નીરવ મોદીને લંડન કોર્ટે આપ્યો મોટો ઝટકો, જામીન અરજી ફગાવાઈ

લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે શુક્રવારે PNB કૌભાંડમાં સંડોવાયેલા અને ભઆગેડુ નીરવ મોદીને જામીન આપવાનો ઈન્કાર કરી દેતા નીરવ મોદીને મોટો ઝટકો આપ્યો હતો. નીરન મોદીની માર્ચ મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે ત્રીજીવાર નીરવ મોદીની જામીન અરજી ફગાવી હતી. હાલ તે દક્ષિણ-પશ્ચિમ લંડનની વૈડ્સવર્થ જેલમાં બંધ છે. આ મામલે વધુ સુનાવણી 24મી મેના રોજ કરવામાં આવશે.

આ  પહેલાં 29મી માર્ચે પણ વેંસ્ટમિસ્ટર કોર્ટે નીરવ મોદીને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. ટેલિગ્રાફે જણાવ્યું હતું કે નીરવ મોદી લંડનમાં ડાયમંડનો બિઝનેસ કરી રહ્યા છે. ત્યાર બાદ લંડનની કોર્ટે તેની વિરુદ્વ ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યો હતો. ભારતે અપીલ કરતા 19મી માર્ચે નીરવ મોદીને હોલબોર્નથી પકડી લેવામાં આવ્યો હતો. ધરપકડ થઈ ત્યારે નીરવ મોદી બેન્કમાં ખાતું ખોલવવા ગયો હતો.

આ તરફ ભારતમાં ઈડી દ્વારા નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોકસીની 12 લક્ઢરી કારોની હરાજી કરી નાંખી છે.ઈડી તરફથી MSTCએ 12 લક્ઝરી કારોની બોલી લગાવી હતી. આ કારોને માત્ર બાર જેટલી લેણદાર મળ્યા હતા. કારોની હરાજીમાંથી ઈડીને માત્ર 3.29 કરોડ જ મળી શક્યા છે.

2018ના જાન્યુઆરી મહિનામાં PNB કૌભાંડ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ નીરવ મોદી વિદેશ ભાગી ગયો હતો.

આટલી સંપત્તિના માલિક છે PM મોદી, પાંચ વર્ષમાં બેગણી આવક, સોનાની કેટલી અંગૂઠી છે?

વડાપ્રધાન મોદીએ શુક્રવારે પોતના સંસદીય ક્ષેત્ર વારાણસીથી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. વારાણસીમાં દાખલ કરેલા સૌગંધનામામાં પીએમ મોદીએ પોતાની સંપત્તિ અને આવકની જાહેરાત કરી છે. પીએમ મોદીની આવક પાછલા પાંચ વર્ષમાં બેગણી વધી ગઈ છે.

ચૂંટણીના સૌગંધનામામાં આપેલી જાણકારી પ્રમાણે વર્ષ 2013-14માં પીએમ મોદીની આવક 9,69,711 હતી, જે નાણાકીય વર્ષ 2017-18માં વધીને 19,92,520 રૂપિયા થઈ ગઈ છે. આવી રીતે પીએમ મોદીની આવકમાં પાછલા પાંચ વર્ષમાં 10,22,809 રૂપિયાનો વધારો થયો છે. જોકે, પીએમ મોદી પાસે મામૂલી રોકડ રકમ છે. તેમની પાસે 38,750 રૂપિયા રોકડા છે.  

સૌગંધનામામાં તેમણે દર્શાવ્યું છે કે પીએમ બનતા પહેલા તેમની વાર્ષિક આવક એક લાખ કરતા પણ ઓછી હતી. જાણકારી પ્રમાણે 2013-14માં પીએમ મોદીની આવક 9.69 લાખ હતી. જ્યારે ત્યાર બાદ 2014-15માં તેમની વાર્ષિક આવક 8.58 લાખ થઈ હતી. આવી રીતે વડાપ્રધાન બન્યા બાદ તેમની વાર્ષિક આવકમાં 1.10 લાખનો ઘટાડો નોંધાયો છે.

