અલ્પેશ કથીરીયા અને હાર્દિક વચ્ચે ફૂટ પાડવાનો કારસો, પણ સફળ નહીં થાય: ધાર્મિક માલવિયા

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને હાલ જેલવાસ ભોગવી રહેલા અલ્પેશ કથીરીયાના બેનરો લઈને અમદાવાદના નિકોલમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગીતા પટેલના પ્રચાર માટે સભા કરવા ગયેલા કોંગ્રેસના યુવા સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની સભામાં ભારે હોબાળો કરવામાં આવ્યો હતો તેને લઈને સુરત ખાતેના પાસના આગેવાન અને અલ્પેશ કથીરીયાના નજીકના મનાતા એવા ધાર્મિક માલવિયાએ તરત જ સોશિયલ મીડિયામાં ઓડિયો અને ઈલેકટ્રોનિક મીડિયામાં નિવેદન આપી કહ્યું કે હાર્દિક અને અલ્પેશ વચ્ચે ફૂટ પાડવાનો આ કારસો છે પણ સફળ થશે નહીં.

સુરતના પાસના આંદોલનમાં એક વખત સાથે રહેલા યુવાનોને ગેરમાર્ગે દોરી આખો દિવસ હાઈફાઈવ ફાર્મમાં રાખી સાંજે હાર્દિકની સભામાં કથીરીયાના બેનર સાથે ઈનોવા કારમાં લઈ આવવામાં આવ્યા હતા. અમદવાદના ડીસીપી અક્ષય રાજે કહ્યું છે કે અલ્પેશના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો તો આના જવાબમાં ધાર્મિકે કહ્યું કે આ વાત ખોટી છે. અલ્પેશ જેલમાં છે અને બહાર શું ચાલી રહ્યું છે તે અંગે એને કશી ખબર જ નથી. ત્યારે પાસના નામે કેટલાક યુવાનોને ભાજપના મોટા માથાના ઈશારે ગેરમાર્ગે દોરી આવી રીતે હરકત કરવામાં આવી રહી છે. હાર્દિકનું રાજકારણમાં કદ વધી રહ્યું હોવાથી ભાજપના કેટલાક નેતાઓ હાર્દિક સામે મોરચો માંડીને બેઠાં છે. પરંતુ તેઓ સફળ થશે.સુરતના સામાન્ય ઘરના યુવાનોને પ્રલોભન આપ્યા હોય તે તમે આવું કરો તો અમે અલ્પેશને જેલમાંથી છોડી દઈશું. હાલ મેટર કોર્ટમાં ચાલી રહી છે, ત્યારે વિશેષ કશું પણ કહી શકાય એમ નથી.  

ધાર્મિકે કહ્યું કે સુરતમાં ભાજપની સભા યોજી શકાઈ નથી. પુરુષોત્તમ રૂપાલા આવવાના હતા પરંતુ તેમની તબિયત ખરબા થતાં સભા કરી શકાઈ ન હતી. આના પરથી ખ્યાલ આવશે કે ભાજપમાં કેટલા મોટા પ્રમાણમાં ગભરાટ અને હારવાનો ડર છે. પાસમાં સંપૂર્ણપણે એકતા છે અને અલ્પેશ સહિત સૌ કોઈ હાર્દિકની સાથે જ છે, એમાં કોઈ બેમત નથી. બન્ને વચ્ચે ફૂટ પાડવાનો ખેલ ક્યારેય સફળ થશે નહીં.