કોંગ્રેસમાંથી કોને ટિકિટ મળશે? ગુજરાતની વિધાનસભા પેટાચૂંટણીના સંભવિત ઉમેદવારો 

રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. તેના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. ત્યારબાદ રાજ્યસભાની ચૂંટણી તો પૂરી થઈ ગઈ અને ભાજપને તેમાં ફાયદો થયો હતો. હવે આગામી સમયમાં રાજ્યમાં આઠ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આ માટે ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તો જેમ-જેમ ચૂંટણીની ચર્ચાઓ શરૂ થઈ રહી છે તેમ-તેમ આઠેય સીટો પર સંભવિત ઉમેદવારો અને ટિકિટ મેળવવા માટે દાવેદારોના નામ પણ સામે આવી રહ્યાં છે.

આગામી સમયમાં અબડાસા, કચ્છ, કરજણ, ધારી, મોરબી, લીંબડી, ડાંગ, કપરાડા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે આ બેઠક પર કોંગ્રેસના દાવેદારો અને સંભવિત ઉમેદવારોના નામ પણ સામે આવી રહ્યાં છે. આપણે જોઈએ કોણ છે આ સંભવિત દાવેદાર અને હાલ ક્યા હોદ્દા પર છે.

અબડાસા

 • કિશોરસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય
 • વિસનજી પાચાણી, પાટીદાર સમાજના અગ્રણી
 • રમેશ ધોળુ, પાટીદાર અગ્રણી
 • ઈકબાલ મન્દ્રા, અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ

કરજણ

 • કિરીટસિંહ જાડેજા
 • નીલા બેન ઉપાધ્યાય
 • ચંદ્રકાન્ત પટેલ
 • ચંદુ ડાભી (પૂર્વ ધારાસભ્ય)
 • રિતેશ પટેલ
 • ભાસ્કર ભટ્ટ

ધારી

 • ડૉ. કીર્તિ બોરીસાગર બ્રાહ્મણ, સેવાભાવી ડોકટર
 • સુરેશ કોટડીયા, કોંગ્રેસ આગેવાન મનુ કોટડીયાના પુત્ર
 • વિપુલ સેલરીયા, સ્થાનિક કોંગ્રેસ અગ્રણી
 • જેની ઠુમ્મર,જિલ્લાપંચાયતના પૂર્વ પ્રમુખ MLA વિરજી ઠુમ્મરના દીકરી, યુથ કોંગ્રેસમાં સક્રિય

મોરબી

 • કિશોર ચીખલીયા જિલ્લા પંચાયત પ્રમુખ
 • મનોજ પનારા, પાસ નેતા
 • જયંતિ જેરાજ પટેલ સ્થાનિક કોંગ્રેસ અગ્રણી
 • કે. ડી. બાવરવા, પાટીદાર અગ્રણી
 • મુકેશ ગામી, પાટીદાર અગ્રણી

લીંબડી

 • ભગિરથસિંહ ઝાલા, કોંગ્રેસ અગ્રણી, જિલ્લા પંચાયત સભ્ય
 • ચેતન ખાચર, જિલ્લા પંચાયત પ્રમુખ
 • કલ્પના મકવાણા, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ

કચ્છ

 • ઋત્વિક મકવાણાના બહેન
 • ગોપાલ મકવાણા,  ઋત્વિક મકવાણાના સંબંધી

ડાંગ   

 • સૂર્યકાન્ત ગાવીત, આદિવાસી સમાજનો શિક્ષિત ચહેરો
 • ચંદર ગામીત, જિલ્લા પંચાયત સભ્ય
 • મોહન ગોયા, વઘઈ ગામ સરપંચ

કપરાડા   

 • હરેશ પટેલ, માજી સરપંચ બાલચોંડી
 • વસંત પટેલ સુખાલા, માજી ધારાસભ્ય બરજુર પટેલના પુત્ર
 • સોમા બાત્રી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ
 • ભગવાન બાત્રી જિલ્લા પંચાયત સભ્ય