જોકે, 2015-16માં તેમની વાર્ષિક આવકમાં સારો એવો વધારો નોંધાયો છે. આ વર્ષમાં તેમની વાર્ષિક આવક 19,23,160 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. ગયા વર્ષે એટલે કે 2016-17માં તેમની આવકમાં ઘટાડો થયો અને 14,59,750 રહી હતી. જ્યારે 2017-18માં તેમની આવક વધીને 19,92,520 રૂપિયા થઈ હતી.

પીએમ મોદી કુલ 2,51,36,119 કોરડની સંપત્તિના માલિક છે. તેમની પાસે 1,41,36,119 કરોડ રૂપિયાની સ્થાવર અને 1,10,00,000ની જંગમ મિલ્કત છે. પીએમના બેન્ક ખાતામાં માત્ર 4,143 રૂપિયા છે. જ્યારે ભારતીય સ્ટેટ બેન્કમાં તેમની પાસે એફડીની રકમ વધીને 1.27 કરોડ સુધી પહોંચી ગઈ છે. તેમની પાસે 20 હજારના સરકાર બોન્ડ અને 7.61 કરોડ રૂપિયા એનએસસીમાં રોકાણ કર્યા છે.

પીએમ મોદીના નામે બે વીમા પોલિસી છે. તેની સરન્ડર વેલ્યૂ 1.90 લાખ રૂપિયા થવા જાય છે. આ ઉપરાંત ચાર સોનાની અંગૂઠી પણ છે જેની કિંમત 1.13 લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત તેમણે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી ટીડીએસ રૂપે કપાયેલા 85,145 રૂપિયા અને વડાપ્રધાન કાર્યાલય તરફથી 1.40 લાખ રૂપિયા મળવાના છે.

પીએમ મોદી પાસે કોઈ પણ કર્મશિયલ બિલ્ડીંગ નથી. ગાંધીનગરમાં એક ઘર છે અને તે ઘરમાં તેઓ હિસ્સેદાર છે. આ ઘરની હાલની વેલ્યૂ 1.10 કરોડ રૂપિયા થવા જાય છે. તેમના પર કોઈ પણ દેવાનું ભારણ નથી.

બેલેન્સ ઉડી જાય છે? ટેલિકોમ કંપનીઓને ટ્રાઈએ આપી આ મોટી રાહત

ટેલિકોમ રેગ્યુલેટરી (ટ્રાઈ) દ્વારા ટેલિકોમ કંપનીઓને રાહત આપવામાં આવી છે. કંપનીઓ હવે પ્રિ-પેડ મોબાઈલ યૂઝર્સને પ્રિ-એક્ટિવેટેડ આઈએસડી સુવિધા આપી શકશે. આ પહેલાં વિદેશથી આવતા ફ્રોડ કોલને લઈ ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓની આ સુવિધા અટકાવી દીધી હતી. જોકે, કંપનીઓએ આવા કોલ કરવા માટે સતર્કતા રાખવાની જરૂર રહેશે.

મોબાઈલ યૂઝર્સને હાલ 46 દેશોમાંથી ફ્રોડ કોલ્સ આવી રહ્યા છે. કોલ રિસીવ કરતાં જ ગ્રાહકોનું બેલેન્સ ઉડી જતું હોવાની વ્યાપક ફરીયાદ ઉઠી છે. આવી સ્થિતિમાં પ્રિ-પેડ ગ્રાહકોને પ્રિ-એક્ટિવેટેડ આઈએસડી સુવિધા મળતા કોલ ઉંચકતા પહેલાં ચેતવણી મળી જશે. ટેલિકોમ કંપનીઓ આવા ફ્રોડ કોલ્સ અંગે પ્રિ-રેકોર્ડીંગ મેસેજ અને એસએમએસ દ્વારા ગ્રાહકોને ચેતવણી આપવાની રહેશે.

