છેડતીના કેસ પછી જૂનિયર ડેવિસ કપ ખેલાડી સામે વય છેતરપીંડીનો આરોપ

જૂનિયર ગર્લ્સ ખેલાડીના પિતાએ છેડતીના કેસમાં લડેલી લડાઇને કારણે જૂનિયર ડેવિસ કપ ખેલાડી અને ચાર અન્ય દ્વારા કથિત રીતે વય છેતરપીંડી આચરી હોવાનું સામે આવ્યું છે. જો કે નેશનલ ટેનિસ એસોસિએશને વર્ષોથી રમતને પ્રભાવિત કરનારા આ મુદ્દે કોઇ કાર્યવાહી કરી નથી.

જૂનિયર ગર્લ્સ ખેલાડીએ આરોપ મુક્યો હતો કે સાથી તાલીમી ખેલાડીઓએ ચંદીગઢ લોન ટેનિસ એસોસિએશન (સીએલટીએ)ના પટાંગણમાં તેની છેડતી કરી હતી અને તેમાં જૂનિયર ડેવિસ કપ ખેલાડી પણ સામેલ હતો. તે પછી છોકરીના પિતાએ કરેલા પ્રયાસોથી આ તમામે પોતાની વય છુપાવી હોવાનો ખુલાસો થયો હતો અને હાલમાં પોલીસ તેની તપાસ કરે છે.

છોકરીના પિતાને જ્યારે ક્યાંયથી મદદ ન મળી ત્યારે તેમણે હાર ન માની અને રોહતક, પલવલ તેમજ હિસારની સરકારી શાળાઓમાં ગયા જ્યાં આરોપીઓએ પ્રાથમિક લેવલનું શિક્ષણ  લીધું હતુ અને ત્યાંથી તેમની વાસ્તવિક જન્મતારીખ મેળવી હતી. તે પછી પાંચમાંથી એક  ખેલાડીનું જન્મ પ્રમાણપત્ર રદ કરી દેવાયું છે.

2019માં બનેલી આ ઘટના પર સીએલટીએ દ્વારા કોઇ મદદ ન કરાતા છોકરીના પિતાએ જાતે જ આરોપીઓની શાળાઓમાં તપાસ કરીને તેમની સાચી જન્મ તારીખ મેળવી હતી. જો કે છોકરીના પિતાએ આટલી મહેનત કરી છતાં આ લોકો સામે હજુ એ મામલે કોઇ પગલાં ભરવામાં આવ્યા નથી અને હજુ પણ તેઓ સીએલટીએમાં રમે છે. આ મામલે જ્યારે સંપર્ક કરાયો તો સીએલટીએના મહામંત્રી સુધીર રાજપાલે કેસ કોર્ટમાં હોવાનું કહીને વાત ટાળી હતી.

શશાંક મનોહરે આઈસીસીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું, આ માણસને સોંપાઈ કમાન

ક્રિકેટ જગતના દિગ્ગજ એવા શશાંક મનોહરે બુધવારે આઈસીસીના અધ્યક્ષ પદથી રાજીનામું આપ્યું હતું. આ પદ માટે તેઓ બે વાર ચૂંટાયા હતા. તેમણે બે વર્ષ સુધી આ પદે રહીને સેવા આપી હતી. એટલે કે, કુલ ચાર વર્ષ સુધી આઈસીસીના અધ્યક્ષ પર રહ્યા.

ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે આઇસીસી બોર્ડે બુધવારે બેઠક યોજી હતી અને સંમિત દર્શાવી હતી કે શશાંક મનોહરના અનુગામીની પસંદગી થાય ત્યાં સુધી ડેપ્યુટી ચેરમેન ઇમરાન ખ્વાજા તમામ જવાબદારી સંભાળશે. આગામી અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયાને આવતા અઠવાડિયે આઈસીસી બોર્ડની મંજૂરી મળે તેવી સંભાવના છે.