 

1,540 સહકારી બેન્કો RBI હેઠળ લેવાનો કેન્દ્રિય કેબિનેટનો મહત્વનો નિર્ણય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રિય કેબિનેટ બેઠકમાં બુધવારે કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં સહકારી બેન્કોને આરબીઆઇના સુપરવિઝન હેઠળ લેવાથી લઇને ઓબીસી કમિશન, પશુધન વિકાસ સહિતની મહત્વની બાબતે નિર્ણયો કરવામાં આવ્યા હતા જેની સાથે જ કુશીનગરમાં કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટને પણ મંજૂરી આપવામાં આવી હતી.

બુધવારની કેબિનેટની બેઠકમાં સૌથી મહત્વનો નિર્ણય સહકારી બેન્કોને લઈને કરવામાં આવ્યો હતો. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રાકશ જાવડેકરે ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સ કરીને આ નિર્ણયની જાણકારી આપી છે. નવા નિર્ણય અંતર્ગત હવે સરકારી બેન્કો આરબીઆઈની દેખરેખમાં આવી જશે. આના કારણે ગ્રાહકોના રૂપિયા સુરક્ષિત રહેશે.

1482 શહરી સહકારી બેન્કો અને 58 બહુ રાજ્ય સહકારી બેન્કો સહિતની સહકારી બેન્કો હ વે ભારતીય રિઝર્વ બેન્કની સુપરવાઇઝરી પાવર્સ હેઠળ લાવવામાં આવી રહી છે. આરબીઆઇના જે પાવર્સ શિડ્યુલ બેન્કો પર લાગુ થાય છે તેવા જ પાવર્સ સહકારી બેન્કો પર પણ લાગુ થશે એવું જણાવાયું હતું. તેના માટે કેબિનેટ એક ખરડો પાસ કરશે, જેને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર માટે મોકલવામાં આવશે. આ તમામ બેન્ક આરબીઆઇના સુપરવિઝન હેઠળ આવશે. તેનાથી રોકાણકારોને વિશ્વાસ મળશે કે તેમના પૈસા સુરક્ષિત છે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, જિતેન્દ્ર સિંહ અને ગિરિરાજ સિંહે કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી. મુ્દ્રા લોન હેઠળ શિશુ લોનના વ્યાજમાં 2 ટકાની છૂટ આપવામાં આવશે. તેનાથી 9 કરોડ 37 લાખથી વધુ લાભાર્થીઓને ફાયદો મળશે. મુદ્રા લોન હેઠળ 50 હજાર રૂપિયા સુધીની લોનને શિશુ લોન કહેવામાં આવે છે. આ યોજના 1 જૂનથી શરૂ થશે અને મે 2021 સુધી ચાલુ રહેશે. આ વર્ષે તેના પર 15465 કરોડ રૂપિયા ખર્ચાશે.

ગુજરાત કોંગ્રેસના માજી અધ્યક્ષ ભરત સિંહ સોલંકી કોરોના પોઝિટિવ, વડોદરાની હોસ્પિટલમાં દાખલ

ગુજરાત કોંગ્રેસના માજી અધ્યક્ષ અને હાલમાં જ રાજ્યસભાની ચૂંટણીમાં પરાજીત થયેલા કોંગ્રેસના ઉમેદવાર ભરત સિંહ સોલંકીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ભરતસિંહમાં કોરોનાના લક્ષણો દેખાતા તેમનો સેમ્પલ લેવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ આજે  પોઝિટિવ આવ્યો છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમને વડોદરાની બેન્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભરત સિંહ સોલંકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમના સંપર્કમાં આવેલા લોકોને શોધીને તેમનામાં કોરોનાના લક્ષણો છે કે કેમ તે ચકાસવામાં આવે તેવી સંભાવના છે. અહીં એ નોંધ કરવાની કે થોડા દિવસો પહેલા જ ભરત સિંહ સોલંકીએ રાજ્યસભાની ચૂંટણીમાં ભાગ લીધો હતો. આ ચૂંટણી પહેલા તેઓ કેટલાક ધારાસભ્યો સાથે હોટલમાં પણ રોકાયા હતા. આ સ્થિતિમાં તેમની સાથે રહેનારા અને તેમના સંપર્કમાં આવેલાઓમાં પણ આ ચેપનો પ્રસાર થયો હોવાની સંભાવના નકારી શકાતી નથી.

