વડાપ્રધાન મોદીએ શુક્રવારે પોતના સંસદીય ક્ષેત્ર વારાણસીથી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. વારાણસીમાં દાખલ કરેલા સૌગંધનામામાં પીએમ મોદીએ પોતાની સંપત્તિ અને આવકની જાહેરાત કરી છે. પીએમ મોદીની આવક પાછલા પાંચ વર્ષમાં બેગણી વધી ગઈ છે.
ચૂંટણીના સૌગંધનામામાં આપેલી જાણકારી પ્રમાણે વર્ષ 2013-14માં પીએમ મોદીની આવક 9,69,711 હતી, જે નાણાકીય વર્ષ 2017-18માં વધીને 19,92,520 રૂપિયા થઈ ગઈ છે. આવી રીતે પીએમ મોદીની આવકમાં પાછલા પાંચ વર્ષમાં 10,22,809 રૂપિયાનો વધારો થયો છે. જોકે, પીએમ મોદી પાસે મામૂલી રોકડ રકમ છે. તેમની પાસે 38,750 રૂપિયા રોકડા છે.
સૌગંધનામામાં તેમણે દર્શાવ્યું છે કે પીએમ બનતા પહેલા તેમની વાર્ષિક આવક એક લાખ કરતા પણ ઓછી હતી. જાણકારી પ્રમાણે 2013-14માં પીએમ મોદીની આવક 9.69 લાખ હતી. જ્યારે ત્યાર બાદ 2014-15માં તેમની વાર્ષિક આવક 8.58 લાખ થઈ હતી. આવી રીતે વડાપ્રધાન બન્યા બાદ તેમની વાર્ષિક આવકમાં 1.10 લાખનો ઘટાડો નોંધાયો છે.
જોકે, 2015-16માં તેમની વાર્ષિક આવકમાં સારો એવો વધારો નોંધાયો છે. આ વર્ષમાં તેમની વાર્ષિક આવક 19,23,160 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. ગયા વર્ષે એટલે કે 2016-17માં તેમની આવકમાં ઘટાડો થયો અને 14,59,750 રહી હતી. જ્યારે 2017-18માં તેમની આવક વધીને 19,92,520 રૂપિયા થઈ હતી.
પીએમ મોદી કુલ 2,51,36,119 કોરડની સંપત્તિના માલિક છે. તેમની પાસે 1,41,36,119 કરોડ રૂપિયાની સ્થાવર અને 1,10,00,000ની જંગમ મિલ્કત છે. પીએમના બેન્ક ખાતામાં માત્ર 4,143 રૂપિયા છે. જ્યારે ભારતીય સ્ટેટ બેન્કમાં તેમની પાસે એફડીની રકમ વધીને 1.27 કરોડ સુધી પહોંચી ગઈ છે. તેમની પાસે 20 હજારના સરકાર બોન્ડ અને 7.61 કરોડ રૂપિયા એનએસસીમાં રોકાણ કર્યા છે.
પીએમ મોદીના નામે બે વીમા પોલિસી છે. તેની સરન્ડર વેલ્યૂ 1.90 લાખ રૂપિયા થવા જાય છે. આ ઉપરાંત ચાર સોનાની અંગૂઠી પણ છે જેની કિંમત 1.13 લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત તેમણે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી ટીડીએસ રૂપે કપાયેલા 85,145 રૂપિયા અને વડાપ્રધાન કાર્યાલય તરફથી 1.40 લાખ રૂપિયા મળવાના છે.
પીએમ મોદી પાસે કોઈ પણ કર્મશિયલ બિલ્ડીંગ નથી. ગાંધીનગરમાં એક ઘર છે અને તે ઘરમાં તેઓ હિસ્સેદાર છે. આ ઘરની હાલની વેલ્યૂ 1.10 કરોડ રૂપિયા થવા જાય છે. તેમના પર કોઈ પણ દેવાનું ભારણ નથી.