ફની ચક્રવાત: 100 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન, વરસાદની સંભાવના, શ્રીલંકામાં એલર્ટ

હવામાન ખાતાએ બંગાળની ખાડીમાં ઉભા થયેલા ફની ચક્રવાતને લઈ અલર્ટ જારી કરી દીધું છે. વિભાગે કહ્યું છે કે આગામી 6થી 7 કલાકમાં ચક્રવાત ભારે તોફાનમાં પરિવર્તિત થવાની શક્યતા છે. 30 એપ્રિલથી લઈ પહેલી મે વચ્ચે તોફાન ખતરનાક બની શકે એમ છે. કેરળ, ઓરિસ્સા અને કાંઠાના વિસ્તારો જેવાં કે આંધ્રપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ઝડપી પવન સાથે વરસાદ થઈ શકે છે. હવામાન ખાતાએ કહ્યું છે કે તોફાનના કારણે 100 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન ખાતાએ જણાવ્યું છે કે ફની સાયક્લોનના કારણે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં વરસાદ થઈ શકે છે, તોફાનની અસર કાંઠા વિસ્તાર ઉપરાંત મેદાની વિસ્તારોમાં પણ થવાની સંભાવના છે.

ફની ચક્રવાતના કારણે શ્રીલંકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

આઈએમડીના બૂલેટીનમાં જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં ઉભા થયેલા ફની સાયક્લોનના કારણે દરિયાની સ્થિતિ ખતરનાક બની શકે છે. વિશેષરૂપે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વી વિસ્તારોમાં ઉંચા મોજા ઉછળી શકે છે. પોંડિચેરી, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં દરિયા તોફાની બની શકે છે. માછીમારોને દરિયા નહીં ખેડવા અપીલ કરવામાં આવી છે. જ્યારે દરિયામાં ગયેલા માછીમારોને તાત્કાલિક પરત ફરવાના આદેશ આપવામાં આવ્યા છે.