પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા દિનેશ બાંભણીયાએ પાટીદાર સમાજના આગેવાનો અને ધાર્મિક સંસ્થાઓને જેલવાસ ભોગવી રહેલા PAASના કન્વીનર અલ્પેશ કથીરીયાની જેલમૂક્તિ માટે પત્ર લખ્યો છે. દિનેશ બાંભણીયાએ પત્રમાં અનેક બાબતોને પણ ઉજાગર કરી છે. અલ્પેશ કથીરીયાની જેલમૂકિતને લઈ દિનેશ બાંભણીયાએ રાજકોટમાં મીટીંગનું આયોજન કર્યું છે. જેમાં હાર્દિક પટેલ સહિત તમામ આંદોનકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
દિનેશ બાંભણીયા પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી ચાલતા પાટીદાર અનામત આંદોલનમાં ગુજરાતમાં અનેક ઉતાર-ચઢાવ વચ્ચે 14 યુવાનો ગુમાવ્યા અને અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો છે. પોલીસ દમન, જેલવાસ, પોલીસે કેસો થયા. સાથો સાથ 10 ટકા ઈબીસી, યુવા સ્વાવલંબન યોજના, બિન અનામત વર્ગ માટે અનામત, નોકરીની વય મર્યાદામાં વધારો વગેરે અનામત આંદોલનની ફળશ્રુતિ રહી છે. પરંતુ મુખ્ય કન્વીનર અલ્પેશ કથીરીયા ખોટા કેસમાં જેલવાસ ભોગવી રહ્યો છે.
બાંભણીયાએ લખ્યું છે કે પાટીદાર આંદોલન સમિતીની રચનામાં મારો પણ સિંહફાળો રહ્યો હતો. અલ્પેશ કથીરીયાની જેલમૂક્તિ માટે તમામ આંદોલનકારીઓ અને સમાજના આગેવાનોએ આગળ આવવાની જરૂર છે.
દિનેશ બાંભણીયાએ લખ્યું છે કે હવે કથીરીયાની જેલમૂકતિ માટે ઉમિયાધામ, ઊંઝા અને ખોડલધામ-કાગવડએ ઘણા બધા માન-અપમાનનો સામનો કર્યા પછી સમાજના હિતમાં સહકાર આપ્યો છે ત્યારે મર્યાદિત આંદોલનકારીઓની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
અલ્પેશ કથીરીયાની જેલમૂક્તિ માટે પહેલી મેના ગુજરાત સ્થાપના દિવસે ખોડલધામ સંસ્થા-સરદાર ભવન, રાજકોટમાં મીટીંગ રાખવામાં આવી છે. આ મીટીંગમાં હાર્દિક પટેલ, ધાર્મિક માલવિયા, ઉદય પટેલ, મનોજ પનારા, સુરેશ પટેલ, હર્ષદ પટેલ, જયેશ પટેલ, રાજ પટેલ અને જીતુ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું છે. દિનેશ બાંભણીયા ઉપરાંત સુરતના પાસના કન્વીનર ધાર્મિક માલવિયાએ પણ અલ્પેશ કથીરીયાની જેલમૂક્તિને લઈ ચળવળ શરૂ કરી છે.