શહીદ PM રાજીવ ગાંધી માટે અપશબ્દો બોલવા એ કાયરતાની નિશાની: અહેમદ પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચૂંટણી પ્રચારમાં સ્વર્ગીય પીએમ રાજીવ ગાંધી પર વારંવાર હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે કહ્ટું કે શહીદ વડાપ્રધાન માટે અપશબ્દ બોલવા એ કાયરતાની નિશાની છે. પીએમ મોદીએ રાજીવ ગાંધી પર આઈએનએસ વિરાટનો ટેક્સી તરીકે ઉપયોગ કરવાનો આરોપ મૂક્તા અહેમદ પટેલ આ પ્રકારે જવાબ આપ્યો છે.

અહેમદ પટેલે કહ્યું કે તેમની નફરતના કારણે જ રાજીવ ગાંધીએ પોતાનું જીવન ગૂમાવ્યું છે. તેમના વિરુદ્વ કહેવાઈ રહેલા અપશબ્દોનો જવાબ આપવા તેઓ આપણી વચ્ચે નથી. એક શહીદ વડાપ્રધાન માટે આવા પ્રકારના અપશબ્દ કહેવા કાયરતા છે.

તેમણે કહ્યું કે રાજીવ ગાંધીની હત્યા માટે જવાબદાર કોણ છે. વિશ્વસનીય ગુપ્ત જાણકારી મળ્યા બાદ વારંવાર અનુરોધ કરવા છતાં ભાજપ સમર્થિત વીપી સિંહની સરકારે રાજીવ ગાંધીને વધારાની સિક્યોરીટી પ્રોવાઈડ કરવાનો ઈન્કાર કર્યો હતો અને માત્ર એક પીએસઓ જ આપ્યો હતો.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસેના અનેક નેતાઓએ પીએમ મોદી દ્વારા રાજીવ ગાંધી માટે વપરાયેલી ભાષાની કડક ટીકા કરી છે. આ ઉપરાંત બૌદ્વિક વર્ગે પણ પીએમ મોદીની આ મામલે આકરી ઝાટકણી કાઢી છે. પીએમ મોદી પાછલા કેટલાક દિવસથી સ્વર્ગીય પીએમ માટે આડેધડ ભાષા વાપરી રહ્યા છે. ચૂંટણી પ્રચારમાં શહીદ પીએમને પણ છોડવામાં આવી રહ્યા નથી.