આઈસીસીના ચીફ એક્ઝિક્યુટિવ (સીઈઓ) મનુ સ્વાહે કહ્યું કે આઇસીસી બોર્ડ, સ્ટાફ અને સમગ્ર ક્રિકેટ પરિવાર વતી હું શશાંકને તેમના નેતૃત્વ માટે અને આઈસીસીના અધ્યક્ષ રહીને જે કર્યું તેના બદલ આભાર માનું છું. અમે તેમને અને તેમના પરિવારને ભવિષ્યની શુભકામના પાઠવીએ છીએ. તેમણે કહ્યું કે “આઈસીસી બોર્ડ પરના દરેક લોકો શશાંકને તેમના સમર્પણ માટે આભાર માને છે. તેઓ ક્રિકેટ અને આઈસીસીને વધુ સારી સ્થિતિમાં મૂકીને જઈ રહ્યા છે.

કિંગ્સXI પંજાબના સહમાલિક નેસ વાડિયાની સાફ વાત : ચાઇનીઝ સ્પોન્સર્સ સાથે IPLએ સંબંધ તોડી જ નાંખવો જોઇએ

ગલવાન ખીણમાં 15 જૂને 20 સૈનિકોના મોત પછી ચાઇનીઝ પ્રોડક્ટના બહિષ્કારની માગ ઉગ્ર બની છે. ત્યારે કિંગ્સ ઇલેવન પંજાબના સહ માલિક નેસ વાડિયાએ આ મહિનાની શરૂઆતમાં પૂર્વ લદાખમાં ભારત અને ચીન વચ્ચેની વધેલી તંગદીલીને કારણે મંગળવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)મા ચીની કંપનીઓની સ્પોન્સરશિપને ધીરે ધીરે ખતમ કરી નાંખવાની માગ કરી છે. માત્ર સામાન્ય લોકો જ નહીં પણ આઇપીએલ ફ્રેન્ચાઇઝીના સહમાલિક પણ જ્યારે આવો મત રજૂ કરે ત્યારે બીસીસીઆઇ માટે આ મામલે ઝડપથી નિર્ણય લેવો  જરૂરી બની જાય છે.

દેશ પહેલા છે અને પૈસા તેના પછી, આ ઇન્ડિયન પ્રીમિયર લીગ છે ચાઇનીઝ પ્રીમિયર લીગ નથી

આ ઘટના પછી બીસીસીઆઇએ ચીનની કંપનીઓની સ્પોન્સરશિપની સમીક્ષા માટે આઇપીએલ ગવર્નીંગ બોડીની બેઠક બોલાવવી પડી હતી, જો કે એ બેઠક હજુ સુધી થઇ નથી. સોમવારે ભારત સરકારે ચીનની 59 એપ્સને પ્રતિબંધીત કરી દીધી હતી. વાડિયાએ મંગળવારે પીટીઆઇને કહ્યું હતું કે આપણે દેશ ખાતર ચાઇનીઝ સ્પોન્સર સાથે સંબંધ તોડી નાંખવો જોઇએ. દેશ પહેલા છે અને પૈસા તેના પછી આવે છે, અને આ ઇન્ડિયન પ્રીમિયર લીગ છે ચાઇનીઝ પ્રીમિયર લીગ નથી. આઇપીએલએ દાખલો બેસાડવો જોઇએ અને માર્ગ બતાવવો જોઇએ.

નેસ વાડિયાના મતે આ સીઝન નહીં તો 2021 સુધીમાં આ સંબંધ તોડવો જરૂરી

વાડિયાએ કહ્યું હતુ્ કે હાલની સીઝન નહીં તો 2021ની સીઝનમાં આ કરાર રદ કરી દેવો જોઇએ.  વાડિયાએ ઉમેર્યું હતું કે હા શરૂઆતમાં સ્પોન્સર્સ શોધવા મુશ્કેલ બનશે, પણ મને લાગે છે કે પુરતા ભારતીય સ્પોન્સર હાજર છે, જે તેનું સ્થાન લઇ શકશે. આપણે દેશ અને સરકારનું સન્માન કરવું જોઇએ અને સૌથી મહત્વપૂર્ણ જેઓ આપણા માટે જીવ જોખમમાં મુકે છે તે સૈનિકોનું સન્માન જાળવવું જોઇએ.  વાડિયાની આ વાતને પગલે બીસીસીઆઇ ફિક્સમાં મુકાઇ ગયું છે અને હવે તેણે આ મામલે ઝડપથી નિર્ણય લેવો પડે તેવી સ્થિતિ તેના માટે સર્જાઇ છે.