સાધિકા સાથેના દુષ્કર્મ કેસમાં નારણ સાઈ દોષિત, પાંચ વર્ષ, ચાર મહિના પછી ચૂકાદો, સજાનું એલાન 30મીએ

સુરતની પરિણીતા સાથેના દુષ્કર્મ કેસમાં સુરતની અદાલતે આસારામના પુત્ર નારાણ સાંઈને દોષિત ઠેરવામાં આવ્યો છે. સુરતની સેશન્સ કોર્ટે બે સગી બહેનો સાથે દુષ્કર્મ આચરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આશરે ત્રણ હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. છઠ્ઠી ઓક્ટોબર-2013માં સુરતના જહાંગીર પુરા પોલીસ સ્ટેશનમાં બે સગી બહેનો અને આસામરામ આશ્રમની સાધિકાએ નારણ સાઈ દ્વારા દુષ્કર્મ આચરવામા આવ્યો હોવાની ફરીયાદ કરી હતી. આ કેસમાં સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. પીડિતાઓનું 164 મુજબનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ કેસમાં લાંચ આપવાના પ્રયાસ કરવાનો પણ ગુનો સુરતની ડીસીબીમાં નોંધવામાં આવ્યો હતો.

પાંચ વર્ષ અને ચાર મહિના બાદ નારણ સાઈને સુરતના દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. સજાની સુનાવણી 30મીએ કરવામાં આવશે. ફરીયાદ નોંધાયા બાદ નારણ સાઈ 58 સુધી પોલીસને હાથતાળી આપી ભાગતો ફરતો હતો પરંતુ છેવટે સુરત પોલીસે દિલ્હી પાસેથી નારણ સાઈને પકડી પાડ્યો હતો.

અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્ કરવા કોંગ્રેસની માંગ

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો વિરુદ્વ કામ કરી કોંગ્રેસના ઉમેદવારોને હરાવવા માટે મેદાનમાં ઉતરેલા રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્ કરવા માટે કોંગ્રેસે વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી અને વિધાનસભા સચિવ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે.

વિધાનસભા કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલની આગેવાનીમાં કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને મળ્યું હતું. કલોલના ધારાસભ્ય બળદેવ ઠાકોરે પત્રકારોને જણાવ્યું કે અલ્પેશ ઠાકોરે બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવારને હરાવવા માટે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરી છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે અને તેઓ હવે કોંગ્રેસમાં રહ્યા નથી. કોંગ્રેસે તેમનું પ્રાથમિક સભ્ય પદ પણ રદ્દ કરી નાંખ્યું છે.

તેમણે જણાવ્યું કે બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરવાના બદલે અલ્પેશ ઠાકોરે અપક્ષ ઉમેદવારનો પ્રચાર કરી કોંગ્રેસ વિરોધી કામ કર્યું છે તો એમનું સભ્ય પદ રદ્ કરવામાં આવે. કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને અનેક મહત્વના હોદ્દાઓ આપ્યા હતા. એક વર્ષમાં અનેક હોદ્દા આપ્યા હોવા છતાં અલ્પેશ ઠાકોરે અન્યાય થયો હોવાનું જણાવી કોંગ્રેસ છોડી દીધી છે. આ હોદ્દા મેળવવા માટે લોકોનું જીવન પુરું થઈ જાય છે ત્યારે અલ્પેશને ટૂંકા સમયમાં સાત કરતા વધુ હોદ્દા આપ્યા હતા. હવે કોંગ્રેસ વિરોધી પ્રવૃત્તિ કરી અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્ કરવા માંગ કરવામાં આવી છે. વિધાનસભા અધ્યક્ષ અને સચિવને અલ્પેશના કોંગ્રેસ વિરોધી પ્રવૃત્તિના પુરાવા આપવામાં આવ્યા છે.

શું ગુજરાતમાં ‘P’ ફોર પટેલ ચાલ્યું છે? કોળી, કણબી અને પાટીદારો કોંગ્રેસ તરફ પાછા ફર્યા?





આદિવાસીઓનું ભારે વોટીંગ કોના તરફ છે?

