અમેરિકાના પ્રતિબંધોની મર્યાદા સમાપ્ત થયા બાદ ભારતે ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું બંધ કરી દીધું છે. હવે અમેરિકાએ ભારતને નવું ટેન્શન આપ્યું છે. સોમવારે અમેરિકાએ કહ્યું કે ઈરાન પાસેથી ભારત દ્વારા આયાત કરાતા ક્રુડ ઓઈલને બંધ કરી દેવાના કારણે થનારા નુકશાનનું વળતર આપવા માટે સસ્તા ભાવે ક્રુડ આપવાની ખાતરી આપી શકે એમ નથી. ટ્રેડ ફોરમમાં ભાગ લેવા ગયેલા અમેરિકાન કોમર્સ સેક્રેટરી વિલ્બર રોસે આ પ્રમાણે મીડિયાને કહ્યું હતું.
વિલ્બર રોસે કહ્યું કે ક્રુડ પર માલિકી અધિકાર પ્રાઈવેટ હાથોમાં છે જેના કારણે ભાવમાં છૂટઆપવા સરકાર લોકો પર દબાણ કરી શકે એમ નથી. તમને જણાવી દઈએ કે ઈરાનથી ક્રુડ ઓઈલ ખરીદવું ભારતીય રીફાઈનરીઓ માટે લાભાકારક હોય છે. ક્રુડ ઓઈલની ખરીદી બાદ ચૂકવણી માટે ઈરાન 60 દિવસનો સમયગાળો આપે છે. આ સુવિધા સાઉદી અરબ, કુવૈત, ઈરાક, નાઈજિરીયા અને અમેરિકા જેવા દેશો આપતા નથી.
અમેરિકાએ ભારતને ખાતરી પણ આપતા કહ્યું કે તે સાઉદી અરબ અને યૂનાઈટેડ અરબ અમીરાત જેવા દેશો સાથે વાતચીત કરી રહ્યું છે અને જેના કારણે ભારતને અમેરિકી પ્રતિબંધો હોવા છતાં ક્રુડ ઓઈલનું સપ્લાય મળી શકે. આ દરમિયાન પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ભારતીય રીફાઈનરીઓ પાસે જરૂરિયાત પ્રમાણે સક્ષમ યોજના તૈયાર છે.
નાણા મંત્રી
અરુણ જેટલીએ નોર્થ બ્લોકમાં અમેરિકન ટ્રેડ સેક્રેટરી વિલ્બર રોસ સાથે મુલાકાત કરી
હતી અને ઈરાન પર અમેરિકન પ્રતિબંધોમાં છૂટની મર્યાદા વધારવામાં ન આવતા ભારતમાં
ક્રુડના સપ્લાયમાં થનારી પ્રતિકુળ અસર અંગે અવગત કરવામાં આવ્યા તો ભારત ખાતેના
અમેરિકી રાજદૂત કેનિથ સ્ટારે ભારતમાં ક્રુડની સપ્લાય પર કોઈ અસર નહીં પડવાનું
આશ્વાસન આપ્યું હતું.
અત્રે નોંધનીય છે કે અમેરિકા દ્વારા ઈરાનથી ક્રુડની આયાત
કરનારા દેશોને પ્રતિબંધમાં છૂટ આપવામાં ન આવતા ભારતે બીજી મેથી ઈરાનથી ક્રુડની
આયાત કરવાનું બંધ કરી દીધું છે. ટ્રમ્પ શાસને પ્રતિબંધના કારણે મળનારી છૂટની સમય
મર્યાદા વધારવાનો ઈન્કાર કરી દીધો છે.