સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી(એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ)માંથી નસીમ કાદરીની નિમણૂંક સામે વાંધો અને વિરોધ ઉભો કરનારા 10 સભ્યોએ લેખિતમાં સરમુખત્યારશાહી ચલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરી સાગમટે રાજીનામા તો ધરતા ધરી દીધા પરંતુ પાછળથી ભૂલ સમજાતા અને પસ્તાવો થતાં લવાદો-મધ્યસ્થીકારોને વચ્ચે પાડી રાજીનામા નામંજૂર કરવવા માટે પ્રેશર ટેક્ટિક્સ ઉભી કરી છે.
રાંધવા ગયા હતા થૂલી અને બની ગયું કંસાર જેવો ઘાટ સર્જાતા ખુરશી પર ટકી રહેવા માટે નવી કવાયત શરૂ કરવામાં આવી છે. રાજીનામાં આપતા તો આપી દીધા પરંતુ પાછળથી પસ્તાવો થતાં લવાદો-મધ્યસ્થીકારો સમક્ષ લેખિત અને મૌખિકમાં કરવામાં આવેલા આક્ષેપોને પણ પાછા ખેંચી લેવાની તૈયારી દર્શાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો સરમુખત્યારી રીતે કમિટી મેમ્બરો વર્તી રહ્યા હોય તો ફરી તે જ કમિટીમાં રહેવાની રાજીનામા આપનારાઓ વતી લવાદો-મધ્યસ્થીકારોની ફોર્મ્યુલા અનેક પ્રકારની શંકા ઉભી કરી રહી છે.
એંગ્લોમાં હાલની મેનેજિંગ કમિટી સરમુખત્યારશાહી જ ચલાવતી હોય તો ફરી પાછી એજ મેનેજિંગ કમિટી સાથે કામ કરવા માટે રાજીનામા નામંજૂર કરવાનો પ્રેશર ટેક્ટિક્સવાળો ખેલ કરવામાં આવી રહ્યો છે અને ઉપપ્રમુખ ફારુક ચાંદીવાલા અને સેક્ર્ટરી સૈયદ અહેમદ બગદાદીને રાજીનામું નામંજૂર કરવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. બદલાયેલા આ સમીકરણે એંગ્લોમાં વર્તમાન કમિટીમાં જ બળવાની સ્થિતિ ઉભી કરી દીધી છે. આ ઉપરાંત રાજીનામાનો ઝઘડો કેટલાક મેમ્બરોના ઘર સુધી પહોંચી જતા મામલો સ્ફોટક બન્યો છે. એંગ્લોની મેનેજિંગ કમિટીની ખુરશી નહીં છોડવા પાછળનો આશય કોઈના પણ ગળે ઉતરી રહ્યો નથી. લવાદો-મધ્યસ્થીકારો હસ્તક રાજીનામા નામંજૂર કરાવવાની કોશીશોના કારણે હવે વર્તમાન મેનેજિંગ કમિટીમાં પણ બળવો કરાવી જાય તેવી નોબત સર્જાઈ છે. જો રાજીનામા મંજૂર નહીં કરવામાં આવે તો હાલની મેનેજિંગ કમિટીમાંથી મોટાભાગના સભ્યો પણ પોતાના રાજીનામા ધરી દેવાની તૈયારી કરી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે.
એંગ્લોમાં ચાલી રહેલી આવા પ્રકારની કૂશ્તીમાં સ્થિતિ એ આવીને ઉભી થઈ ગઈ છે કે હવે વર્તમાન કમિટીના 7થી 8 સભ્યો રાજીનામા ધરી દેવાની અણી પર આવી ગયા છે અને આવા સંજોગોમાં કોરમ પણ બની શકે નહી અને છેવટે મહિના-દોઢ મહિનામાં નવેસરથી ચૂંટણી યોજવાનો વારો આવી શકે તેમ છે. 10 સભ્યોએ રાજીનામા આપ્યા બાદ પણ મેનેજિંગ કમિટીનું કોરમ ખંડિત થયું નથી. કારણ કે પાંચ સભ્યો થકી પણ કમિટીનું સંચાલન કરી શકાય છે. પણ હવે બાકી રહેલા 10 મેમ્બર પૈકી 7-8 મેમ્બર રાજીનામા આપી દે તો સીધી રીતે મોટો ફટકો પડશે તેમજ કોરમ પણ નહીં રહે અને કમિટી આપોઆપ બરખાસ્ત થઈ શકે એમ છે.
શૈક્ષણિક સંસ્થામાં પાછલા એક વર્ષથી જે પ્રકારે કાવાદાવા અને સંસ્થાને બટ્ટો લાગે તેવા પ્રકારના કૃત્યો કરવામાં આવી રહ્યા છે તેના કારણે વર્ષો જૂની અને ઐતિહાસિક મુસ્લિમ સંસ્થાની બનેલી સ્ટાન્ડર્ડ ઈમેજ ભસ્મીભૂત થઈ જવા પામી છે. વાસ્તે હાલના મેનેજિંગ કમિટીના સભ્યો 10 જણાના રાજીનામા મંજૂર ન નહીં કરે તો કમિટીમાંથી રાજીનામા ધરી દેવાની તૈયારીમાં બેઠાં છે. આવતીકાલે મળી રહેલી મેનેજિંગ કમિટીમાં નવા ધડાકા થવાની શક્યતા નકારી શકાતી નથી.