લોકસભાની ચૂંટણીના ગણિત મંડાયા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નેટ ટૂ નેક ફાઈટ હોવાના સંકેત મળી રહ્યા છે. ગુજરાતમાં પણ ભાજપના ગઢમાં કોંગ્રેસ મોટું ગાબડું પાડવા જઈ રહી છે અને ઓછામાં ઓછી આઠથી દસ સીટ પર વિજય હાંસલ કરે તેવી વર્તારા મળી રહ્યા છે.
લોકસભા ચૂંટણી માટે જે પ્રકારે માહોલ બંધાણો છે તેને જોતાં એક વાત દિવા જેવી સ્પષ્ટ છે કે કોઈ પણ પક્ષને પૂર્ણ બહુમતિ મળી રહી નથી. ત્રિશંકુ લોકસભાનુ ગણિત જોવાઈ રહ્યું છે. સીધી ફાઈટ એનડીએ અને યુપીએ ગઠબંધન વચ્ચે છે પણ કીંગ રોલ ત્રીજા મોરચા તરીકે મમતા-માયા અને અખિલેશનો રહેશે એ નક્કી છે. સૌથી મોટા પક્ષ માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. પણ ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે ચૂંટણીના જ્વરમાં ભાજપને વ્યક્તિગત જે નુકશાન છે તે તેના સાથી પક્ષોને થતું દેખાતું નથી. ભાજપને 100થી 125 સીટના નુકશાનનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. જ્યારે ભાજપના સાથી પક્ષો જનતા દળ-યુ, અકાલી દળ, શિવસેના, અપના દળ વગેરેને ભાજપના પ્રમાણમાં નુકશાન થતું દેખાઈ રહ્યું નથી.
બીજી તરફ કોંગ્રેસની સ્થિતિ સાવ જુદી છે. કોંગ્રેસની વિચારધારામાં માનતા સાથી પક્ષોને પણ કોંગ્રેસ જેટલો જ ફાયદો મળતો દેખાઈ રહ્યો છે. તામિલનાડુનો દાખલો લઈએ તો અહીંયા જયલલિતાની પાર્ટી એઆઈએડીએમકે પર ડીએમકે-કોંગ્રેસ ગઠબંધન ભારે પડી શકે એમ છે. મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસની સાથે એનસીપીને પણ ફાયદો મળી રહ્યો છે. જ્યારે આંધ્ર અને તેલંગાણામાં કોંગ્રેસ અને ચંદ્રાબાબુ નાયડુને ધારેલો ફાયદો મળતો દેખાઈ રહ્યો નથી. ઓવર ઓલ કોંગ્રેસની સાથે તેના સાથી પક્ષોને પણ ફાયદો મળી રહ્યો હોવાનું જણાઈ આવી રહ્યું છે.