ગુજરાતમાં મતદાન સંપૂર્ણ થતાં તરેહ-તરેહની ચર્ચા ચાલી રહી છે. જે પ્રમાણે વોટીંગ પેટર્ન ડેવલપ થઈ છે તેને લઈ ભાજપ કોંગ્રેસના નેતાઓ માથા ખંજવાળતા થઈ ગયા છે ત્યારે એક વાત ઉડીને આંખે વળગી રહી છે ગુજરાતમાં શું પી ફોર પટેલ ચાલ્યું છે કે શું? અને પી ફોર પટેલ પણ કોંગ્રેસ તરફી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને ચરોતરના મતદાનના આંકડાએ રાજકીય પંડિતોને વિચારતા કરી દીધા છે. અત્યાર સુધી ગુજરાતમાં કોંગ્રેસને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણી રહેલા રાજકીય વિશ્લેષકો માટે મતદાનની ટકાવારી એક તરફ સર્જિકલ સ્ટ્રાઈક તરફેની ગણાવાઈ રહી છે તો બીજી તરફ સ્થાનિક મુદ્દાઓને લઈ ભાજપના નેતાઓના મોં સિવાઈ ગયા છે.

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટરે ભાજપને 100ના આંકડાને પાર કરવા દીધો ન હતો. વિધાનસભાની બેઠકો હાંસલ કરવામાં ભાજપ સદી ચૂકી ગયો હતો. વિધાનસભાની પેટર્ન અને લોકસભાની પેટર્નમાં ખાસ્સો બદલાવ જોવા મળી રહ્યો નથી. વિધાનસભાની ચૂંટણીમાં પણ આદિવાસી અને પટેલ સમાજના પ્રભુત્વ ધરાવતી બેઠકો પર મતદાનની ટકાવારી વધી છે, શહેરી વિસ્તારોમાં પણ ટકાવારી નોંધપાત્ર રહી છે અને આદિવાસી પટ્ટીમાં પણ મતદાન ઉંચું રહ્યું છે. આદિવાસી સમાજ તો બૂલેટ ટ્રેન, એક્સપ્રે હાઈવે અને ભારતમાલા પ્રોજેક્ટમાં જઈ રહેલી જમીનોને લઈ ખેડુતો અને આદિવાસીઓ ભારે ગુસ્સામાં હતા અને ગુસ્સાને વોટમાં કન્વર્ટ કરવામાં આવ્યો હોવાનું મનાય છે.

ખાસ મહત્વનું એ છે કે પાટીદાર અનામત આંદોલનના લિસોટા ભાજપને લોકસભામાં પણ મથાવી ગયા છે. આનંદીબેન પટેલની વિદાય અને આંદોલન દરમિયાન થયેલી ઘટનાઓમાં પાટીદાર સમાજને અન્યાય જેવા મુદ્દાઓ મહત્વના રહ્યા હતા. આ સાથે કોળી પટેલ સમાજે પણ દક્ષિણ ગુજરાતની ત્રણ બેઠકો પણ પોતાના સમાજના ઉમેદવારને જીતાડવાની કરેલી અપીલ કામ કરી ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભાજપના ગઢમાં ગાબડા પડી શકે તેવી સ્થિતિ છે. ખાસ કરીને પાટીદાર, આદિવાસી મહિલાઓનું ભારે વોટીંગ રહ્યું છે જ્યારે પાટીદાર સમાજનું બહુધું વોટીંગ કોંગ્રેસ તરફી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

હાર્દિક પટેલના મારવામાં થપ્પડની પણ ભાજપ તરફે નુકશાનકારક અસર જોવા મળી રહી છે. યુવાનોએ હાર્દિકને મારવામાં આવેલી થપ્પડ સામે મતદાન કર્યું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

ગુજરાતમાં પી ફોર પટેલ ચાલ્યું હોય તો ભાજપ માટે સીટ હાંસલ કરવામાં મુસીબતોનો પહાડ ખડકાયા વગર રહેવાનો નથી. પાટીદાર સમાજ દ્વારા કોંગ્રેસ તરફી વોટીંગની ચર્ચા વચ્ચે ભાજપના નેતાઓ માટે નવેસરથી ગણિત માંડવાની નોબત આવી ગઈ છે.  

