આદિવાસીઓનું ભારે વોટીંગ કોના તરફ છે?
ગુજરાતમાં મતદાન સંપૂર્ણ થતાં તરેહ-તરેહની ચર્ચા ચાલી રહી છે. જે પ્રમાણે વોટીંગ પેટર્ન ડેવલપ થઈ છે તેને લઈ ભાજપ કોંગ્રેસના નેતાઓ માથા ખંજવાળતા થઈ ગયા છે ત્યારે એક વાત ઉડીને આંખે વળગી રહી છે ગુજરાતમાં શું પી ફોર પટેલ ચાલ્યું છે કે શું? અને પી ફોર પટેલ પણ કોંગ્રેસ તરફી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને ચરોતરના મતદાનના આંકડાએ રાજકીય પંડિતોને વિચારતા કરી દીધા છે. અત્યાર સુધી ગુજરાતમાં કોંગ્રેસને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણી રહેલા રાજકીય વિશ્લેષકો માટે મતદાનની ટકાવારી એક તરફ સર્જિકલ સ્ટ્રાઈક તરફેની ગણાવાઈ રહી છે તો બીજી તરફ સ્થાનિક મુદ્દાઓને લઈ ભાજપના નેતાઓના મોં સિવાઈ ગયા છે.
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટરે ભાજપને 100ના આંકડાને પાર કરવા દીધો ન હતો. વિધાનસભાની બેઠકો હાંસલ કરવામાં ભાજપ સદી ચૂકી ગયો હતો. વિધાનસભાની પેટર્ન અને લોકસભાની પેટર્નમાં ખાસ્સો બદલાવ જોવા મળી રહ્યો નથી. વિધાનસભાની ચૂંટણીમાં પણ આદિવાસી અને પટેલ સમાજના પ્રભુત્વ ધરાવતી બેઠકો પર મતદાનની ટકાવારી વધી છે, શહેરી વિસ્તારોમાં પણ ટકાવારી નોંધપાત્ર રહી છે અને આદિવાસી પટ્ટીમાં પણ મતદાન ઉંચું રહ્યું છે. આદિવાસી સમાજ તો બૂલેટ ટ્રેન, એક્સપ્રે હાઈવે અને ભારતમાલા પ્રોજેક્ટમાં જઈ રહેલી જમીનોને લઈ ખેડુતો અને આદિવાસીઓ ભારે ગુસ્સામાં હતા અને ગુસ્સાને વોટમાં કન્વર્ટ કરવામાં આવ્યો હોવાનું મનાય છે.
ખાસ મહત્વનું એ છે કે પાટીદાર અનામત આંદોલનના લિસોટા ભાજપને લોકસભામાં પણ મથાવી ગયા છે. આનંદીબેન પટેલની વિદાય અને આંદોલન દરમિયાન થયેલી ઘટનાઓમાં પાટીદાર સમાજને અન્યાય જેવા મુદ્દાઓ મહત્વના રહ્યા હતા. આ સાથે કોળી પટેલ સમાજે પણ દક્ષિણ ગુજરાતની ત્રણ બેઠકો પણ પોતાના સમાજના ઉમેદવારને જીતાડવાની કરેલી અપીલ કામ કરી ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભાજપના ગઢમાં ગાબડા પડી શકે તેવી સ્થિતિ છે. ખાસ કરીને પાટીદાર, આદિવાસી મહિલાઓનું ભારે વોટીંગ રહ્યું છે જ્યારે પાટીદાર સમાજનું બહુધું વોટીંગ કોંગ્રેસ તરફી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
હાર્દિક પટેલના મારવામાં થપ્પડની પણ ભાજપ તરફે નુકશાનકારક અસર જોવા મળી રહી છે. યુવાનોએ હાર્દિકને મારવામાં આવેલી થપ્પડ સામે મતદાન કર્યું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
ગુજરાતમાં પી ફોર પટેલ ચાલ્યું હોય તો ભાજપ માટે સીટ હાંસલ કરવામાં મુસીબતોનો પહાડ ખડકાયા વગર રહેવાનો નથી. પાટીદાર સમાજ દ્વારા કોંગ્રેસ તરફી વોટીંગની ચર્ચા વચ્ચે ભાજપના નેતાઓ માટે નવેસરથી ગણિત માંડવાની નોબત આવી ગઈ છે.
આદિવાસીઓનું ભારે વોટીંગ કોના તરફ છે?