અમેઠીમાં બૂથ કેપ્ચરીંગ: સ્મૃતિ ઈરાનીના આરોપોને ફગાવતું ચૂંટણી પંચ

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને કોંગ્રેસ કાર્યકરો પર અમેઠીમાં ગઈકાલે થયેલા મતદાન દરમિયાન બૂથ કેપ્ચરીંગનો આરોપ મૂકનારા ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને ફટકો પડ્યો છે. ચૂંટણી પંચે ઈરાનીના બૂથ કેપ્ચરીંગના આરોપો ફગાવી દીધા છે.

સોમવારે અમેઠીના ગૂજરટોલાના બૂથ નંબર 316 પર મહિલા વોટ આપવા આવી ત્યારે આ બૂથના પ્રિસાઈડીંગ ઓફીસરે મહિલાને કોંગ્રેસનું બટન દબાવવાનું કહ્યું હતું અને કોંગ્રેસના પંજાને બળજબરીથી વોટ અપાવ્યો હતો.

અમેઠીમાં વયસ્ક મહિલાનો વીડિયો વાયરલ થયો ત્યાર બાદ ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ 23 સેકન્ડના વીડિયોને ટવિટર પોસ્ટ કર્યો અને લખ્યું હતું કે ચૂંટણી પંચ એલર્ટ, રાહુલ ગાંધી બૂથ કેપ્ચરીંગ કરવાનું પાક્કું કરી રહ્યા છે.

મામલો આગળ વધતા યુપીના મુખ્ય ચૂંટણી અધિકારી વ્યંકટેશ્વર લૂએ કહ્યું કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા લગાવવામાં આવેલા આરોપો નિરાધાર છે. જે બુઝુર્ગ મહિલાનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે તે પણ આધારહિન છે.

સ્મૃતિના આરોપ બાદ બૂથમાં સેક્ટર ઓફીસર અને પંચના વરિષ્ઠ અધિકારીઓ બૂથમાં પહોંચી ગયા હતા. રાજકીય પાર્ટીઓના પોલીંગ એજન્ટ અને બૂથમાં હાજર કર્મચારીઓની પૂછપરછ કરી હતી અને પરિણામ સ્વરૂપ સ્મૃતિના આરોપમાં જરા પણ સત્ય અને તથ્ય ન હોવાનું જણાઈ આવ્યું હતું. જોકે, વીડિયો વાયરલ થયા બાદ પ્રિસાઈડીંગ ઓફીસરને હટાવી લેવામાં આવ્યા હતા. આ અંગે હજુ પણ તપાસ ચાલી રહી છે.