એવા અહેવાલો છે કે ભરત સિંહ સોલંકી કોંગ્રેસના હાલના અધ્યક્ષ અમિત ચાવડાના સંપર્કમાં પણ આવ્યા છે. તેઓ રાજ્યસભાની ચૂંટણી પહેલા, ચૂંટણી દરમિયાન અને ચૂંટણી પછી પણ સતત અમિત ચાવડા સાથે હતા, આ ઉપરાંત રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા થયેલા કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ સાથે પણ તેઓ સંપર્કમાં રહ્યા હતા. તેઓ કોંગ્રેસના ઘણાં નેતાઓ અને કાર્યકરોના સંપર્કમાં આવ્યા છે. ત્યારે હવે આરોગ્ય તંત્ર માટે તેમના સંપર્કમાં આવેલાઓને શોધવાનું કાર્ય થોડું મુશ્કેલ બની શકે છે.

એ ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસના જમાલપુર બેઠકના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો પણ રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યો છે, જોકે તેઓ સારવાર બાદ સ્વસ્થ થઈ ગયા હતા. જ્યારે કોંગ્રેસના જ એક વરિષ્ઠ નેતા બદરુદ્દીન શેખનું કોરોનાને કારણે અવસાન થયું હતું.  ભરતસિંહ હજુ શુક્રવારે જ થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓ આ દરમિયાન અનેક નેતાઓના સીધા સંપર્કમાં પણ આવ્યા હતા. કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ઉપરાંત ભરતસિંહને રાજ્યસભાની ચૂંટણીમાં ઉતારાયા હતા, જેમાં ભરતસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડ્યો હતો.

નવો દિવસ ને નવી વાત : અમેરિકામાં કોરોનાની એન્ટીબોડી સારવાર માટે ગાયના લોહીનો ઉપયોગ

એવુ લાગે છે કે જ્યાં સુધી વિશ્વના સંશોધકો કોરોનાવાયરસની રસી કે દવા નહીં શોધે ત્યાં સુધી કોરોનાની સારવાર માટે બીજા પણ પ્રયોગો ચાલતા જ રહેશે. અમેરિકામાં તો હવે કોરોના સાામે રક્ષણ મેળવવા માટે ગાયના લોહીનો ઉપયોગ કરવાના પ્રયોગો શરૂ કરી દેવાયા છે.

રસીની શોધ નહીં થાય ત્યાં સુધી કોવિડ-૧૯ની ઉપચાર માનવ શરીરમાં આ રોગના વાયરસ સામે જન્મતા એન્ટિબોડીઝથી કરવાની ઘણી વાતો થાય છે ત્યારે હાલમાં કેટલાક વૈજ્ઞાનિકોને એવું જણાયું છે કે માનવ લોહી કરતા ગાયના લોહીમાં આવા એન્ટિબોડીઝ બેગણા પ્રમાણમાં જન્મે છે, આથી હવે અમેરિકામાં ગાયના લોહીમાં આવા એન્ટિબોડીઝ જન્માવીને તેનો ઉપયોગ કોરોનાવાયરસથી થતાં રોગ કોવિડ-૧૯ની સારવાર માટે કરવાના પ્રયોગો ચાલી રહ્યા છે.

