1999 બાદનું સૌથી ખતરનાક ચક્રવાત છે ફની, યુપી, બિહાર, બંગાળમાં એલર્ટ

ભીષણ ચક્રવાતી તોફાન ફની આવતીકાલે ઓરિસ્સા સુધી પહોંચવાની શક્યતાના પગલે તંત્રને સાબદું કરી દેવામાં આવ્યું છે. શૌક્ષણિક સંસ્થાઓને બંધ કરી દેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે અને કાંઠા વિસ્તારમાં રહેતા હજારો લોકોને સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. ફની ચક્રવાતને લઈ યુપી, બિહાર, ઉત્તરાખંડ, ઝારખંડ, પ.બંગાળ, સિક્કીમ, તામિલનાડુ અને પોંડિચેરીમાં પણ એલર્ટ જારી દેવામાં આવ્યું છે. હવામાન ખાતા દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આ તમામ પ્રદેશમાં બીજી અને ત્રીજી તારીખે ઝડપી પવન સાતે વરસાદ પડી શકે છે.

હવામાન ખાતાએ આપેલી ચેતવણી અનુસાર બંગાળની ખાડીમાં ફની ચક્રવાતના કારણે 30થી 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, આના કારણે ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી શકે છે. ખેડુતોને કપાયેલા પાકને ખેતરના બદલે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવાની સૂચના આપવમાં આવી છે. યુપી અને બિહારમાં સરેરાશ 40થી 50 કિ.મી અને 30થી 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.  

નોંધનીય છે જોઈન્ટ વોર્નિંગ સેન્ટર દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે 1999 બાદ આ ફની ચક્રવાત સૌથી ખતરનાક છે. ત્રીજી મેના રોજ આ ચક્રવાત જગન્નાથપુરી નજીકથી પસાર થવાની સંભાવના છે. આ સમય દરમિયાન પવનની ઝડપ 175 કિ.મી પ્રતિ કલાક રહેશે. હાલ આ ચક્રવાત બંગાળની ખાડીમાં ઓરિસ્સાના કિનારથી 66જ કિ.મી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ તરફ કેન્દ્રીત થયેલું છે. તેની સ્પીડ 14 કિ.મી. પ્રતિ કલાક છે. ભારતીય નૌસેનાને સતર્ક કરી દેવામા આવી છે. આ ઉપરાંત એનડીઆરએફની ટીમોને પણ સાબદી કરી દેવામાં આવી છે