અમદાવાદ વનડેમાં ભારતનો તરખાટ: પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું, સમગ્ર દેશમાં દિવાળી જેવી ઉજવણી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલી વનડેમાં ભારતના બોલરો અને બેટ્સમેનોનાં તરખાટ વચ્ચે પાકિસ્તાની ટીમ પત્તાનાં મહેલની માફક ઢળી પડી હતી. ભારતે પાકિસ્તાનને સાત વિકેટે પરાજ્ય આપ્યો હતો. ભારતીય ટીમના વિજયને દેશભરમાં દિવાળી જેવી ઉજવણી કરી વધાવી લેવામાં આવ્યો હતો. દેશભરમાં આતશબાજી કરવામાં આવી રહી છે.

ભારતે ટોસ જીતીને બોલીંગ કરવાનું પસંદ કર્યું હતું પાકિસ્તાની સમગ્ર ટીમ નિર્ધારિત 50 ઓવરની મેચમાં 191 રનનાં સ્કોર પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.બાબર આઝમનાં 50 અને ઈમરાનુલહકનાં 36 તથા મહોમ્મદ રીઝવાનનાં 49 રનનાં સહારે પાકિસ્તાની ટીમ 191ના સ્કોર પર પહોંચી અને ઓલઆઉટ થઈ હતી. ભારતીય બોલરોએ પાકિસ્તાની ટીમને તંબૂ ભેગી કરી હતી.

બાદમાં 191 રનનો પીછો કરતી ભારતીય ટીમે ત્રણ વિકેટનાં ભોગે 192 રન બનાવી જીત હાંસલ કરી હતી. ભારતીય બેટ્સમેનોમાં રોહિત શર્મા 86, શ્રેયસ અય્યર-53નાં સથવારે મેચના સંપૂર્ણપણે ભારતના પક્ષમાં કરી લીધી હતી. રોહિત શર્મા, શૂભમન ગીલ અને વિરાટ કોહલીની ભારતે વિકેટ ગૂમાવી હતી. જીત માટે શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ બાકીની ઔપચારિક્તા પુરી કરી હતી.

ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા અમદાવાદ પહોંચી અનુષ્કા શર્મા, સચિન અને કાર્તિક સાથે ફોટો પડાવ્યો

વિરાટ કોહલીની પત્ની અને ફિલ્મ ઉદ્યોગની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે અમદાવાદ પહોંચી છે. તમને જણાવી દઈએ કે દિગ્ગજ ભારતીય બેટ્સમેન તેંડુલકર પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે અમદાવાદ આવ્યો છે. વર્લ્ડ કપમાં જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હોય છે ત્યારે ઉત્તેજના ચરમસીમા પર હોય છે. તમને જણાવી દઈએ કે અનુષ્કાએ સચિન અને દિનેશ કાર્તિક સાથેની એક તસવીર પણ આપી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સ આના પર સતત કોમેન્ટ કરી રહ્યા છે.

મેચ વિશે વાત કરીએ તો, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શનિવારે અહીં પાકિસ્તાન સામે વર્લ્ડ કપની મહત્વપૂર્ણ મેચમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનર શુભમન ગિલ ભારતીય ટીમમાં પરત ફર્યો છે. ડેન્ગ્યુના કારણે પ્રથમ બે મેચમાં રમી ન શકનાર ગિલને ઈશાન કિશનના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. પાકિસ્તાને પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.

એશિયન ગેમ્સઃ ભારતે 25મા સુવર્ણપદક સાથે મેડલની સેન્ચ્યુરી ફટકારી, જાણો કેટલા સિલ્વર અને બ્રોન્ઝ જીત્યા

ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી 19મી એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ દિવસેને દિવસે તેમનું ઐતિહાસિક પ્રદર્શન જારી રાખ્યું છે. હવે શનિવારે ભારતીય મહિલા કબડ્ડી ટીમે ગોલ્ડ મેડલ જીતવાની સાથે જ ભારતે 100 મેડલનો આંકડો સ્પર્શી લીધો છે.

