરથી ભાટોળ જીતી શકે એવી સ્થિતિમાં છે. અલ્પેશ ઠાકોર કે ઠાકોર સેનાએ કોંગ્રેસને નુકશાન પહોંચાડ્યું છે પરંતુ એટલું મોટું નુકશાન નથી કે કોંગ્રેસ હારી જાય.