નાગરિકતાનો વિવાદ: પ્રિયંકાએ કહ્યું આખી દુનિયા જાણે છે રાહુલ ભારતીય છે, આવી બકવાસ કદી સાંભળી નથી

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીની નાગરિકતાને લઈ ઉભા થયેલા વિવાદ અગે રિએક્શન આપ્યા છે. ભાજપના દાવાને ફગાવી તેમણે કહ્યું કે આખી દુનિયા જાણે છે કે રાહુલ ગાંધી ભારતીય છે. આવી બકવાસ પહેલા ક્યારેય પણ સાંભળી નથી.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની નાગરિકતાને લઈ ભાજપના નેતાની ફરીયાદના અનુસંધાનમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને નોટીસ આપી છે અને પંદર દિવસમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે.

ગૃહ મંત્રાલયને ભાજપના સાંસદ અને ઘોર ગાંધી પરિવાર વિરોધી એવા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા ફરીયાદ કરવામાં આવી છે. તેમણે આરોપ મૂક્યો છે કે બ્રિટનમાં રજિસ્ટર્ડ થયેલી કંપની બેકઓપ્સના રાહુલ ગાંધી ડાયરેક્ટર હતા. આ કંપની 2003માં સ્થાપવામાં આવી હતી. આ કંપની દ્વારા ફાઈલ કરવામાં આવેલા વાર્ષિક રિટર્નમાં રાહુલ ગાંધીની જન્મ તારીખ 19, જૂન 1970 દર્શાવવામાં આવી હતી. આ રિટર્ન 10 ઓક્ટોબર 2005 અને 31 ઓક્ટોબર 2006માં ફાઈલ કરવામાં આવ્યું હતું અને આ ડોક્યુમેન્ટસના આધારે રાહુલ ગાંધીને બ્રિટીશ નાગરિક દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 17 ફેબ્રુઆરી 2009માં આ કંપનીએ ક્લોઝર અરજીમાં પણ રાહુલ ગાંધીને બ્રિટીશ નાગરિક બતાવવામાં આવ્યા છે.

ભાજપ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે કોંગ્રેસે પલટવાર કરતાં કહ્યું કે રાહુલ ગાંધી જન્મજાત ભારતીય છે પરંતુ બોગસ રીતે ભાજપ આ બધું ચલાવી રહ્યું છે. મહત્વના મુદ્દાથી લોકોને ગેરમાર્ગે દોરી ભાજપ અપપ્રચાર કરી રહ્યો છે. રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે મોદી પાસે બેરોજગારી, કૃષિ સંકટ અને કાળા નાણા જેવા મુદ્દા પર કોઈ જવાબ નથી એટલે ભાજપ આવા રીતે બોગસ પ્રચાર કરી રહ્યો છે.