લાહોરની સૂફી દરગાહ દાતા દરબારમાં બોમ્બ વિસ્ફોટ, નવના મોત

પાકિસ્તાના પંજાબ પ્રાંતમાં આવેલી પ્રખ્યાત સૂફી દરગાહ દાતા દરબારની બાહર આજે સવાર થયેલા આત્મઘાતી હુમલામાં નવ લોકોના જાન ગયા છે. માર્યા જનારાઓમાં પાંચ પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલામાં 25 લોકો ઈજા પામ્યા છે. ઈજાગ્રસ્તોને ઈલાજ માટે હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને વિસ્ફોટની નિંદા કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પોલીસની ગાડીને ટારગેટ કરવામાં આવી હતી. બોમ્બ ધડાકા બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસને ખડકી દેવામાં આવી છે અને દરેક જગ્યાની તપાસ કરી રહ્યા છે.

પાકિસ્તાન પંજાબ પ્રાંતના આઈજી આરીફ નવાઝે જણાવ્યું કે આત્મઘાતી હુમલો હતો, જેમાં પોલીસને ટારગેટ કરવામાં આવી હતી. હુમલાખોર જે તરફથી આવ્યો હતો ત્યાં વિસ્ફોટ થયો હોત તો વધારે નુકશાન થયું હોત. તેણે પોલીસની ગાડીને ટારગેટ કરી અને હુમલો કર્યો.

તેમણે કહ્યું કે તમામ તપાસ એજન્સીઓને ઘટનાની તપાસ કરવા માટે સામેલ કરવામાં આવી છે. દાતા દરબાર દક્ષિણ એશિયાની પ્રાચીન દરગાહ માનવામાં આવે છે. અહીંયા રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. રમઝાન મહિનામાં ધમાકો થતાં લોકો સન્નાટા આવી ગયા છે. 2010માં પણ અહીંયા બોમ્બ ધડાકા કરવામાં આવ્યા હતા જેમાં 42 લોકો માર્યા ગયા હતા.