લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો વિરુદ્વ કામ કરી કોંગ્રેસના ઉમેદવારોને હરાવવા માટે મેદાનમાં ઉતરેલા રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્ કરવા માટે કોંગ્રેસે વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી અને વિધાનસભા સચિવ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે.
વિધાનસભા કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલની આગેવાનીમાં કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને મળ્યું હતું. કલોલના ધારાસભ્ય બળદેવ ઠાકોરે પત્રકારોને જણાવ્યું કે અલ્પેશ ઠાકોરે બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવારને હરાવવા માટે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરી છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે અને તેઓ હવે કોંગ્રેસમાં રહ્યા નથી. કોંગ્રેસે તેમનું પ્રાથમિક સભ્ય પદ પણ રદ્દ કરી નાંખ્યું છે.
તેમણે જણાવ્યું કે બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરવાના બદલે અલ્પેશ ઠાકોરે અપક્ષ ઉમેદવારનો પ્રચાર કરી કોંગ્રેસ વિરોધી કામ કર્યું છે તો એમનું સભ્ય પદ રદ્ કરવામાં આવે. કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને અનેક મહત્વના હોદ્દાઓ આપ્યા હતા. એક વર્ષમાં અનેક હોદ્દા આપ્યા હોવા છતાં અલ્પેશ ઠાકોરે અન્યાય થયો હોવાનું જણાવી કોંગ્રેસ છોડી દીધી છે. આ હોદ્દા મેળવવા માટે લોકોનું જીવન પુરું થઈ જાય છે ત્યારે અલ્પેશને ટૂંકા સમયમાં સાત કરતા વધુ હોદ્દા આપ્યા હતા. હવે કોંગ્રેસ વિરોધી પ્રવૃત્તિ કરી અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્ કરવા માંગ કરવામાં આવી છે. વિધાનસભા અધ્યક્ષ અને સચિવને અલ્પેશના કોંગ્રેસ વિરોધી પ્રવૃત્તિના પુરાવા આપવામાં આવ્યા છે.