ભારતીય મહિલાઓએ કબડ્ડીમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને તેનો 25મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ સિવાય ભારતના નામે અત્યાર સુધીમાં 35 સિલ્વર મેડલ અને 40 બ્રોન્ઝ મેડલ છે. તમને જણાવી દઈએ કે એશિયન ગેમ્સમાં ભારતનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

નોંધનીય છે કે મેડલ ટેબલમાં ચીન 356 મેડલ સાથે પ્રથમ સ્થાને છે. ચીને 188 ગોલ્ડ, 105 સિલ્વર અને 63 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તે જ સમયે, જાપાન 47 ગોલ્ડ સાથે 169 મેડલ જીતીને બીજા સ્થાને છે. કોરિયા ત્રીજા નંબર પર છે. કોરિયાએ 36 ગોલ્ડ, 50 સિલ્વર અને 86 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

ભારતીય મહિલા કબડ્ડી ટીમે એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ મેચમાં ચાઈનીઝ તાઈપેઈ સામે 14-9થી લીડ મેળવી હતી. હાંગઝોઉમાં તેમના અભિયાનની શરૂઆતની મેચમાં, બંને ટીમો 34-34 થી ટાઈ રમી હતી.

તમને જણાવી દઈએ કે ભારતીય રેઈડર્સે પહેલા હાફમાં છ બોનસ પોઈન્ટ મેળવ્યા હતા. તે જ સમયે, બીજા હાફમાં, ચાઇનીઝ તાઇપેએ લીડ લીધી અને 16 પોઇન્ટ બનાવ્યા, જ્યારે ભારતીયો ફક્ત 12 પોઇન્ટ જ બનાવી શક્યા.

જોકે, ભારતીય રેઇડર્સે બીજા હાફમાં બે બોનસ પોઇન્ટ મેળવ્યા હતા. પરંતુ અંતે, પ્રથમ હાફમાં તેમના શાનદાર પ્રદર્શનને કારણે ભારતીય કબડ્ડી ખેલાડીઓએ શનિવારે મહિલા ટીમ કબડ્ડી ઈવેન્ટમાં ચાઈનીઝ તાઈપેઈ સામે 26-25થી જીત મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, “એશિયન ગેમ્સમાં ભારત માટે એક નોંધપાત્ર સિદ્ધિ! ભારતના લોકો રોમાંચિત છે કે અમે 100 મેડલની નોંધપાત્ર સિદ્ધિ સુધી પહોંચી ગયા છીએ. હું અમારા અસાધારણ એથ્લેટ્સને હૃદયપૂર્વક અભિનંદન આપું છું જેમના પ્રયાસોથી ભારતને આ ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરવામાં મદદ મળી છે.

તેમણે લખ્યું કે દરેક અદ્ભુત પ્રદર્શને ઈતિહાસ રચ્યો છે અને અમારા હૃદયને ગર્વથી ભરી દીધું છે. હું 10મીએ અમારી એશિયન ગેમ્સની ટુકડીનું આયોજન કરવા અને અમારા એથ્લેટ્સ સાથે વાર્તાલાપ કરવા આતુર છું.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) એ ટ્વિટર પર લખ્યું, “સંપૂર્ણ વર્ચસ્વ! અમારી મહિલા કબડ્ડી ટીમે ચાઈનીઝ તાઈપેઈની ટીમને હરાવીને જીત મેળવી છે અને સુવર્ણ ચંદ્રક જીત્યો છે. મહિલા ટીમની અજોડ કૌશલ્ય, મક્કમતા અને ટીમ વર્કએ દેશને ગૌરવ અપાવ્યું છે. અને ભારતે એકંદરે રેકોર્ડ બનાવ્યો છે. એશિયન ગેમ્સ 2022માં અત્યાર સુધીમાં 100 મેડલ. ઉજવણી કરવા અને વહાલ કરવા માટેની એક ક્ષણ.