અમેરિકાના સાઉથ ડાકોટા ખાતે આવેલ સિઓક્ષ ફોલ્સમાં આવેલ એસએબી બાયોથેરાપેટિક્સ ગાયના લોહીનો ઉપયોગ કરીને વધુ પ્રમાણમાં એન્ટિબોડીઝ જન્માવવા માટેનો પ્રયોગ કરી રહી છે અને આ નવી એન્ટિબોડીઝ સારવાર વિકસાવી રહી છે. આ કંપનીના વૈજ્ઞાનિકોએ આ માટે ફાર્મની ગાયોને જિનેટીકલી એન્જીનિયર્ડ કરી છે એટલે કે તેમના જીન્સમાં કેટલાક ફેરફાર કર્યા છે.

આવી ગાયોને કોરોનાવાયરસનો ચેપ લગાડવામાં આવે તો તેમના શરીરમાં આ વાયરસ સામેના એન્ટિબોડિઝ મોટા પ્રમાણમાં પેદા થાય છે. દર મિલિમિટરે માનવ શરીર કરતા આ ગાયોના શરીરમાં બે ગણા એન્ટિબોડીઝ જન્મતા જણાયા છે અને તેમનામાં જન્મતા એન્ટિબોડીઝમાં વૈવિધ્ય પણ ઘણું હોય છે અને આમાંથી કોઇ એન્ટીબોડી આ વાયરસ સામે કામ લાગી જાય તેવી શક્યતા રહેલી હોય છે.

Acerએ ભારતમાં લોન્ચ કર્યું Nitro 5 ગેમિંગ લેપટોપ, કિંમત જાણીને થશે આશ્ચર્ય

નવી દિલ્હી : એસર ( Acer)એ આખરે તેનું નવું ગેમિંગ લેપટોપ એસર નાઈટ્રો 5 (Nitro 5) ભારતીય બજારમાં લોન્ચ કર્યું છે. આ લેપટોપની સૌથી મોટી વિશેષતા એ છે કે તે 10 મી જનરેશનના ઇન્ટેલ પ્રોસેસરો સાથે લાવવામાં આવ્યું છે. તમને આ લેપટોપ જુદા જુદા વેરિએન્ટમાં મળશે, જેમ કે એસર નાઈટ્રો 5 ના કોર આઇ 5 / આઇ 7 પ્રોસેસર વેરિએન્ટ અથવા એનવીડિયા ગેફોર્સ આરટીએક્સ 2060 ગ્રાફિક્સ વેરિઅન્ટ. આ લેપટોપમાં તમને ફોર ઝોન આરજીબી બેકલાઇટ કીબોર્ડ મળશે. ગ્રાહકો તેને 15/17 ઇંચના સ્ક્રીન કદમાં ખરીદી શકશે. આ લેપટોપના 15 ઇંચ ડિસ્પ્લે અને 10 મી જનરેશનના ઇન્ટેલ કોર આઇ 5 પ્રોસેસર, 8 જીબી રેમ અને એનવીડિયા ગેફોર્સ જીટીએક્સ 1650 ગ્રાફિક્સ વેરિએન્ટની કિંમત 72,990 રૂપિયા છે.


એસર નાઇટ્રો 5ના ટોચના 5 ફીચર્સ

 1. બ્લેક કલર મેટાલિક બોડીથી તૈયાર કરાયેલા આ લેપટોપનું સ્ક્રીન રીઝોલ્યુશન પૂર્ણ એચડી એટલે કે 1920×1080 પિક્સેલ્સ છે.
 2. કંપનીએ ડિસ્પ્લેમાં આઈપીએસ પેનલનો ઉપયોગ કર્યો છે, જે 144 હર્ટ્ઝ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.
 3. આ સિવાય ગેમિંગ દરમિયાન ઠંડક માટે લેપટોપમાં એક અલગ બટન આપવામાં આવ્યું છે.
 4. લેપટોપમાં ઇન્ટેલ કોર 10 મી જનરેશન આઇ 5 / આઇ 7 એચ સીરીઝ પ્રોસેસર મળશે. તેમાં 32 જીબી ડીડીઆર 4 રેમ અને એનવીડિયા જીફોર્સ આરટીએક્સ 2060 ગ્રાફિક્સ સપોર્ટ છે.
 5. લેપટોપમાં હાઇબ્રિડ સ્ટોરેજ વિકલ્પ મળશે. આ સિવાય તેમાં 1 ટીબી એચડીડી અને 256 જીબી એસએસડી સ્ટોરેજ મળશે.

