રાફેલ ડીલ: મોદી સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો, નોટીસ ઈશ્યુ કરી

રાફેલ ડીલ મામલે પુનર્વિચાર અરજી પર સુનાવણ કરતા સપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્રની મોદી સરકારને નોટીસ ઈશ્યુ કરી છે. કોર્ટે સરાકરને 4 મે સુધી જવાબ રજૂ કરવાનો સમય આપ્યો છે. હવે પછી 6 મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. સરકાર વતી અટોર્ની જનરલ કેકે વેણૂગોપાલે જવાબ રજૂ કરવા માટે 4 સપ્તાહનો સમય માંગ્યો હતો, પણ કોર્ટ સમય આપવાનો ઈન્કાર કર્યો હતો. સરકાર માટે આ એક મોટો ઝટકો બની રહે તેમ છે.

રાફેલ કેસની સુનાવણી કરી રહેલા ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ સંજય કૌલ અને જસ્ટીસ એમ જોસેફની બેન્ચે કેન્દ્રની મોદી સરકારને શનિવારે સુધીમાં પોતાનો જવાબ રજૂ કરવાનો સમય આપ્યો છે. આ સાથે જ છઠ્ઠી મેના રોજ ફરી સુનાવણી કરવામાં આવશે. સોમવારે કેન્દ્ર સરકારે સૌગંધનામું રજૂ કરવા માટે વધુ સમયની માંગ કરી હતી પરંતુ કોર્ટે સમય આપવાની માંગણી ફગાવી દીધી હતી.

હવે સરકારે અરજદારોએ મૂકેલા કોર્ટને ગેરમાર્ગે દોરવાના આરોપ અંગે જવાબ આપવાનો છે. સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલ અંગે પુનર્વિચાર અરજી પર કોર્ટે 10 એપ્રિલે મંજુરીની મહોર મારી હતી અને કેસને ફરી ચલાવવાનો આદેશ આપ્યો હતો. મીડિયા રિપોર્ટમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલોના દસ્તાવેજોના આધારે સુનાવણી ફરી શરૂ કરવાનો કોર્ટે આદેશ આપ્યો હતો. કોર્ટે દસ્તાવેજોના વિશેષાધિકાર અંગે સરકારે કરેલા દાવાને પણ ફગાવી દીધો હતો. સોમવારે એટલે કે ગઈકાલે કોર્ટે સરકારે સંતાકૂકડીની રમત બંધ કરવા માટે પણ સખત ટીપ્પણી કરી હતી.