કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે કહ્યું કે આ લોકસભાની ચૂંટણીમાં ભાજપ બહુમતિથી પાછળ રહી શકે છે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે ભાજપના પ્રમુખ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી સહિત તમામ બહુમતિના દાવા કરી રહ્યા છે કે ભાજપ પોતાના બળે બહુમતિ હાસલ કરી લેશે.
ભાજપના મહાસચિવ રામ માધવના આ નિવેદનની સાથે જ ચૂંટણીમાં પહેલી વાર ગઠબંધનનો મુદ્દો ઉભો થયો છે. બ્લુમબર્ગને આપેલા ઈન્ટરવ્યુમાં રામ માધવે કહ્યું કે જો અમે અમારા બાહુબળે 271 સીટ હાંસલ કરી લઈશું તો એ સારામાં સારી વાત બની રહેશે. જોકે, તેમણે કહ્યું કે એનડીએને પૂર્ણ બહુમત મળશે.
રામ માધવે કહ્યું કે 2014માં જ્યાં રેકોર્ડ બ્રેક સીટો હાંસલ કરી હતી તેવા ઉત્તર ભારતમાં ભાજપને નુકશાન થઈ શકે છે. જ્યારે પૂર્વોત્તર અને ઓડીશા અને પ.બંગાળમાં ભાજપને ફાયદો થવાની શક્યતા છે. જો અમે સત્તામાં પરત ફરીશું તો વિકાસની નીતિને આગળ વધારીશું.
પાકિસ્તાનના મુદ્દા પર રામ માધવે કહ્યું કે પાકિસ્તાને આતંકવાદ વિરુદ્વની લડાઈમાં પ્રમાણિકતા દર્શવવાની જરૂર છે. ચૂંટણી પત્યા બાદ ત્રણ સપ્તાહમાં એસસીઓ(સાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન)ની સમીટ મળી રહી છે અને આ સમીટમાં પીએમ મોદી અને ઈમરાન ખાન આમને સામને હશે. પાકિસ્તાન પાસે આ તક છે કે એક મહિનાની અંદર આતંકવાદ અંગે નક્કર કાર્યવાહી કરે છે તો સંબંધોમાં સુધારો થવાની શક્યતા છે.
તેમણે કહ્યું કે વિદેશ નીતિમાં ચીન અને ભારતની મિત્રતાનો એક મજબૂત ઉદાહરણ મળ્યું છે. બેલ્ટ એન્ડ રોડ સમજૂતી અંગે રામ માધવે કહ્યું કે જ્યાં સુધી સંપ્રભુતાનો મુદ્દો ઉકેલાતો નથી ત્યાં સુધી કોઈ સમજૂતીને અવકાશ રહ્યો નથી. આ યોજનામાં પાકિસ્તાન 60 બિલિયન ડોલરનું રોકાણ કરી રહ્યું છે. અમારું માનવું છે કે એકપક્ષીય રીતે આખીય યોજના તૈયાર કરવામાં આવી છે.