ભાવનગર: કૂકરમાં ફસાયું બાળકીનું માથું, ડોક્ટરો થયા ફેલ તો આવી રીતે માથાને બહાર કાઢવામાં આવ્યું

ભાવનગરમાં કંપાવી નાંખે તેવી ઘટના બની છે. બાળકીનું માથું પ્રેશર કૂકરમાં ફસાઈ ગયા બાદ એક ક્લાક સુધી તેને કાઢવામાં અનેક પ્રકારે મગજ ચલાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ દેશી સ્ટાઈલે બાળકીના માથાને કૂકરમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ દરમિયાન બાળકીને સામાન્ય ઈજા પણ પહોંચી હતી.

45 મિનિટની મહેનત બાદ જે વ્યક્તિ વાસણ કાપતો હતો તેણે કટરની મદદથી કૂકર કાપીને બાળકીનું માથુ બહાર કાઢ્યું. આ દરમિયાન બાળકીના કપાળ પર પણ થોડીક ઈજા થઈ છે. હોસ્પિટલના ડોક્ટરે કહ્યું કે બાળીકને સામાન્ય ઈજા થઈ છે અને તેના કપાળ પર સોજો આવ્યો છે. હાલ બાળકીને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે. થોડા સમય પછી બાળકીને રજા આપવામાં આવશે.

પરિવારજનોએ જણાવ્યું હતું કે બાળકી રસોડામાં રમતી હતી ખબર ન પડી કે કેવી રીતે તેનું માથું કૂકરમાં ફસાઈ ગયું. ઘરના અન્ય લોકોથી માથું સંતાડવા માટે બાળકીએ માથું કૂકરનાં ફસાવી લીધું હતું.

એવું પણ જાણવા મળ્યું છે કે બાળકી કુટુંબના કેટલાક સભ્યો સાથે છુપાછુપીની રમત રમી રહી હતી અને પરિવારના બાકીના લોકોથી પોતાને છુપાવવા માટે તેના કૂકર સાથે માથું સંતાડવાનો પ્રયત્ન કરતી હતી.

બાળકીએ કૂકરને તેના માથામાં મૂક્યું અને તેનું માથું કૂકરમાં ફસાઈ ગયું. જ્યારે બાળકએ પૂરતો જવાબ ન આપ્યો, ત્યારે પરિવારના સભ્યોએ તેની શોધ કરી. આ પછી, પરિવારના સભ્યોએ ખૂબ પ્રયાસ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ ગયા. આ દરમિયાન બાળકીએ રડારડ કરી મૂકી હતી. ઘરવાળા ઉતાવળે હોસ્પિટલમાં લઈ ગયા. આખરે કૂકરને ત્યાં કાપવો પડ્યો.

ડોક્ટરો એમ પણ કહે છે કે બાળકની મગજ અથવા કરોડરજ્જુમાં લોહીના પરિભ્રમણમાં કોઈ સમસ્યા થઈ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.

બિગ બોસ-14: જાણો ક્યારથી જોવા મળશે સલમાન ખાનનો શો, ઘરમાં રહેશે સોશિયલ ડિસ્ટન્સીંગ

સોની ટીવી કૌન બનેગા કરોડપતિ પહેલેથી જ પ્લગ કરી રહી છે, અન્ય ટીવી ચેનલો પણ લોકપ્રિય રિયાલિટી ટીવી શોને શરૂ કરવા માટે મેદાનાં ઉતરી રહી છે. કલર્સ ટીવી બિગ બોસની નવી સીઝનની જાહેરાત કરવાની યોજના બનાવી રહી છે. અભિનેતા સલમાન ખાન ફરી વાર આ શોની 14 મી સીઝનને હોસ્ટ કરશે અને ટૂંક સમયમાં જ શોનો પ્રોમો બનાવવામાં આવશે. ક્રિએટિવ ટીમો બિગ બોસ 14ની તૈયારીમાં લાગી ગઈ છે.

