લોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષ કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે ઈવીએમ મામલે ફરી એકવાર મુદ્દો બનાવ્યો છે. પૂર્વ કાયદા મંત્રી કપિલ સિબ્બલે કહ્યું કે જ્યાં દલિત-મુસ્લિમ મતદારો વધુ હોય છે ત્યાં ઈવીએમમાં ખામી સર્જાય છે.
ન્યૂઝ એજન્સીના આપેલા ઈન્ટરવ્યુમાં કપિલ સિબ્બલે કહ્યું કે પ્રથમ ત્રણ તબક્કાની ચૂંટણીમાં ભાજપને ભારે નુકશાન થઈ રહ્યું છે. જોકે, હાર-જીતનો ફેસલો તો 23મીએ થશે. પ્રશ્ન એ છે કે જ્યાં પણ ઈવીએમમા ખામી સર્જાવાની ઘટના બને છે ત્યાં ભાજપને જ કેમ વોટ જાય છે.
તેમણે કહ્યું કે કેટલાક દિવસ પહેલાં 300 મશીન ખરાબ થવાની વાત બહાર આવી હતી. ચૂંટણીમાં મતદારને એવી ચિંતા જરા પણ થવી જોઈએ નહીં કે એણે જેને વોટ આપ્યો છે તેને વોટ મળ્યો છે કે નહીં. મશીન એવા વિસ્તારોમાં વધુ ખરાબ થાય છે જ્યાં દલિત અને મુસ્લિમ મતદારો હોય છે. જો બે-ત્રણ કલાકમાં મશીન રિપેર થતું નથી તો મતદારો કંટાળીને ઘરે પાછા ચાલ્યા જાય છે.
ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ અંગેની ફરીયાદોને દુર કરવા માટે કરવામાં આવેલી કાર્યવાહી અંગે કપિલ સિબ્બલે કહ્યું કે પંચ દ્વારા કરાયેલી કાર્યવાહીથી કોંગ્રેસને સંતોષ નથી, અમારી માંગ છે કે 50 ટકા વીવીપેટ સ્લીપ સાથે મતદાનને સરખાવવામાં આવે. ઈવીએમમાં થયેલી ગરબડને દુર કરવામાં આવે, જેનાથી ચૂંટણી પ્રક્રિયા અને મતદાનમાં લોકોનો વિશ્વાસ અકબંધ રહે.