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ પર લાગી બ્રેક, દેશ વ્યાપી વિરોધ પછી મંગળવારે ભાવ સ્થિર

લગભગ ત્રણ અઠવાડિયા વધ્યા પછી મંગળવારે ડીઝલની કિંમતો સ્થિર રહી હતી. પેટ્રોલની કિંમતમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની સાથે દેશવ્યાપી આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં ઓઇલ કંપનીઓ પર ભાવ સ્થિર રાખવા માટે દબાણ છે.

ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ અનુક્રમે 80.43 રૂપિયા, 82.10, 87.19 અને 83.63 રૂપિયાછે. ચાર મહાનગરોમાં ડીઝલના ભાવ પણ ક્રમશ 80.53  રૂપિયા, 75.64, 78.83 અને  77.72 રૂપિયા છે. સોમવારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં લીટર દીઠ ચારથી પાંચ પૈસાનો વધારો કર્યો હતો, જ્યારે ડીઝલની કિંમતમાં લિટર દીઠ 11-13 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

દેશની રાજધાની દિલ્હીમાં ડીઝલની કિંમતમાં અત્યાર સુધીમાં પ્રતિ લિટર રૂ. 11.14 નો વધારો થયો છે, જ્યારે પેટ્રોલના ભાવમાં 9.17 રૂપિયાનો વધારો થયો છે. નેશનલ કેપિટલ રિજનમાં ડીઝલ પેટ્રોલ કરતા મોંઘું છે. નોંધનીય છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો રાજ્યોમાં બદલાય છે કારણ કે ઇંધણ પર સેલ્સ ટેક્સ અથવા વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)નો દર દરેક રાજ્યમાં અલગ હોય છે.

આ મહિને 7 જૂનથી તેલની કિંમતમાં વધારો શરૂ થયો, ત્યારબાદ ડીઝલની કિંમતમાં 23 દિવસમાં 22 ગણો વધારો થયો છે જ્યારે પેટ્રોલની કિંમતમાં 21 ગણો વધારો થયો છે. આ વધારો એવા સમયે થયો છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોમવારે, આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેંજ, એટલે કે આઈસીઇ, પરના બેંચમાર્ક ક્રૂડ તેલ માટે સપ્ટેમ્બર વાયદાના કરાર અગાઉના સત્રના 1.34 ટકાના ઘટાડા સાથે, બેરલ દિઠ 40.38 પર બંધ થયો હતો.

મહંમદ હાફિઝે જાતે કોરોના ટેસ્ટ કરાવતા નારાજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું આવું

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ એક દિવસ પહેલા જાહેરાત કરી હતી કે માજી કેપ્ટન મહંમદ હાફિઝને કોવિડ-19 પોઝિટિવ આવ્યો હતો પણ એક દિવસ પછી જ હવે તેનો રિપોર્ટ નેગેટિવ આવતા તેની ઇંગ્લેન્ડ પ્રવાસે જવાની સંભાવના છે. જો કે હાફિઝને ટેસ્ટ નેગેટિવ આવતા લોકોએ પીસીબી પર પસ્તાળ પાડી હતી અને તેના કારણે પીસીબીએ નારાજ થઇને હાફિઝને સલાહ આપવા માંડી હતી. જો એમ કરાયું હોત તો પીસીબીએ સમસ્યાનો સામનો કરવાનો ન આવ્યો હોત.

એ ઉલ્લેખનીય છે કે પીસીબીએ ટેસ્ટ કરાવ્યા પછી મહંમદ હાફિઝે પોતાના સંતોષ ખાતર પોતાનો અને પરિવારનો બીજો ટેસ્ટ કરાવ્યો હતો અને તે નેગેટિવ આવ્યો હતો. તેનો એ ટેસ્ટ નેગેટિવ આવતા ક્રિકેટ ચાહકોએ પીસીબીને આડે હાથ લેતા પીસીબી નારાજ થયું હતું. પીસીબીના સીઇઓ વસીમ ખાને એવું કહ્યું હતું કે હાફિઝે બીજો ટેસ્ટ જાતે કરાવતા પહેલા પીસીબીને આ મામલે માહિતગાર કરવાની જરૂર હતી. તેમણે કહ્યું હતું કે તેને એ ટેસ્ટ જાતે કરાવવવાનો અધિકાર છે પણ તેણે બોર્ડને વિશ્વાસમાં લેવાની જરૂર હતી.