સલમાન ખાન તેના પનવેલ ફાર્મહાઉસથી આ શો માટેનો પ્રોમો શૂટ કરશે. અભિનેતાએ “સોશિયલ ડિસ્ટન્સ ” સહિતના સૂચનો પણ આપ્યા છે કારણ કે કોવિડ -19 નો અજગરી ભરડો હજી પણ દેશમાં છવાયેલો છે અને સ્પર્ધકોને કોઈપણ રીતે ડિસ્ટન્સ જાળવવા અને અન્ય સાવચેતીનાં પગલાં લેવાની સલાહ આપવામાં આવશે.

પ્રોમોનું શૂટિંગ જૂનમાં જ થવાનું હતુ પરંતુ વસ્તુઓ વાસ્તવિક થઈ શકી નહીં. બિગ બોસ 14 ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં સ્ક્રીન દેખાય તેવી રીતે તૈયારી કરવામાં આવી રહી છે. શોની અગાઉ જાહેર થયેલી તારીખમાં કોરોનાનાં કારણે વિલંબ થયો છે. આ ઉપરાંત ખતરોં કે ખેલાડીના હજુ પણ અનેક એપિસોડ બાકી છે. લોકડાઉનની જાહેરાત થતાં ખતરોં કે ખેલાડીનું શૂટીંગ પણ અટકી ગયું હતું.ચેનલે એડવેન્ચર રિયાલિટી શોના બાકીના એપિસોડ્સનું પ્રસારણ કરવાનું બંધ કરી દીધું હતું,પણ ચેનલ હવે પાછું કાર્ય કરવાનું શરૂ કર્યું છે, ત્યારે તે પહેલા કેકેકેના એપિસોડને પ્રસારિત કરશે, જેમાં લગભગ બે મહિનાનો સમય લાગશે.

આ ઉપરાંત આ વખતે પાછલી સીઝનથી વિપરીત શોમાં કોઈ એક્સ્ટેંશન જોવા મળશે નહીં. આ એટલા માટે છે કારણ કે ત્યાં પહેલાથી જ અન્ય રિયાલિટી શો છે જે પણ વિલંબથી ટેલિકાસ્ટ થવાના છે. ડાન્સ દિવાને, રાઇઝિંગ સ્ટાર અને ખતરા-ખતરા-ખતરા સહિતના કાર્યક્રમોનો આમાં સમાવેશ થાય છે.

એવી અટકળો વહેતી થઈ રહી છે કે શોમાં ભાગ લેવા ભાબી જી ઘર પાર હૈં ખ્યાતિની શુભાંગી અત્રે, તુઝસે હૈ રાબતાની શગુન પાંડે અને હમારી બહુની સિલ્ક સ્ટાર ઝાન ખાનનો સંપર્ક કરવામાં આવ્યો છે.

ભારતીય વિદ્યાર્થીઓનું અમેરિકા જવાનું સ્વપ્ન તૂટી જશે, H1-B વિઝા પર ટ્રમ્પ મૂકી શકે છે પ્રતિબંધ

દર વર્ષે ભારતમાં આઈઆઈટી કરનારા મોટાભાગના વિદ્યાર્થીઓના અમેરિકા જવાના સપના છે. પરંતુ હવે લાગે છે કે તેમણે આ સ્વપ્ન માટે લાંબી રાહ જોવી પડશે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એચ -1 બી વિઝા સહિતના તમામ રોજગાર વિઝાને સ્થગિત કરવાની દરખાસ્ત પર વિચાર કરી રહ્યા છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, આ પ્રસ્તાવ પસાર કરવાનો અર્થ એ છે કે યુ.એસ. બહારથી કોઈ પણ ત્યાં કામ કરી શકશે નહીં. જો કે, જેમની પાસે પહેલાથી યુ.એસ.માં આ વિઝા છે તેઓને અસર થશે નહીં.

