ભારતની મોટી જીત: પુલવામા હુમલાના 75 દિવસ બાદ મસુદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરાયો

યુનાઈટેડ નેશનલ(યુનો)માં પાછલા બે વર્ષથી ભારત દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકી મસુજ અઝહરને ઈન્ટરનેશનલ ટેરરિસ્ટ જાહેર કરવાના મામલે આજે મોટી સફળતા મળી છે. પુલવામા હુમલાના 75 દિવસ બાદ મસુદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરાતા ભાજપને ચૂંટણી પ્રચારમાં નવું જોમ મળશે.

આતંકી સંગઠન જૈશે મહોમ્મદના ચીફ એવા મસુદ અઝહરે 14 ફેબ્રુઆરીએ જમ્મૂ-કાશ્મીરના પુલાવામા ખાતે ભારતીય સેનાના જવાનો પર આત્મઘાતી હુમલો કરી 50 જવાનોને શહીદ કર્યા હતા. ત્યાર બાદથી ભારતે ઈન્ટરનેશનલ કોમ્યુનિટી સમક્ષ મસુદ અઝહરને આતંકી જાહેર કરવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા હતા.

સંયૂક્ત રાષ્ટ્રમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા રાજદૂત સૈયદ અકબરુદ્દીને ટવિટર માહિતી આપતા કહ્યું કે મસુદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરી દેવામાં આવ્યો છે. સહયોગ માટે તમામ દેશોનો આભાર.

કંધાર કાંડ હોય કો પૂલવામા પર થયેલો આતંકી હુમલો આ બધામાં મસુદ અઝહરના આતંકી સંગઠન જૈશે મહોમ્મદની ભૂમિકા ખૂલીને બહાર આવી હતી. મસુદને 1994માં શ્રીનગરથી પકડી લેવામાં આવ્યો હતો પણ કંધારકાંડ બાદ ભારત સરકારે તેને મૂક્ત કરી દીધો હતો.

ભારતમાંથી મૂક્ત થયા બાદ મસુદ અઝહરે જૈશે મહોમ્મદ નામના આતંકી સંગઠનની રચના કરી હતી અને આતંકી ઘટનાઓને અંજામ આપ્યો હતો. 2001માં સંસદ પર હુમલો, 2016માં પઠાણકોટ પર હુમલો, 2018માં ફરી પઠાણકોટ પર હુમલો અને 2019માં પુલવામા ખાતે સેનાના જવાનો પર હુમલા કરવાની ઘટનાઓ સામેલ છે. આ ઉપરાંત અનેક નાના-મોટા આતંકી હુમલામાં પણ જૈશે મહોમ્મદનું નામ સંડોવાયેલું રહ્યું છે. મસુદ અઝહરને ટેરરિસ્ટ જાહેર કરવામાં આવતા ભાજપને લોકસભા ચૂંટણી પ્રચારમાં ખાસ્સો ફાયદો થવાની શકયતા જોવા મળી રહી છે.