વિંગ કમાન્ડર અભિનંદનનો વીડિયો થયો વાયરલ, જવાનોએ સેલ્ફી લેવા કરી પડાપડી

પાકિસ્તાની સરહદમાં ધૂસીને એફ-16 વિમાનને ક્રેશ કર્યા બાદ હીરો બનીને ઉભરેલા ભારતીય હવાઈ દળના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનો તરોતાજા વીડિયો વાયરલ થયો છે. પાકિસ્તાનના વિમાનને તોડી પાડ્યા બાદ માત્ર બે દિવસ પાકિસ્તાનની કેદમાં રહેલા અભિનંદનનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં તેઓ સાથી સૈનિકો સાથે મોજ મસ્તી કરતા જણાય છે. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા આ વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. સાથી સૈનિકો અભિનંદનની સાથે સેલ્ફી લેતા જોવા મલી રહ્યા છે. અભિનંદન ફરીથી ફરજ હાજર થઈ ગયા છે. વીડિયો જમ્મૂ-કાશ્મીરનો છે. અભિનંદનની મૂંછ પણ વધારે ઝાડી અને લાંબી થઈ ગઈ હોવાનું જણાય છે.

સાથી સૈનિકોને અભિનંદન કહે છે કે હવે વધારે ફોટો નહીં પરંતુ સાથીઓ માનતા જ નથી. 1 મીનીટ 59 સેકન્ડનો આ વીડિયો છે. અભિનંદન કહે છે કે હું તમને બતાવું છું કે મેં તમારી સાથે ફોટો કેમ ખેંચાવડાવ્યો છે. આ બધા ફોટો તમારા માટે નહીં પણ તમારા પરિવાર માટે છે. હું તેમને મળી શક્યો નથી. મારા શૂભેચ્છાઓ તેમના માટે છે. જ્યારે તમે આ ફોટો તેમને બતાવો કે કહેજો કે મારા તરફથી ઓલ ધ બેસ્ટ. ઘણા લોકોની પ્રાર્થના હતી મારા સાજા થવા માટે. તેમાં તમારા બધાના પરિવારજનો પણ હતા. આ તમામ ફોટો તમારા માટે નહીં પણ તમારા પરિવાર માટે છે.

ગયા ફેબ્રુઆરી મહિનાની 14મી તારીખે જમ્મૂ-કાશ્મીરના પુલવામા ખાતે સેનાના જવાનોના કાફલા પર આતંકી હુમલો થયો હતો. ત્યાર બાદ ભારતીય સેનાએ બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી. અને જૈશના કેમ્પ તબાહ કરી દીધા હતા. ત્યાર  બાદ પાકિસ્તાને ભારતીય સીમામાં લડાકુ વિમાન મોકલ્યા હતા. આ વિમાનને ખદેડી મૂકવા માટે વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાની સરહદ સુધી ઘૂસી ગયા હતા. પાકિસ્તાને તેમને યુદ્વ કૈદી બનાવ્યા હતા. ભારતના દબાણના કારણે માત્ર બે દિવસ બાદ અભિનંદનનો પાકિસ્તાની કૈદમાંથી છૂટકારો થયો હતો.