 



આદિવાસીઓનું ભારે વોટીંગ કોના તરફ છે?



હાર્દિક પટેલનું કદ વધ્યું: રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે કરશે પ્રચાર

પાટીદાર સમાજના યુવા નેતા અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ હવે યુપીમાં સભાઓ ગજવવા તૈયાર થઈ ગયા છે. યુપીમાં હાર્દિક પટેલ સીધા જ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી અને યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીના લોકસભા મતવિસ્તારમાં સભાઓ ગજવવા પહોંચી રહ્યા છે.

ગુજરાતમાં લાગલગાટ સભાઓ કર્યા બાદ હાર્દિક પટેલને કોંગ્રેસે ઉત્તરપ્રદેશના ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા છે. હાર્દિક પટેલ જેવા યુવા નેતાને કોંગ્રેસ જેવી પાર્ટીના સુકાનીઓના લોકસભા વિસ્તારોમાં સભા કરવા માટે પસંદગી કરવામાં આવી છે ત્યારે પાટીદાર સમાજ અને હાર્દિકના સમર્થકોમાં મોટાપાયા પર હરખની હેલી જોવા મળી રહી છે.

ગુજરાત લોકસભા અને ચાર વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસે હાર્દિક પટેલના ખભા પર વિશ્વાસા મૂકીને માત્ર ગુજરાતમાં જ રોજની બેથી ત્રણ સભા અને અને એટલી જ ગ્રુપ મીટીંગોની કમાન સોંપી હતી. હાર્દિક પટેલ આજે યુપી માટે રવાના થયા છે. અને વિમાન મારફત લખનૌ પહોંચીને અહોરભાવની –અમેઠીમાં રાહુલ ગાંધીના લોકસભા વિસ્તારમાં જાહેરસભાને સંબોધિત કરશે. ત્યાર બાદ કરહિયા બજાર, સલોનમાં સભાને સંબોધન કરશે.

અમેઠી ઉપરાંત સોનિયા ગાંધીના લોકસભા વિસ્તાર રાયબરેલીના દાદુર,બ્લોક-સતાંવ અને કામલપુર બ્લોક-રોહનીયામાં જાહેરસભાને સંબોધન કરશે. જ્યારા રાત્રી રોકાણ રાયબેરલીમાં કરશે હાર્દિકની સાથે અમેઠીનાં કોંગ્રેસ પ્રમુખ યોગેન્દ્ર મિશ્રા. રાયબરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વીકે શુકલા અને રાયબરેલી શહેર પ્રમુખ સૈયદુલ હસન સાથે રહેશે.

અલ્પેશ કથીરીયા અને હાર્દિક વચ્ચે ફૂટ પાડવાનો કારસો, પણ સફળ નહીં થાય: ધાર્મિક માલવિયા

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને હાલ જેલવાસ ભોગવી રહેલા અલ્પેશ કથીરીયાના બેનરો લઈને અમદાવાદના નિકોલમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગીતા પટેલના પ્રચાર માટે સભા કરવા ગયેલા કોંગ્રેસના યુવા સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની સભામાં ભારે હોબાળો કરવામાં આવ્યો હતો તેને લઈને સુરત ખાતેના પાસના આગેવાન અને અલ્પેશ કથીરીયાના નજીકના મનાતા એવા ધાર્મિક માલવિયાએ તરત જ સોશિયલ મીડિયામાં ઓડિયો અને ઈલેકટ્રોનિક મીડિયામાં નિવેદન આપી કહ્યું કે હાર્દિક અને અલ્પેશ વચ્ચે ફૂટ પાડવાનો આ કારસો છે પણ સફળ થશે નહીં.