હાફિઝનો ટેસ્ટ નેગેટિવ આવતાની સાથે જ લોકોએ પીસીબી દ્વારા ખોટી રીતે ટેસ્ટિંગ કરાયાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તો કેટલાકે આગળ વધીને પીસીબી પર જ આરોપ મુક્યો હતો કે બોર્ડ દ્વારા તેને પ્લેઇંગ ઇલેવનમાં ન સમાવવો પડે તેના માટે કાવતરું ઘડવામાં આવ્ચું હતું.  પીસીબીએ ઇંગ્લેન્ડ પ્રવાસે જતા પહેલા ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરાવ્યા પછી જે 10 ખેલાડીઓ પોઝિટિવ મળ્યા હતા તેમાં હાફિઝ અને વહાબ રિયાઝનો સમાવેશ થતો હતો.

એ ઉલ્લેખનીય છે કે હાફિઝે બુધવારે ટ્વિટર પર સ્પષ્ટતા કરી હતી કે તેનો અને તેના પરિવારના સભ્ચોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તેણે પોતાની વાતના પુરાવા તરીકે મેડિકલ રિપોર્ટ પણ પોસ્ટ કર્યો હતો. તેણે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે પીસીબી દ્વારા કરાવાયેલા કોવિડ-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી સેકન્ડ ઓપિનિયન તરીકે અને પોતાના સંતોષ માટે હું મારો અને પરિવારના સભ્યોનો ટેસ્ટ કરાવવા માટે ગયો, જ્યાં અમારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અલ્લાહ અમને બધાને સુરક્ષિત રાખે.

પીસીબીના મુખ્ય કાર્યકારી અધિકારી વસીમ ખાનના જણાવ્યા અનુસાર જે અન્ય 8 ખેલાડીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે તેમા ફખર ઝમાં, ઇમરાન ખાન, કાસિફ ભાટી, મહંમદ હસનૈન, મહંમદ રિઝવાન, શાદાબ ખાન, હૈદર અલી અને હારિસ રઉફનો સમાવેશ થાય છે. પીસીબીએ આ પહેલા કહ્યું હતું કે જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમનામાં ટેસ્ટ પહેલા કોઇ લક્ષણ જોવા મળ્યા નહોતા. બોર્ડ દ્વારા એક નિવેદનમાં કહેવાયું હતું કે બોર્ડની મેડિકલ પેનલ આ ખેલાડીઓ અને તેમના મસાજરના સંપર્કમાં છે, જેમને પોતપોતાના ઘરમાં આઇસોલેશનમાં રહેવા કહેવાયું છે.

સુનિલ ગાવસ્કરે વિવિયન રિચાર્ડસ સાથે કરી વિરાટ કોહલીની તુલના

ભારતીય ટીમના માજી કેપ્ટન અને મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે હાલના ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની તુલના વિવિયન રિચાર્ડસ સાથે કરીને કહ્યું છે કે એ કારણે જ વિરાટને નંબર વન બેટ્સમેન ગણવામાં આવે છે, કારણકે તે અદ્દલ રિચાર્ડસની સ્ટાઇલમાં જ બેટિંગ કરે છે.

25 જૂને ભારતના ઐતિહાસિક 1983ના વર્લ્ડકપ વિજયની વર્ષગાંઠ છે અને 37 વર્ષ પહેલા 25 જૂને ભારતીય ટીમે મજબૂત વેસ્ટઇન્ડિઝની ટીમને હરાવીને લોર્ડસ પર ઈતિહાસ રચ્યો હતો, તેની સાથે જ જોડાયેલા એક કાર્યક્રમમાં સત્તાવાર સ્પોન્સર સાથેની વાતચીતમાં ગાવસ્કરે કહ્યું હતું કે વિવિયન રિચાર્ડસ જ્યારે ક્રિઝ પર હોય ત્યારે તેને એટકાવવો સરળ નહોતો. તેના જેવી જ બેટિંગ આજકાલ કોહલી કરે છે.

