સુરતની એંગ્લો ઉર્દુનું કોકડું: રાજીનામા નામંજૂર કરવાની વાત એટલે આગમાં સતત હાથ બાળતા રાખવા

સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી(એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ)માંથી પ્રમુખ સહિત 10 જણાએ રાજીનામા આપ્યા બાદ હવે રાજીનામા નામંજૂર કરવા માટે મેનેજિંગ કમિટીના ઉપપ્રમુખ ફારુક ચાંદીવાળા પર પ્રેશર કરવામાં આવી રહ્યું છે. શહેરના કેટલાક આગેવાનો દ્વારા મધ્યસ્થી કરવામાં આવી રહી છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે રાજીનામા આપતી વખતે મધ્યસ્થીકારોને પૂછવામાં આવ્યું હતું ખરું? તો પછી નાહકનું પ્રેશર મૂકીને હવે જ્યારે બખેડો અને વિવાદ દૂર થઈ રહ્યો છે ત્યારે નવા માણસોને કો-ઓપ્ટ કરી વિવાદને પૂર્ણ કરવાના બદલે રાજીનામા નામંજૂર કરવાનો ખેલ હવે હાલની મેનેજિંગ કમિટી માટે ઝેરના પારખા કરવા સમાન બની રહેવાનો છે અને યાદ રહે કે ઝેરના પારખા વારંવાર થતા નથી. રાજીનામા નામંજૂર કરવાની વાત એટલે કે આગમાં પોતાના હાથ સતત બાળવાની ઘટના.

સરમુખ્યારશાહીના આક્ષેપો લેખિતમાં કરીને રાજીનામા આપ્યા છે. ચૂંટણી વખતે પણ નસીમ કાદરી અને સેક્રેટરી બગદાદીને કહેવાયું હતું કે રાજીનામું આપી દેવામાં આવશે અને ત્યાર બાદ રાજીનામની આખી વાતથી નામક્કર થતા પણ લોકોને જોયા છે. મધ્યસ્થીકારોની લાગણી ભલે ભલી હોય અને તેઓ કોશીશ કરતા હોય પણ ઈદારાની વાત આવી રહી છે ત્યારે ન છૂટકે લખવું પડી રહ્યું છે કે કોઈની પણ શેહ-શરમ રાખ્યા વિના રાજીનામા સ્વીકારીને વિવાદનો અંત આણવામાં આવે. મધ્યસ્થીકારો પણ રાજીનામા આપવા પાછળનું કારણ સારી રીતે જાણે છે પરંતુ તેઓ જાહેરમાં બોલવા તૈયાર નથી.

ભૂતકાળમાં ઈદારાને લઈ મીડિયા અને સોશિયલ મીડિયામાં ખાસ્સી કાદવ-ઉછાળ પ્રવૃત્તિ કરવામાં આવી પરંતુ ત્યારે કોઈ મધ્યસ્થીકાર આવ્યો ન હતો કે વિવાદ પર ઠંડુ પાણી રેડવાની કોશીશ કરવામાં આવી ન હતી. હવે નવેસરથી કમિટીની રચના કરી, નવા સભ્યોને કો-ઓપ્ટ કરી વિવાદને પૂર્ણ કરી નવા કાર્યકારી પ્રમુખના હાથમાં સૂકાન સોંપી દેવામાં આવે તે જરૂરી બન્યું છે.