સુરતના લીંબાયત પોલીસ સ્ટેશનમાં ગત રોજ મારામારીના બનાવામાં પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપી ભાગી જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આખરે મામલો બહાર આવતા પોલીસ કર્મચારીઓ પર પણ કાર્યવાહીની લટકતી તલવાર જોવા મળી રહી છે.
સુરતના ગોડાદરા ગામમાં સ્વામી નારાયણ સોસાયટી પાસે મારામારીનો બનાવ બન્યો હતો. આ બનાવમાં લીંબયત પોલીસ ત્રણ આરોપીઓને પકડી લાવી હતી અને પોલીસ સ્ટેસનમાં જમા લેવામાં આવ્યા હતા. અચાનક પોલીસને ચકમો આપીને જોન નામનો આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસ વહેમ જ રહી હતી કે જોન ભાગશે નહીં પણ પોલીસને હાથતાળી આપી જોન ભાગી જતાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે.
જો પોલીસ સ્ટેશનના સીસીટીવી ચેક કરવામાં આવે તો જોન કેવી રીતે ભાગી ગયો તેની સંપૂર્ણ તસવીર સાફ થઈ શકે એમ છે. હાલ તો પોલીસે મામલાને દાબી દેવા માટે ભરપુર કોશીશ કરી છે. જોકે, ઘટના અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.