સુરતની સેશન્સ કોર્ટે જેલમાં બંધ અને યુવતી સાથે દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઇને 2013માં એક મહિલા ભકતની સાથે દુષ્કર્મ આચર્યાના કેસમાં દોષિત ગણાવ્યો છે. આ કેસમાં આજે સજાની જાહેરાત થશે. નારાયણ સાંઈ સહિતના આરોપી હાલ લાજપોર જેલમાં બંધ છે. આ સિવાય ગંગા, જમના, કૌશલ અને રમેશ મલ્હોત્રા પણ હાલ પોલીસ કસ્ટડીમાં છે. કોર્ટ રૂમમાં નારાયણ સાંઇના વકીલ અને સરકાર વકીલ વચ્ચે ધારદાર દલીલો થઈ હતી. આ દરમિયાન નારાયણ સાંઇએ ચાલુ દલીલો વચ્ચે એક પત્ર લખ્યો છે.
નારાયણ સાંઇ તરફથી તેના વકીલે તેને ઓછામાં ઓછી સજા થાય તેવી દલીલ કરી હતી. સાંઇના વકીલની દલીલ હતી કે સાંઇએ પાંચ વર્ષ જેટલો સમય જેલમાં વિતાવ્યો હોવાથી તેને ઓછોમાં ઓછી સજા થવી જોઈએ. દલીલો વચ્ચે નારાયણ સાંઇને કાગળ અને પેન આપવામાં આવ્યા હતા. સાંઇએ કાગળમાં લખ્યું હતું કે તેને દોષિત જાહેર કરવાના નિર્ણય અંગે પુનર્વિચાર કરવામાં આવે.
47 વર્ષનો સાંઇ 2013ના વર્ષથી લાજપોર જેલમાં બંધ છે. કોર્ટે આ સિવાય 3 મહિલાઓ સહિત 4 સહયોગીઓને પણ દોષિત ગણાવ્યા છે. સાંઇને આઇપીસીની કલમ 376 (બળાત્કાર), 377 (અપ્રાકૃતિક દુરાચાર), 323 (હુમલો), 506-2 (અપરાધિક ધમકી) અને 120-ખ (ષડયંત્ર)ની અંતર્ગત દોષિત ગણાવ્યો છે. આ કેસમાં કુલ 11 અભિયુકત હતા અને તેમાંથી 6ને નિર્દોષ જાહેર કરી દેવાયા છે.
સુરત સેશન્સ કોર્ટે ફટકારેલી સજામાં ફરિયાદ પક્ષમાં 53, બચાવ પક્ષમાં 12 સાક્ષી તપાસવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે કુલ 34 આરોપીઓ સામે મજબૂત ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાંથી હાલ 34માંથી 24 આરોપીઓ સામે HCનો સ્ટે મૂકવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, નારાયણ સાંઈ દુષ્કર્મ કેસની ટ્રાયલમાં અત્યાર સુધી કુલ 100 ચૂકાદા ટાંકવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે નારાયણ સાંઈ, ગંગા – જમુના, સાધક સહિત અન્ય 7 સામે ફરિયાદ નોંધી હતી. સાધિકાઓએ પોલીસ ફરિયાદમાં દુષ્કર્મ, સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય, રાયોટિંગ સહિતના ગુના દાખલ કરાવ્યા હતા.