આ પહેલા ગુરુવારે, ભારતે સ્પર્ધાની સેમિફાઇનલ મેચમાં નેપાળને 61-17થી હરાવીને મહિલા કબડ્ડીની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. દરમિયાન, ભારત અને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન આજે બપોરે 12:30 વાગ્યે હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સમાં પુરૂષોની કબડ્ડીની ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે.

નોંધનીય છે કે ભારત હાલમાં કુલ 100 મેડલ સાથે મેડલ ટેબલમાં ચોથા સ્થાને છે.

એશિયન ગેમ્સ: નવ વર્ષ પછી ભારતે હોકીમાં ગોલ્ડ જીત્યો, ફાઇનલમાં જાપાનને હરાવ્યું, પેરિસ ઓલિમ્પિકમાં સીધી એન્ટ્રી

ચીનમાં આયોજિત 19મી એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. ભારતે ફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાનને 5-1ના મોટા માર્જિનથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જીત સાથે ભારતે નવ વર્ષ બાદ આ ગેમ્સમાં હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. છેલ્લી વખત એશિયન ગેમ્સમાં ભારતે 2014ની ઇંચિયોન એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો.

આ ઐતિહાસિક જીત સાથે ભારતીય પુરૂષ હોકી ટીમે આવતા વર્ષે પેરિસ ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય કરી લીધું છે. ભારત તરફથી મનપ્રીત સિંહે 25મી મિનિટે, હરમનપ્રીત સિંહે 32મી અને 59મી મિનિટે, અમિત રોહિદાસે 36મી મિનિટમાં અને અભિષેકે 48મી મિનિટે ગોલ કર્યા હતા. જાપાન તરફથી એકમાત્ર ગોલ તનાકાએ 51મી મિનિટે કર્યો હતો. આ શાનદાર પ્રદર્શનના કારણે ભારતે એશિયન ગેમ્સમાં ચોથી વખત યલો મેડલ જીત્યો છે. ભારતીય ટીમે હવે 1966, 1998, 2014 અને 2023માં ગોલ્ડ મેડલ જીત્યા છે.

ભારતે 1958, 1962, 1970, 1974, 1978, 1982, 1990, 1994, 2002 એશિયન ગેમ્સમાં નવ વખત સિલ્વર મેડલ અને 1986, 2010 અને 2018 એશિયન ગેમ્સમાં ત્રણ વખત બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પાકિસ્તાને સૌથી વધુ આઠ વખત (1958, 1962, 1970, 1974, 1978, 1982, 1990, 2010) ગોલ્ડ જીત્યો છે. તે જ સમયે, ભારત અને દક્ષિણ કોરિયાએ ચાર-ચાર વખત અને જાપાને એક વખત ગોલ્ડ જીત્યો છે. ગોલ્ડ જીતવાની સાથે ભારતીય હોકી ટીમે 2024માં પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય કરી લીધું છે.

ICC ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઐતિહાસિક પ્રદર્શન માટે મુકાઈ

પ્રતિષ્ઠિત ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી ક્રિકેટ વિશ્વનું શ્રેષ્ઠતા અને એકતાનું પ્રતીક છે અને એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ સમગ્ર વિશ્વને ભારતની એકતા અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે ત્યારે આ ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદર્શન માટે મુકવામાં આવી છે. ટ્રોફીના વૈશ્વિક પ્રવાસના ભાગરૂપે એકતાનગરની પણ ઐતિહાસિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે.આ ટ્રોફીને અવકાશની સાથે ૧૮ દેશોના પ્રસિદ્ધ સ્થાનોની મુસાફરી કરાવવામાં આવી છે.

ક્રિકેટ પ્રેમીઓ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતીઓને આ ટ્રોફીને નજીકથી નિહાળવાની દુર્લભ તક મળી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રોફીની મુલાકાત ક્રિકેટની લોકપ્રિયતા અને વિશ્વભરના લોકોને એક કરવાની તેની ક્ષમતા બતાવે છે.

