ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જીતુ વાઘાણી પર ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચે 72 કલાકનો પ્રતિબંધ મુક્યો છે. સુરતમાં લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર દર્શના જરદોષના પ્રચાર દરમિયાન જીતુ વાઘાણીએ કોંગ્રેસ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. અને આ નિવેદન અંગે સૌ પ્રથમવાર સમકાલીને ઘટસ્ફોટ કર્યો હતો.
વાઘાણીએ કોંગ્રેસ પર અરાજકતા ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ દેશના કોઈ રાજ્યમાં સારૂ પ્રદર્શન કરી રહી નથી. વાઘાણીએ કોંગ્રેસીઓને હરામજાદા લુખ્ખા અને ગુંડા રહ્યા હતા. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે ‘હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે તમે કોઈ પણ રાજ્યમાં ચૂંટણી જીતવા માટે નફરત ફેલાવી રહ્યા છો, ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થવા દો લોકોને જ્યાં વોટ આપવો હશે ત્યાં લોકો વોટ આપશે. જીતુ વાઘાણીએ કોંગ્રેસ નેતાઓ વિશે આપેલા નિવેદન બાદ કોંગ્રેસે તેનો ખૂબ વિરોધ કર્યો હતો. ચૂંટણી પંચે પણ જીતુ વાઘાણીએ આપેલા નિવેદન બદલ તેમની વિરુદ્ધમાં સુઓમોટો ફરિયાદ દાખલ કરી હતી.
મહત્વની વાત એ છે કે ગુજરાતમાં ચૂંટણી પતી જવાને આઠ દિવસ થયા બાદ ચૂંટણી પંચ હરકતમાં આવ્યું છે. ગમે તેમ બોલતા નેતાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવાના બદલે જીતુ વાઘાણી સામે કાર્યવાહી કરવામાં આઠ દિવસનો સમય લેવામાં આવ્યો તેને લઈને ચૂંટણી પંચની વિશ્વવસનીયતા અને તટસ્થતા સામે શંકાની આંગળી ચિંધવામાં આવી રહી છે.