સુરતના પાસના આંદોલનમાં એક વખત સાથે રહેલા યુવાનોને ગેરમાર્ગે દોરી આખો દિવસ હાઈફાઈવ ફાર્મમાં રાખી સાંજે હાર્દિકની સભામાં કથીરીયાના બેનર સાથે ઈનોવા કારમાં લઈ આવવામાં આવ્યા હતા. અમદવાદના ડીસીપી અક્ષય રાજે કહ્યું છે કે અલ્પેશના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો તો આના જવાબમાં ધાર્મિકે કહ્યું કે આ વાત ખોટી છે. અલ્પેશ જેલમાં છે અને બહાર શું ચાલી રહ્યું છે તે અંગે એને કશી ખબર જ નથી. ત્યારે પાસના નામે કેટલાક યુવાનોને ભાજપના મોટા માથાના ઈશારે ગેરમાર્ગે દોરી આવી રીતે હરકત કરવામાં આવી રહી છે. હાર્દિકનું રાજકારણમાં કદ વધી રહ્યું હોવાથી ભાજપના કેટલાક નેતાઓ હાર્દિક સામે મોરચો માંડીને બેઠાં છે. પરંતુ તેઓ સફળ થશે.સુરતના સામાન્ય ઘરના યુવાનોને પ્રલોભન આપ્યા હોય તે તમે આવું કરો તો અમે અલ્પેશને જેલમાંથી છોડી દઈશું. હાલ મેટર કોર્ટમાં ચાલી રહી છે, ત્યારે વિશેષ કશું પણ કહી શકાય એમ નથી.  

ધાર્મિકે કહ્યું કે સુરતમાં ભાજપની સભા યોજી શકાઈ નથી. પુરુષોત્તમ રૂપાલા આવવાના હતા પરંતુ તેમની તબિયત ખરબા થતાં સભા કરી શકાઈ ન હતી. આના પરથી ખ્યાલ આવશે કે ભાજપમાં કેટલા મોટા પ્રમાણમાં ગભરાટ અને હારવાનો ડર છે. પાસમાં સંપૂર્ણપણે એકતા છે અને અલ્પેશ સહિત સૌ કોઈ હાર્દિકની સાથે જ છે, એમાં કોઈ બેમત નથી. બન્ને વચ્ચે ફૂટ પાડવાનો ખેલ ક્યારેય સફળ થશે નહીં.

માણાવદરમાં રેશ્મા પટેલ પર હુમલો, હિચકારી હરકત: છાતી પર હાથ મારી કહ્યું “બઉ પાવર છે”

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસોની વાર છે, ત્યારે તમામ રાજકીય પક્ષ દ્વારા પ્રચાર અને પ્રસાર જોર શોરથી કરવામાં આવે છે. કેટલીક વાર નેતાઓને પ્રચાર સમયે કડવા અનુભવ પણ થાય છે. કેટલીક જગ્યા પર લોકો ડાયરામાંથી નેતાઓને ભગાડે છે, તો કેટલાક ગામડાઓમાં લોકો નેતાઓનો વિરોધ કરે છે. ત્યારે કાર્યકરો દ્વારા છેલ્લમાં છેલ્લી કક્ષાએ ઉતરી વરવું પ્રદર્શન અને હિચકારા કૃત્ય કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતની માણાવદર વિધાનસભાની બેઠક પરથી NCPમાંથી ચૂંટણી લડી રહેલા રેશમા પટેલ જૂનાગઢના વંથલી રોડ પર પ્રચાર કરતા હતા ત્યારે ભાજપના કાર્યકરો દ્વારા રેશમા પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. રેશમા પટેલને પ્રચાર ન કરવાની ધમકી આપવામાં આવી હતી. હુમલો થયા બાદ રેશમા પટેલને સારવાર માટે હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન રેશમા પટેલે જણાવ્યું હતું કે, અમે પ્રચાર કરતા હતા ત્યારે ભાજપના કાર્યકર્તાઓ ત્યાં હતા. એને મારી સાથે પહેલા છેડતી કરી છે બોલીને એટલે મેં કહ્યું ભાઈ અમે પ્રચાર માટે આવ્યા છીએ, તમે ભલે ભાજપના હોય તમે આવી રીતે ન બોલો એટલે તેને મારી બાજુમાં આવીને મારી છાતી પર હાથ માર્યો અને એની મુઠ્ઠી મારા ગાળા પર વાગી અને મારી છાતી પર હાથ મારીને કહે કે, બઉ પાવર છે 200 જણાને લઇને હમણાં પતાવી દઉ એમ કહીને હાથાપાઈ થઈ અને એવી રીતે એને મારા પર હુમલો કર્યો. પછી મારી ટીમ આવી ગઈ એટલે એ લોકોએ મારાથી પેલા ભાઈને દૂર કર્યા અને કહ્યું કે, તમે મહિલા પર હુમલો કેમ કરો છો. એ કોઈ દીપક વડાલીયા કરીને કોઈ ભાજપના હતા પછી એને ભાજપ વાળા લઇ ગયા.