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફીએ આ વર્ષની શરૂઆત થી જ તેની અદભૂત સફર શરૂ કરી છે. પૃથ્વીથી ૧,૨૦,૦૦૦ ફૂટની ઉંચાઈ પર આવેલ સ્ટ્રેટોસ્ફિયર સુઘી પહોંચી હતી, આ રોમાચક સફરે અખબારો અને ટી.વી ચેનલ્સની હેડલાઇન્સ બનાવી હતી. ટ્રોફીની રોમાંચક અને ઐતિહાસિક સફર દરમિયાન તેને વિશ્વભરમાં વિવિધ પ્રસિદ્ધ સ્થળોએ લઈ જવામાં આવી છે, જે તેને એકતા અને રમતગમતની શ્રેષ્ઠતાનું પ્રતીક બનાવે છે.

ચળકાટ: એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 16 ગોલ્ડ મેડલ્સ સહિત મેળવ્યા 73 મેડલ્સ

એશિયન ગેમ્સમાં ભારતીયોનો દબદબો જળવાઈ રહ્યો છે, અને આજે સવારમાં જ બે મેડલ્સ જીતીને ભારતે અત્યાર સુધીમાં ૧૬ સુવર્ણચંદ્રક સહિત ૭૩ મેડલ્સ મેળવી લીધા છે.

એશિયન ગેમ્સ ર૦ર૩ ના ૧૧ મા દિવસે સોનેરી સવાર પછી ભારતના ખાતામાં બજા બે મેડલ આવ્યા છે. ભારત પાસે અત્યાર સુધી કુલ ૭૩ મેડલ છે, જેમાં ૧૬ ગોલ્ડ મેડલ, ર૬ સિલ્વર મેડલ અને ૩૧ બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારતને અન્ય બે બ્રોન્ઝ મેડલ સ્કવોશ મિક્સ ડબલ્સ અને બોક્સિંગમાં મળ્યા છે.

ભારતને સ્ક્વોશ મિક્સ ડબલ્સમાં મલેશિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અનહત અને અભયની જોડીને બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. મલેશિયાએ આ ભારતીય જોડીને ૧૧-૮, ર-૧૧ અને ૯-૧૧ થી હરાવી હતી. ત્યારપછી ભારતીય બોક્સર પરવીન હુડ્ડાએ સેમિફાઈનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહિલાઓની પ૭ કિ.ગ્રા. વેઈટ કેટેગરીમાં પરવીનને ચાઈનીઝ તાઈપેની લિન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ખાલિસ્તાનીઓની ધમકીના પગલે મોદી સ્ટેડિયમમાં તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ

આગામી તા. પાંચ ઓક્ટોબરથી અમદાવાદના મોદી સ્ટેડિયમથી ક્રિકેટ વર્લ્ડ કપ શરૃ થનાર છે ત્યારે ભારતે જેને આતંકવાદી જાહેર કર્યો છે તે ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુએ આપેલી ધમકીના પગલે મોદી સ્ટેડિયમમાં સુરક્ષા માટે તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ છે.

અમદાવાદ સાયબર ક્રાઈમે ખાલિસ્તાની સમર્થક પન્નુ સામે પોલીસ ફરિયાદ નોંધી છે. હવે આ કેસમાં સાયબર ક્રાઈમની સાથે દેશની ટોચની એજન્સી સાથે મળીને કામ કરશે. જેમાં એનઆઈએ, રો, સેન્ટ્રલ આઈબી પણ જોડાશે જે માટે સત્તાવાર કામગીરી શરૃ થઈ ગઈ છે.

