સેક્સયુઅલ હેરેસમેન્ટ પ્રકરણમાં ચીફ જસ્ટીસ ગોગોઈને ક્લિન ચીટ, આરોપોમાં નથી દમ

સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે જસ્ટીસ એ.એસ.બોબડેની અધ્યક્ષતાવાળી ત્રણ જજની સર્વોચ્ચ અદાલતની આંતરિક સમિતિએ કોર્ટના પૂર્વ મહિલા કર્મચારી દ્વારા ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ વિરુદ્વ કરેલા સેક્સયુઅલ હેરેસમેન્ટ(યૌન ઉત્પીડન)ના આરોપોમાં કોઈ દમ ન હોવાનું નિર્ધારિત કર્યું છે. સમિતિએ ચીફ જસ્ટીસ ગોગોઈને પોતાના રિપોર્ટમાં ક્લિન ચીટ આપી દીધી છે.

સુપ્રીમ કોર્ટની પૂર્વ મહિલા કર્મચારી દ્વારા ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ પર યૌન ઉત્પીડન કરવાનો આરોપ મૂકી સુપ્રીમ કોર્ટના 22 જજના ઘરો પર પોતાનું સૌગંધનામું મોકલ્યું હતું. આ સૌગંધનામાના આધારે ન્યૂઝ પોર્ટલોએ આ અંગેના સમાચારો પ્રકાશિત પણ કર્યા હતા.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ પછીના સૌથી મોટા જજ જસ્ટીસ એ.એસ.બોબડેની અધ્યક્ષતામાં ત્રણ જજની પેનલ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્રણેય જજોની તપાસ પૂર્વ કર્મચારીના આરોપમાં કોઈ પણ પ્રકારનું તથ્ય ન હોવાનું જણાઈ આવ્યું હોવાની જાણકારી મળી રહી છે.

સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલની ઓફીસે નોટીસ જારી કરી કહ્યું હતું કે આંતરિક પ્રક્રિયાનો ભાગ હોવાથી રિપોર્ટને જાહેર કરવામાં આવશે નહી. ત્રણેય જજોએ પાંચમી મેએ જસ્ટીસ બોબડેને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. હવે આ રિપોર્ટને સંબંધિત જજ અને ચીફ જસ્ટીસને મોકલવામાં આવશે.

જસ્ટીસ બોબડેની અધ્યક્ષતાવાળી સમિતિમાં બે મહિલા જજ નામે જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રા અને જસ્ટીસ ઈન્દીરા બેનરજી પણ સામેલ હતા. આરોપ મૂકનારી મહિલા કર્મચારીએ બે દિવસ સુધી પોતાનું નિવેદન નોંધાયું હતું ત્યાર બાદ ચીફ જસ્ટીસ ગોગોઈએ પણ સમિતિ સમક્ષ હાજર થયા હતા.