શું નવસારી બેઠક પર ભાજપ માટે લટકતી તલવાર છે? અટપટા સમીકરણોથી શ્વાસ અધ્ધર

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 બેઠક માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. દાવા-પ્રતિદાવા શરૂ થઈ ગયા છે. લોકોએ મતદાન કર્યું અને હવે તમામ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું છે. 2014માં ગુજરાતની 26-26 બેઠક પર ભાજપનો વિજય થયો હતો ત્યારે 2019માં ગુજરાતમાં ફરી એક કરિશ્મો થવાની શક્યતા બિલ્કુલ નહિંવત છે અને ભાજપના નેતાઓ પણ આ વતાને કબૂલે છે, ત્યારે પંચરંગી વસ્તી ધરાવતા નવસારી લોકસભાની બેઠકમાં આ વખતે ભાજપના માથે લટકતી તલવાર જોવા મળી રહી હોવાના સમીકરણો બંધાતા તમામ પક્ષના નેતાઓના શ્વાસ અધ્ધર થઈ ગયા છે.

નવસારી લોકસભા બેઠક પર ભાજપે બે ટર્મના સાંસદ સીઆર પાટીલને ટીકીટ આપી તો સામે કોંગ્રેસે આ વખતે કોળી પટેલ કાર્ડનો પ્રયોગ કર્યો. પાટીલ વર્સીસ પટેલનો જંગ મંડાયો. મતદાન થયું, અને મતદાનના લેખાજોખા અને તાળા મેળવવામાં આવી રહ્યા છે. કોણ ક્યાં છે તેની સમરી બાંધવામાં આવી રહી છે.

નવસારી લોકસભા સીટનું જાતિગત સમીકરણ જોઈએ તો કોળી પટેલ-18 ટકા, મહારાષ્ટ્રીયન-13 ટકા, યુપી-બિહાર-10 ટકા, આંધ્રવાસી- બે ટકા, રાજસ્થાની સમાજ- 3 ટકા, મુસ્લિમ-12 ટકા, ઓરિસ્સાવાસી એક ટકા છે. જ્યારે હળપતિ, દલિત, આદિવાસી, રાણા સમાજ, જૈન,ચરોતરના પટેલો, મોઢવણિક અને પાટીદાર જેવા ગુજરાતી સમાજો મળીને તેમની ટકાવારી 41 થાય છે.

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો નવસારીમાં ભાજપને 46,095ની લીડ, જલાલપોરમાં 25,664ની લીડ, ગણદેવીમાં 57,261ની લીડ, ચોર્યાસીમાં 1,10,819ની લીડ, મજૂરામાં 85,827ની લીડ, ઉધનામાં 42,471ની લીડ અને લીંબાયતમાં 31,951ની લીડ મળી હતી. આમ કુલ લીડ 400,088 થવા જાય છે.

2014ની લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો આ બેઠક પર ભાજપના સીઆર પાટીલને 8,20,831 વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારને 2,62,715 વોટ મળ્યા હતા. ભાજપનો 5,58,116 લાખ મતે વિજય થયો હતો. 2014 લોકસભા અને 2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો તફાવત જોઈએ તો 1.50 લાખની લીડમાં દેખીતો ઘટાડો થયો છે. જોકે, 2014માં મોદી વેવમાં કોંગ્રેસ તણાઈ ગઈ હતી. આ વખતે આવો કોઈ વેવ નથી. 2014માં 11,60,747નું વોટીંગ થયું હતું જ્યારે આ વખતે 13,03,170નું વોટીંગ થયું છે. ગયા વખતે મોદી વેવમાં 65.12 ટકા વોટીંગ હતું અને આ વખતે મતદારો વધ્યા અને વોટીંગ પણ વધ્યું છે.આ વખતે 66.10 ટકા વોટીંગ થયું છે.