ભારતમાં આગામી દિવસોમાં ક્રિકેટ વર્લ્ડકપની શરૃઆત થવા જઈ રહી છે. આ વર્લ્ડકપ પર ખાલિસ્તાની સમર્થકે રેકોર્ડેડ કોલ કરાવીને પોતાનો ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ તમામ કોલ વિદેશની ધરતી પરથી થયા હતાં અનેતેની પાછળ આતંકીઓનો ખૂબ જ ખરાબ મનસૂબો હોય તેવી શક્યતાના આધારે કોઈપણ કચાસ છોડવામાં ન આવે તે માટે દેશની સુરક્ષા એજન્સીઓએ કમર કસી લીધી છે.

અમદાવાદમાં રમાનારી વર્લ્ડકપની મેચોને લઈને ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુએ ધમકીઓ આપી હતી. તેણે ધમકીમાં કહ્યું હતું કે, પાંચ ઓક્ટોબરે ક્રિકેટ વર્લ્ડકપ નહીં પણ ટેરર વર્લ્ડકપ શરૃ થશે. અમદાવાદના નાગરિકોને ભયભીત કરવા માટે ધમકીભર્યા કોલ કરાતા હતાં.

ગુરપતસિંહ પન્નુએ સોશિયલ મીડિયામાં વાઈરલ કરેલા વીડિયોમાં આ પ્રકારની ધમકી આપી હતી. તેણે જણાવ્યું હતું કે, શીખ ફોર જસ્ટિસ ખાલિસ્તાન ધ્વજ સાથે અમદાવાદનો ઉપયોગ કરીને તોફાન કરીશું. અમે શહીદ નિજ્જરની હત્યાનો બદલો લેવાના છીએ. અમે તમારી બૂલેટ સામે બેલેટનો ઉપયોગ કરીશું. અમે તમારી હિંસા વિરૃદ્ધ મતનો ઉપયોગ કરીશું. યાદ રાખો પાંચમી ઓક્ટોબરે ક્રિકેટ વર્લ્ડકપ નહીં પણ વર્લ્ડ ટેરર કપની શરૃઆત હશે.

સાત વર્ષ પછી ભારતમાં વર્લ્ડકપ રમવા આવેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમનું હૈદરાબાદમાં સ્વાગત

વર્લ્ડકપ રમવા માટે પાકિસ્તાનની ટીમનું હૈદાબાદમાં આગમન થયું છે ત્યારે તેનું સ્વાગત કરાયું હોવાનો વીડિયો પાક. ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શેર કર્યો છે.

વર્લ્ડ કપ ર૦ર૩ની પ ઓકટોબરથી શરૃઆત થવા જઈ રહી છે. જે માટે ર૯ સપ્ટેમ્બરથી વોર્મ-અપ મેચો શરૃ થશે. આ માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ ગઈકાલે હૈદાબાદ પહોંચ્યા હતાં. ભારત પહોંચ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયા પર ઘણાં વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે હૈદરાબાદમાં ભારતીય ફ્રેન્સ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ ગઈકાલે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતાં. જે બાદ બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાની ટીમના ખેલાડીઓ બસ દ્વારા હોટલ પહોંચ્યા હતાં. ભારતીય ફ્રેન્સે જે રીતે પાકિસ્તાની ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કર્યું. તે જોઈ પાકિસ્તાની ખેલાડીઓ ખુશ થઈ ગયા. પાકિસ્તાની ફ્રેન્સ અને ખેલાડીઓ સ્વાગત માટે સતત ભારતનો આભાર માની રહ્યા છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો કેપ્શનમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે લખ્યું છે કે ભારતની ધરતી પર પહોંચ્યા બાદ હૈદરાબાદમાં અમારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જો કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

ચર્ચાસ્પદ: રાજકોટના સ્ટેડિયમમાંથી રોહિત શર્માનો આઇફોન ચોરાયો કે ખોવાયો?