અલ્પેશ કથીરીયાની જેલમૂક્તિ માટે ફરી એક વખત સળવળાટ, દિનેશ બાંભણીયાએ મીટીંગ બોલાવી

પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા દિનેશ બાંભણીયાએ પાટીદાર સમાજના આગેવાનો અને ધાર્મિક સંસ્થાઓને જેલવાસ ભોગવી રહેલા PAASના કન્વીનર અલ્પેશ કથીરીયાની જેલમૂક્તિ માટે પત્ર લખ્યો છે. દિનેશ બાંભણીયાએ પત્રમાં અનેક બાબતોને પણ ઉજાગર કરી છે. અલ્પેશ કથીરીયાની જેલમૂકિતને લઈ દિનેશ બાંભણીયાએ રાજકોટમાં મીટીંગનું આયોજન કર્યું છે. જેમાં હાર્દિક પટેલ સહિત તમામ આંદોનકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

દિનેશ બાંભણીયા પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી ચાલતા પાટીદાર અનામત આંદોલનમાં ગુજરાતમાં અનેક ઉતાર-ચઢાવ વચ્ચે 14 યુવાનો ગુમાવ્યા અને અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો છે. પોલીસ દમન, જેલવાસ, પોલીસે કેસો થયા. સાથો સાથ 10 ટકા ઈબીસી, યુવા સ્વાવલંબન યોજના, બિન અનામત વર્ગ માટે અનામત, નોકરીની વય મર્યાદામાં વધારો વગેરે અનામત આંદોલનની ફળશ્રુતિ રહી છે. પરંતુ મુખ્ય કન્વીનર અલ્પેશ કથીરીયા ખોટા કેસમાં જેલવાસ ભોગવી રહ્યો છે.

બાંભણીયાએ લખ્યું છે કે પાટીદાર આંદોલન સમિતીની રચનામાં મારો પણ સિંહફાળો રહ્યો હતો. અલ્પેશ કથીરીયાની જેલમૂક્તિ માટે તમામ આંદોલનકારીઓ અને સમાજના આગેવાનોએ આગળ આવવાની જરૂર છે.

દિનેશ બાંભણીયાએ લખ્યું છે કે હવે કથીરીયાની જેલમૂકતિ માટે ઉમિયાધામ, ઊંઝા અને ખોડલધામ-કાગવડએ ઘણા બધા માન-અપમાનનો સામનો કર્યા પછી સમાજના હિતમાં સહકાર આપ્યો છે ત્યારે મર્યાદિત આંદોલનકારીઓની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

અલ્પેશ કથીરીયાની જેલમૂક્તિ માટે પહેલી મેના ગુજરાત સ્થાપના દિવસે ખોડલધામ સંસ્થા-સરદાર ભવન, રાજકોટમાં મીટીંગ રાખવામાં આવી છે. આ મીટીંગમાં હાર્દિક પટેલ, ધાર્મિક માલવિયા, ઉદય પટેલ, મનોજ પનારા, સુરેશ પટેલ, હર્ષદ પટેલ, જયેશ પટેલ, રાજ પટેલ અને જીતુ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું છે. દિનેશ બાંભણીયા ઉપરાંત સુરતના પાસના કન્વીનર ધાર્મિક માલવિયાએ પણ અલ્પેશ કથીરીયાની જેલમૂક્તિને લઈ ચળવળ શરૂ કરી છે.