ઇન્ફોસીસ, વિપ્રો જેવી ભારતની ટેક્નોલોજી કંપનીઓ તેમના કર્મચારીઓને ફક્ત એચ -1 બી વિઝા દ્વારા યુ.એસ. સાઇટ પર મોકલે છે. જો ટ્રમ્પની સરકાર આ નિર્ણયને મંજૂરી આપે છે, તો તેની ખરાબ અસર ભારતના હજારો આઇટી પ્રોફેશનલ્સ પર પડશે. કોરોનાવાયરસ રોગચાળાને લીધે લાખો ભારતીયો તેમની નોકરીઓ ગુમાવી ચૂક્યા છે.

આ પ્રસ્તાવનાં સમર્થનમાં ટ્રમ્પ સરકારની દલીલ છે કે કોરોનાવાયરસ રોગચાળાને કારણે તેઓ ઇચ્છે છે કે અન્ય દેશોના લોકો અહીં ન આવે અને ચેપગ્રસ્ત ન થાય. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ ઉદ્દેશ્ય અમેરિકન નાગરિકોને રોજગારી પૂરી પાડવાનો છે.

આ કિસ્સામાં વ્હાઇટ હાઉસના પ્રવક્તા હોગન ગિડલીએ કહ્યું હતું કે વ્હાઈટ હાઉસ હજી પણ આ નિર્ણયની અસર અંગે વિચારણા કરી રહ્યું છે. આ પ્રસ્તાવ કરિયર એક્સપર્ટ્સ દ્વારા અમેરિકન નાગરિકોની નોકરીની ખાતરી આપવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે, આ અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ભારતમાં સૌ પ્રથમ સફેદ રંગની દેવ ચકલી ગુજરાતના આ શહેરમાં જોવા મળી, જાણો આ દેવચકલી વિશે

ગુજરાતમાં અનેક વખતે દુલર્ભ જાતિના પ્રાણીઓ, પક્ષીઓ અને અન્ય વસ્તુઓ મળવાની ઘટના બનતી રહે છે. પણ તાજેતરમાં જામનગરમાં સફેદ રંગની ચકલી જોવા મળી હતી. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરતાં યુવાનોએ સેફદ રંગની ચકલીના ફોટો શેર કર્યા છે.

29,મે-2020ની સવારે જામનગરના વાઈલ્ડલાઈફ ક્ષેત્રે વરસોથી કાર્યરત અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરો અંકુર ગોહિલ, વિશ્વાસ ઠક્કર અને આનંદ પ્રજાપતિ ખીજડીયા પક્ષી અભ્યારણ્યની બહારની તરફ શહેર નજીકના વિસ્તારમાં પક્ષીઓની ફોટોગ્રાફી માટે નીકળ્યા હતાં ત્યારે એક સ્થળ પર અંકુરને વૃક્ષો પરના પક્ષીઓની ફોટોગ્રાફી દરમિયાન એક બાવળના વૃક્ષ પર એક અલગ જ પ્રકારના નાના એવા સફેદ કલરના પક્ષીની હલચલ નજરે પડતા થોડું આશ્ચર્ય થયું હતું અને તેણે સૌનું ધ્યાન દોર્યુ હતું.

સૌપ્રથમ તેના દૂરથી જ થોડા ફોટોગ્રાફ લીધા અને કેમેરાની સ્ક્રીન પર જોતા એક સુખદ આંચકા વચ્ચે આ પક્ષી રંગસૂત્રોની ખામીથી ઉત્પન્ન થતા “એલ્બીનો” પ્રકારની હોવાનું અને આ પ્રકારની આ નાની એવી આ દેવચકલી લાઈફમાં સૌપ્રથમ વખત જોવાનો રોમાંચ અને આનંદ થતા આ સ્થળે એકાદ કલાક જેટલો સમય ફાળવી તેની નજીકથી ફોટોગ્રાફી કરવાનો પ્રયત્ન કરેલ સતત ઉડાઉડ અને કાંટાળા વૃક્ષોમાં છુપાઈ જતી આ અલભ્ય ચકલીને કેમેરામાં કંડારવાની કેટલીક અદ્દભૂત ક્ષણો મળવા પામી હતી.