કોહલીની બેટીંગનું આકલન કરતાં ગાવસ્કરે કહ્યું હતું કે જો તમે વિરાટને બેટિંગ કરતાં જુઓ તો તે એક જ બોલને ટોપ હેન્ડનો ઉપયોગ કરીને એકસ્ટ્રા કવર પર બાઉન્ડરી ફટકારી શકે છે અને એ જ પ્રકારના બોલને બોટમ હેન્ડ વડે મિડ ઓન અથવા મિડ વિકેટ પર ચોગ્ગામાં ફેરવી શકે છે, એ જ કારણ છે કે તેને નંબર વન બેટ્સમેન ગણવો પડે. કારણકે તે પણ રિચાર્ડસની જેમ બેટિંગ કરે છે. ગાવસ્કરે સાથે જ કહ્યું હતું કે આ પહેલા ગુંડપ્પા વિશ્વનાથ, વીવીએસ લક્ષ્મણ પણ આ પ્રકારની જ બેટિંગ કરતાં હતા.

નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ કોરોના પોઝિટિવ

વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે મંગળવારે જાહેર કર્યું હતું કે તે કોવિડ-19 પોઝિટિવ થયો છે. જોકોવિચનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવતાની સાથે બલ્ગેરિયાના ગ્રિગોર દિમિત્રોવ, ક્રોએશિયાના બોર્ના કોરિક એ વિક્ટર ટ્રોઇકીની યાદીમાં સમાવેશ થયો છે. આ તમામ ટેનિસ ખેલાડી કોરોના પોઝિટિવ છે. વિકટર ટ્રાઇકીની પત્નીનો પણ કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

આ તમામ જોકોવિચ દ્વારા આયોજિત એડ્રિયા ટૂર પ્રદર્શન ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહ્યા હતા. જોકોવિચના સ્ટાફ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર નોવાક જોકોવિચનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેનામાં કોઇ લક્ષણ જણાતા નહોતા. આ પહેલા ટ્રોઇકીએ કહ્યું હતું કે મારી પત્નીનો શુક્રવારે અને મારો રવિવારે ટેસ્ટ કરાયો હતો. અમારા બંનેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે મારી પુત્રીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ ટૂર્નામેન્ટમાં જોકોવિચ, એલેક્ઝાન્ડર ઝ્વેરેવ અને ડોમિનિક થિએમે પણ ભાગ લીધો હતો.

આ પહેલા બોર્ના કોરિકે સોશિયલ મીડિયા પર પોતાને કોરોના થયો હોવાની માહિતી આપી હતી, તેણે કહ્યું હતું કે હું તમને બધાને જણાવવા માગુ છું કે મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું એ સુનિશ્ચિત કરવા માગુ છું કે છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં જેઓ આવ્યા છે તેઓ પોતાની તપાસ કરાવી લે. તેણે કહ્યું હતું કે મારા કારણે કોઇને નુકસાન થયું હોય તો હું તેના માટે ખેદ અનુભવું છુ.

ફરી એકવાર શંશાક મનોહરની બીસીસીઆઇ સામે વિલનગીરી

ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે યોજાનારા ટી-20 વર્લ્ડકપના ભાવિ બાબતે વારંવાર નિર્ણય ટાળવા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)થી નારાજ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ વિદાય લઇ રહેલા ચેરમેન શશાંક મનોહર પર જાણી જોઇને અવરોધ ઊભા કરવાનો આરોપ મુક્યો છે. એ ઉલ્લેખનીય છે કે શશાંક મનોહર છેલ્લા ઘણાં સમયથી બીસીસીઆઇને સંબંધિત નિર્ણયો મામલે આઇસીસીમા પોતાના હોદ્દાનો ઉપયોગ કરીને બીસીસીઆઇ માટે મુશ્કેલ સ્થિતિ સર્જતા આવ્યા છે.

