ઉત્તર-પશ્ચિમ દિલ્હીથી ભાજપના ઉમેદવાર અને પંજાબીના પ્રખ્યાત સિંગર હંસરાજ હંસની ઉમેદવારી રદ્દ કરવા માટેની માંગણી કરવામાં આવી છે અને આ માંગણી પાછળનું કારણ તેમણે કરેલું ધર્મ પરિવર્તન જવાબદાર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટીએ ભાજપના ઉમેદવાર હંસરાજ હંસની ઉમેદવારી રદ્દ કરવાની માંગ સાથે જણાવ્યું છે કે ઉત્તર-પશ્ચિમ દિલ્હીની સીટ અનુસૂચિત જાતિ માટે રિઝર્વ રાખવામાં આવી છે. પરંતુ ભાજપના ઉમેદવાર હંસરાજ હંસ અનુસૂચિત જાતિના નથી. ભાજપના ઉમેદવારે સૌગંધનામામાં આ જાણકારી છૂપાવી છે.
આપના નેતા રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યું કે હંસરાજ હંસે 20 ફેબ્રુઆરી-2014ના દિવસે ધર્મ પરિવર્તન કરી ઈસ્લામ ધર્મ અંગીકાર કરી મુસ્લિમ બની ગયા હતા. હંસરાજ હંસના મુસ્લિમ હોવા અંગેના અહેવાલો દેશના વિવિધ ન્યૂઝ પેપરમાં પણ પબ્લીશ થયા હતા. ધર્મ પરિવર્તન કરી હંસરાજ હંસે પોતાનું નામ મહોમ્મદ યુસુફ રાખ્યું છે. તે વખતે હંસરાજ હંસે પણ એવું કહ્યું હતું ધર્મ પરિવર્તન કરી લીધું છે પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં તેઓ પોતાના જૂના નામથી જ કામ કરતા રહેશે.
રાજેન્દ્ર ગૌતમે કહ્યું કે હંસરાજ હંસે ધર્મ પરિવર્તન કરી લીધું છે ત્યારે હવે તેઓ અનુસૂચિત જાતિના હોવાનું માની શકાય નહીં. કારણ કે ઉત્તર-પશ્ચિમ દિલ્હીની સીટ અનુસૂચિત જાતિ માટે અનામત છે અને આ કારણોસર તેઓ ચૂંટણી લડી શકે નહીં.
આમ આદમી પાર્ટીના જણાવ્યા પ્રમાણે ભાજપના ઉમેદવાર હંસરાજ હંસે ચૂંટણી પંચને પોતાના ધર્મ પરિવર્તન અંગેની માહિતી આપી નથી. આપ આ અંગે કોર્ટમાં કેસ કરવાની પણ તૈયારી કરી રહી છે. આપે માંગ કરી છે કે તાત્કાલિક હંસરાજ હંસની ઉમેદવારી રદ્દ કરવામાં આવે.
નોંધનીય છે કે લોકસભાની ચૂંટણીમાં ઉત્તર-પશ્ચિમ દિલ્હીથી ભાજપના ઉમેદવાર બનેલા હંસરાજ હંસ પંજાબી લોક ગાયકના રૂપમાં પ્રખ્યાત છે. હિન્દી ફિલ્મ બિચ્છુના ગીત દિલ ટોટે ટોટે હો ગયાથી હંસરાજ હંસના ખ્યાતિ મળી હતી. આપ દ્વારા આ સીટ પરથી ગુગ્ગનસિંહને ટીકીટ આપવામાં આવી છે, જ્યારે કોંગ્રેસે રાજેશ લિલોરીયાને ટીકીટ આપી છે.