નરેશ પટેલ-હાર્દિક પટેલ વચ્ચે મંત્રણા, કથીરીયાની જેલમૂક્તિ માટે કમિટી બનશે, આંદોલન નરમ બન્યું છે, બંધ થયું નથી

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનરો અને પાટીદાર સમાજના આગેવાનો સાથે ખોડલધામ ટ્રસ્ટના પ્રુમખ નરેશ પટેલ(ખોડલ) સાથે મીટીંગ કરી અનેક મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને પાસના કન્વીનર અલ્પેશ કથીરીયાની જેલમૂક્તિને લઈ સરકારમાં રજૂઆત કરવાનો નિર્ણય કરાયો હતો અને અનામત આંદોલન બંધ થયું ન હોવાનું હાર્દિક પટેલે જણાવ્યું છે.

હાર્દિક પટેલે જણાવ્યું કે રાજકોટ ખાતે પાસ કન્વીનર અને ખોડલધામ સંસ્થાના પ્રમુખ નરેશ પટેલ સાથે આયોજિત બેઠક માં અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ અને આંદોલન દરમિયાન થયેલા પોલીસ કેસ ખેંચવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે નિર્ણય લેવામાં આવ્યો છે કે ખોડલધામ,ઉમિયાધામ અને પાસ સમિતિમાંથી બે-બે લોકોની કમિટી બનાવીને સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે.

હાર્દિકે જણાવ્યું કે બેઠકના અંતે મીડિયા સાથે ચર્ચા કરતા કહ્યું છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી 10 ટકા અનામત બાબતે સુપ્રીમ કોર્ટ નિર્ણય નહીં આપે અને તમામ આંદોલનકારી ઉપરથી કેસો પાછા નહીં ખેંચાય ત્યાં સુધી શાંતિપ્રિય રીતે આંદોલન ચાલુ રહેશે.અનામત આંદોલન નરમ પડ્યું છે, બંધ નથી થયું. આંદોલનના કારણે જ ગુજરાતમાં પાટીદાર સમાજ સહીત ગરીબ સમાજને 1000 કરોડ રૂપિયાની સ્વાવલંબન યોજના,બિન અનામત આયોગ અને 10 ટકા અનામતનો લાભ મળ્યો છે.

આ મીટીંગમાં દિનેશ બાંભણીયા, ગીતા પટેલ સહિત પાસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.