કેટલાક મીડિયા અહેવાલો દ્વારા મળી રહેલી માહિતી મુજબ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાંથી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનો આઇફોન ચોરાયાની ઘટના બની છે. ગઇકાલે ટીમ ઇન્ડિયાએ સાંજે 5 વાગ્યાથી લઇને રાત્રે આઠ વાગ્યા સુધી સ્ટેડિયમમાં નેટ પ્રેકટિસ કરી હતી. આ નેટ પ્રેકટિસ શરૂ કરતા પહેલા ટીમ દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સની પહેલા અથવા પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ જ રોહિત શર્માનો આઇફોન ચોરાયો હોય અથવા નેટ પ્રેકટિસની આસપાસના સમયગાળામાં આઇફોન ચોરાયો હોય તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

જો કે આ સમગ્ર ઘટના અંગે કોઇ સત્તાવાર પોલીસ ફરિયાદ હજુ સુધી નોંધાઇ નથી. પરંતુ મીડિયા અહેવાલોનું સાચું માનીએ તો રોહિત શર્માએ તેનો આઇફોન ન મળી રહ્યો હોવાની વાત કરતા જ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ અને રાજકોટ ગ્રામ્ય પોલીસના અધિકારીઓ તેમજ જવાનો દ્વારા મોડી રાત સુધી આઇફોન બાબતે તપાસ ચલાવવામાં આવી હતી. ઉપરાંત રાજકોટ સીટી પોલીસે પણ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. પરંતુ આટલી જહેમત ઉઠાવ્યા બાદ હુજ સુધી પણ આઇફોન શોધવામાં પોલીસને સફળતા હાથ લાગી નથી. એટલે હવે આ આખી ઘટના હકીકતે બની જ છે કે ફક્ત અફવા છે તે પણ તપાસનો વિષય છે.

બીજી બાજુ હાલમાં ખંઢેરી સ્ટેડિયમમાં IND VS AUSની મેચ ચાલી રહી છે જેનો ભયંકર ક્રેઝ લોકોમાં જોવા મળી રહ્યો છે. આખું સ્ટેડિયમ લોકોથી ખચોખચ ભરાઇ ગયું છે. વન-ડે સિરીઝની અંતિમ મેચનો આનંદ માણવા લોકો 12 વાગ્યાથી જ સ્ટેડિયમ પહોંચી ગયા હતા જેને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સવારથી જ સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો.

 

તરખાટ: નેપાળના બેટ્સમેન દીપેન્દ્રે માત્ર 9 બોલમાં ફટકારી ફિફટી, યુવરાજ સિંહનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

નેપાળના દીપેન્દ્ર સિંહ એરીએ T-20 ઇન્ટરનેશનલમાં ધૂમ મચાવી દીધી છે. એશિયન ગેમ્સમાં મંગોલિયા સામેની મેચ દરમિયાન નેપાળના દિપેન્દ્ર સિંહ એરીએ માત્ર 9 બોલમાં અડધી સદી ફટકારીને યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો હતો. દીપેન્દ્ર સિંહ એરી હવે T-20 ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.

તમને જણાવી દઈએ કે મંગોલિયા સામેની મેચમાં દીપેન્દ્ર સિંહ એરીએ 10 બોલમાં 52 રનની ઈનિંગ રમી હતી જેમાં તેણે 8 સિક્સર ફટકરાયા હતા. દીપેન્દ્ર સિંહ એરીની ઇનિંગના આધારે નેપાળે 20 ઓવરમાં 3 વિકેટે 314 રન બનાવીને ખળભળાટ મચાવ્યો હતો. દીપેન્દ્ર સિવાય કુશલ મલ્લાએ 50 બોલમાં 137 રન બનાવીને નેપાળ માટે ધમાકો સર્જ્યો હતો. તમને જણાવી દઈએ કે વર્ષ 2007માં યુવરાજ સિંહે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 મેચમાં માત્ર 12 બોલમાં અડધી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે નેપાળની ટીમ T-20 ઈન્ટરનેશનલમાં 300 રન બનાવનારી પ્રથમ ટીમ બની ગઈ છે.આ સિવાય કુશલ મલ્લાએ માત્ર 34 બોલમાં સદી ફટકારીને તરખાટ મચાવ્યો હતો. તે T-20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.