ગુજરાત અને ભારતમાં તથા ભારત નજીકના દેશોમાં આ પ્રકારની દેવચકલી ક્યારેય જોવા મળે છે કે નહીં તે અંગેની જાણકારી મેળવવા માટે જામનગરના જાણીતા પક્ષીવિદ્દોએ અનેક રેકોર્ડ ચકાસવાના શરૃ કર્યા, પરંતુ આ પ્રકારની દેવચકલી ક્યાંય જોવા મળી ન હોવાનું જાણવા મળ્યુ હતું અને આ દેવચકલી “લ્યુકિસ્ટિક દેવચકલી” (રંગ સૂત્રોની ખામી ધરાવતી) હોવાનું તારણ નીકળ્યું હતું.

જાણકારી મુજબ પોતાના કુદરતી રંગોથી અલગ રંગ ધરાવતા પક્ષીઓની જિંદગી ટૂકી હોવાનું જાણવા મળે છે, કારણ કે, દરેક પશુ-પક્ષીઓને કુદરતે તેમના શીકારીઓથી બચવા ચોક્કસ પ્રકારના રંગો આપેલા છે, જેના કારણે સંકટ સમયે તે શિકારી પક્ષીઓથી પોતાની જાતને છુપાવી શકે ત્યારે તેનો અલગ રંગ તેને આસાન શિકાર બનાવી શકે છે. પરંતુ જામનગરમાં જોવા મળેલ આ સફેદ કલરની દેવચકલી શારીરિક મજબુત, તંદુરસ્ત અને પુખ્ત વયમાં હોવાનું જણાય છે. કદમાં ચકલી જેવડું આ પક્ષી ના નરનો રંગ કાળો પણ અંદરથી ભૂરી ઝાંચવાળો અને માદા નિસ્તેજ ભૂરા રંગની હોય છે. ચાંચ, પગ અને આંખ પણ કાળા રંગની હોય છે.

આ દેવચકલી (ઈન્ડિયન રોબીન) પક્ષીઓમાં આ “લ્યુકિસ્ટિક દેવચકલી” સૌપ્રથમ વખત જામનગરમાં જ જોવા મળી આવેલ હોવાનું જાણવા મળેલ છે. આ પ્રકારનો રેકોર્ડ પક્ષીઓની અનેરી દુનિયામાં એક વિશ્વ રેકોર્ડ પુરવાર થઈ રહેશે અને તેનો યશ જામનગરના ઉપરોક્ત ત્રણેય પક્ષીપ્રેમીઓને મળશે.

મહારાષ્ટ્રના અલીબાગ પર ત્રાટક્યું સાયક્લોન નિસર્ગ, દરિયામાં ઉંચા-ઉંચા મોજા ઉછળ્યા, જહાજને ફંગોળી દીધું

સાયક્લોન નિસર્ગ મહારાષ્ટ્રના અલીબાગ પર ત્રાટક્યું છે. જે તસવીરો આવી રહી છે તે ભયભીત કરનારી છે. ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. ગેટ વે ઓફ ઈન્ડીયા પર ઉંચા-ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

વાવાઝોડા નિસર્ગની ઝપટમાં આવેલા જહાજને ભાર પવન સતત ફંગોળતો હોવાના ફોટો મળી રહ્યા છે. ઉંચા-ઉંચા મોજામાં જહાજ દરિયામાં ફંગોળાઈ રહ્યો છે. જહાજને જોતાં જ લાગે છે કે વાવાઝોડું નિસર્ગ કેટલું શક્તિશાળી છે.

વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. 100થી 120 કિમી પ્રતિ ક્લાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જ્યારે રત્નાગીરામાં દરિયાની વચ્ચે ફસાયેલો જહાજ હવા અને પાણીની થપાટો ઝીલી રહ્યો છે.