આઇપીએલને કારણે  ટી-20 વર્લ્ડકપ પર નિર્ણય ટાળવા પાછળ શશાંક મનોહરનું દિમાગ

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચેરમેન અર્લ એડિંગ્સે એકવાર ફરી 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન યોજાનારી ટી-20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટની યજમાની મામલે પોતાના બોર્ડની અક્ષમતા જાહેર કરી જ દીધી છે, ત્યારે આ સ્થિતિમાં બીસીસીઆઇનું માનવું છે કે આઇસીસી દ્વારા આ મામલે નિર્ણય લેવામાં વિલંબ કરવાની રણનીતિ આઇપીએલની તૈયારીઓ પર અસર નાંખી રહી છે.

શશાંક મનોહર પર જાણી જોઇને અવરોધ ઊભા કરવાનો બીસીસીઆઇનો આરોપ

બીસીસીઆઇના વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે વિદાય લઇ રહેલા ચેરમેન મનોહર ભ્રમની સ્થિતિ જન્માવી રહ્યા છે. જો યજમાન ક્રિકેટ બોર્ડ ટી-20 વર્લ્ડકપનું આયોજન કરવા નથી માગતું તો તેમને એક નિર્ણયની જાહેરાત કરવા માટે એક મહિનાનો સમય કેમ જોઇએ છે? આ મહિનાની શરૂઆતમાં બોર્ડની બેઠક પછી આઇસીસીએ એક મહિનો વધુ રાહ જોવાનો નિર્ણય કર્યો છે અને કહ્યું હતું કે કોવિડ-19 રોગચાળા વચ્ચે ટૂ્ર્નામેન્ટનું આયોજન કરવા બાબતે કોઇ પણ નિર્ણય લેતા પહેલા કોઇ કટોકટીની યોજના પર વિચારણા કરવા માગે છે.

જો ટી-20 વર્લ્ડકપ પર ઝડપી નિર્ણય થાય તો દ્વિપક્ષિય સીરિઝની યોજના બનાવવામાં મદદ મળી શકે

અધિકારીઓનું માનવું છે કે ટૂર્નામેન્ટ સ્થગિત કરવા બાબતે જો ઝડપથી નિર્ણય થાય છે તો તેનાથી સભ્ય દેશોએ પોતાની દ્વિપક્ષિય સીરિઝની યોજના બનાવવામાં મદદ મળશે. નારાજ અધિકારીએ એવું કહ્યું હતું કે આ બીસીસીઆઇ કે આઇપીએલનો કેસ નથી. જો આઇસીસી આ મહિને ટૂર્નામેન્ટ સ્થગિત કરવાની જાહેરાત કરશે તો જે સભ્ય દેશોના ખેલાડીઓ આઇપીએલ નથી રમતા તેઓ આ દરમિયાન પોતાની દ્વિપક્ષિય સીરિઝ બાબતે યોજના બનાવી શકે છે.

સાત વર્ષ પછી વિવાદાસ્પદ આ બોલર ફરી ક્રિકેટનાં મેદાને દેખાશે, સ્પોટ ફ્કિસિંગના લાગ્યા હતા આરોપ

સાત વર્ષના પ્રતિબંધ બાદ કેરળ ક્રિકેટ એસોસિએશન (કેસીએ) એ વિવાદિત પેસ બોલર એસ શ્રીસંતને રણજી ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. 37 વર્ષીય શ્રીસંતનાં બેનનો સપ્ટેમ્બરમાં અંત આવ્યા પછી રણજી ટીમમાં જોડાઈ શકે છે. બીસીસીઆઈએ ઓગસ્ટ 2013માં શ્રીસંત પર પ્રતિબંધ મૂક્યો હતો. તેના સિવાય આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગ કરનારા રાજસ્થાન રોયલ્સના અજિત ચંડિલા અને અંકિત ચવ્હાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈની શિસ્ત સમિતિના નિર્ણયને આ વર્ષે 15 માર્ચે બદલ્યો હતો.

શ્રીસંતે કહ્યું કે, મને તક આપવા બદલ  ખરેખર કેસીએનો ઋણી છું. હું મારી ફીટનેસ અને સ્પોર્ટ્સથી પોતાને સાબિત કરીશ. હવે બધા વિવાદોને રોકવાનો સમય આવી ગયો છે. ”તાજેતરમાં, કેસીએએ પૂર્વ ઝડપી બોલર ટીનુ યોહાનનને ટીમના કોચ તરીકે નિયુક્ત કર્યા છે. કેસીએના સેક્રેટરી શ્રીથ નાયરે કહ્યું કે તેનું પરત થવું રાજ્યની ટીમ માટે એક અસેટ સાબિત થશે.