સાડા ત્રણ લાખ કોળી પટેલ 2.56 લાખ મરાઠી અને 5.50 લાખ પરપ્રાંતીય મતદારોથી ભરપૂર આ વિસ્તાર છે. 2.36 લાખ મુસ્લિમો મતદારો છે. જ્યારે મારવાડી અને સિંધી સમાજના જેટલા પણ વોટ છે એમાં કોંગ્રેસ કોઈ વિભાજન કરવાની સ્થિતિમાં નથી. કોંગ્રેસને આ વખતે વિશ્વાસ છે કે વર્ષોથી કોંગ્રેસથી દુર થઈ ગયેલો કોળી પટેલ સમાજ કોંગ્રેસ તરફ પાછો વળ્યો છે અને કોળી સમાજમાં કોંગ્રેસ પચાસ-પચાસ ટકા ચાલી છે. જ્યારે ભાજપના સમર્થકો માની રહ્યા છે કે કોળી સમાજમાં કોઈ વિભાજન થયું નથી અને કોંગ્રેસને માત્ર પાંચ ટકાથી વધારે વોટ મળ્યા નથી. કેટલાક લોકો ભાજપના ઉમેદવાર સીઆર પાટીલની ત્રણ લાખની લીડ મૂકી રહ્યા છે તો કેટલાક કહી રહ્યા છે કે કોંગ્રેસે નવસારીમાં ભાજપની વોટબેન્કમાં મોટું ગાબડું પાડ્યું છે. પ્રચારની તામઝામ નહિવત હતી છતાં મતદાનની ટકાવીર વધી છે તેને લઈને બન્ને પક્ષોના ઉમેદવારોના શ્વાસ અધ્ધર થઈ જાય તેવી સ્થિતિ છે.

2017માં ચોર્યાસી વિધાનસભાની લીડ કોંગ્રેસ કાપી શકવાની સ્થિતિમાં નથી પરંતુ અહીંયા પર બધો દારોમદાર કોળી સમાજ પર છે. કોળી સમાજના અગ્રણીઓ કહી રહ્યા છે કે કોળી સમાજના અગ્રણી અને કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલ ને જીતાડવા માટે આ વખતે કરન્ટ આવ્યો હતો અને કોળી સમાજે પોતાના ઉમેદવાર માટે વોટીંગ કર્યું છે. જ્યારે પરપ્રાંતીય મતદારોમાં ભાજપ તરફે વધારો ઝુકાવ જોવા મળ્યો હતો. પ્રથમ તો વેકેશન હોવાથી ત્રીસેક હજાર પરપ્રાંતીયો પોતાના વતન ચાલ્યા ગયા હતા જ્યારે એટલી જ સંખ્યામાં પરપ્રાંતીય મતદારોએ મતદાન કર્યું ન હતું. આ ફટકો પણ ભાજપને પડી શકે છે. એવું મનાય છે કે વતન ગયેલા અને વોટીંગમાં ભાગ નહીં લેનારા પરપ્રાંતીયોની સંખ્યા 50થી 75 હજાર સુધી પહોંચી જાય છે.

હવે કોંગ્રેસના માઈનસ પોઈન્ટમાં જોઈએ તો નવસારીમાં કોઈ મોટી જાહેર સભા કરવામાં આવી ન હતી. એક માત્ર રાહુલ ગાંધીની બારડોલીમાં સભા કરાઈ પણ તેનો ફાયદો નવસારીને મળશે કે કેમ એ શંકા છે. લીંબયત, ઉધના અને મજૂરા વિધાનસભામાં ભાજપના નેતાઓ પણ શ્યોર નથી કે આ વખતે એન બ્લોક વોટીંગ ભાજપ તરફી થયું છે. મુસ્લિમ સમાજના વોટ સીધી રીતે કોંગ્રેસમાં ગયા છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. નવસારીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આમ ફાઈટ નથી પણ વોટીંગની તરેહ જરૂરથી ફાઈટ થઈ હોવાની ચાડી ખાય છે.