ઉત્તરપ્રદેશની વારાણસી સીટ પરથી વડાપ્રધાન મોદી સામે ચૂંટણી નહીં લડવાને લઈ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પ્રથમ વાર પોતાની વાત કરી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મારા ખભા પર સમગ્ર યુપીના પ્રચારની જવાબદારી છે. એક નહીં પરંતુ 41 સીટ પર પાર્ટીને જીતાડવાનો ભાર છે. એક જગ્યાએ રહીને આવું કરવાનું સંભવ ન હતું.
28મી માર્ચે રાયબરેલીમા કોંગ્રેસના પ્રચાર દરમિયાન કાર્યકરોએ પ્રિયંકાને રાયબરેલીમાંથી ચૂંટણી લડવાની માંગ કરી તો પ્રિયંકાએ જવાબ આપ્યો હતો કે વારાણસીથી ચૂંટણી લડી લઉં. ત્યાર બાદ રાજકીય સ્તરે પ્રિયંકા અંગે અટકળો ચાલી હતી કે તેઓ પીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડશે.
પ્રિયંકા ગાંધીના વારાણસીથી ચૂંટણી લડવા અંગે જ્યારે કોંગ્રેસના પ્રવક્તા દીપકસિંહે પણ દાવો કર્યો તો ભારે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. આ ચર્ચા વચ્ચે પ્રિયંકા પોતે પણ વારાણસીથી ચૂંટણી લડવા તૈયાર હોવાનું જણાવી રહ્યા હતા.પરંતુ પ્રિયંકા ગાંધીની ચર્ચાઓ પર 25મી એપ્રિલે પૂર્ણવિરામ મૂકાઈ ગયો અને કોંગ્રેસે અજયસિંહનું નામ જાહેર કર્યું. અજયસિંહ હવે પીએમ મોદી સામે ચૂંટણી લડી રહ્યા છે.