શ્રીસંત કેરળનો બીજો ખેલાડી છે જેણે ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. ભારત તરફથી 27 ટેસ્ટમાં તેણે 87 વિકેટ ઝડપી છે. જ્યારે તેણે 53 વનડેમાં 75 વિકેટ ઝડપી છે અને દસ ટી- 20 મેચોમાં સાત વિકેટ લીધી છે. શ્રીસંત 2007માં ટી-20 અને 2011માં વનડે વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમમાં સામેલ હતો.

તમને જણાવી દઈએ કે શ્રીસંતે આજીવન પ્રતિબંધ ઘટાડીને સાત વર્ષ કર્યા બાદ ફરીથી કેરળ માટે રણજી ટ્રોફીમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ સાથે આશા છે કે એક દિવસ તેને ફરીથી ભારતીય ટીમ સાથે રમવાનો મોકો મળશે.

શ્રીસંતે કહ્યું હતું કે “હું મારા બધા શુભેચ્છકોનો આભાર માનું છું જેમણે મારા માટે પ્રાર્થના કરી.” તેમની પ્રાર્થના સ્વીકારવામાં આવી છે. હાલમાં મારી પાસે ટેસ્ટમાં  87 વિકેટ છે અને મારી કારકિર્દીને 100 ટેસ્ટ વિકેટ સાથે ખતમ કરવા ધારું છે. 100 વિકેટ પૂર્ણ કરવા માટે મારે ફક્ત 13 વિકેટની જરૂર છે. મને વિશ્વાસ છે કે હું ભારતની ટેસ્ટ ટીમમાં વાપસી કરી શકું. હું હંમેશાં વિરાટ કોહલીની કપ્તાની હેઠળ રમવા માંગતો હતો. ”

ચાઈનીઝ બ્રાન્ડની એડ બંધ કરવા આમીર, વિરાટ, દીપિકા, સલમાન સહિતની સેલિબ્રિટીઝને અલ્ટીમેટમ

કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ બોલિવૂડ સ્ટાર્સ અને રમત ગમતના ખેલાડીઓને રાષ્ટ્રીય હિતમાં ચીની ચીજોની જાહેરાત કરવાનું બંધ કરવાની અપીલ કરી છે. પૂર્વી લદ્દાખમાં એક્યુઅલ કંટ્રોલ લાઇન (LAC) પર ભારતીય સૈનિકો પર થયેલા બર્બર હુમલોના વિરોધમાં CAIT એ ચાઇનીઝ ઉત્પાદનોના બહિષ્કારની અપીલ કરી છે.

ગુરુવારે CAIT એ નિવેદન જાહેર કર્યું. તેણે કહે છે, “અમે રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને ચાઇનીઝ માલના બહિષ્કારમાં CAIT ને ટેકો આપવા માટે બોલિવૂડ અને રમતગમતના ક્ષેત્રને અપીલ કરીએ છીએ.” અમે અપીલ કરીએ છીએ કે જે સેલિબ્રિટીઝ ચાઇનીઝ માલની જાહેરાત કરે છે તે તરત જ તેને બંધ કરે. ”

CAIT એ કહ્યું છે કે ચીની સેનાએ લદ્દાખમાં ભારતીય સૈનિકો પર નિર્દયતાથી હુમલો કર્યો છે. આમાં, અમારા 20 જવાનો શહીદ થયા છે. આને કારણે દરેક ભારતમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.

CAITએ કહ્યું કે  દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું અને દરેક જણ ચીનને સૈન્ય સાથે સાથે આર્થિક રીતે પણ જવાબ આપવા માંગે છે. વેપારીઓના આ સૌથી મોટા સંગઠને કહ્યું કે તેની સાથે સંકળાયેલા સાત કરોડ વેપારીઓએ ‘ભારતીય સન્માન-અમારું ગૌરવ’ આંદોલન અંતર્ગત ચીની ચીજોનો બહિષ્કાર કર્યો છે. CAIT દ્વારા ડિસેમ્બર 2021 સુધીમાં ચીનમાંથી આયાત એક લાખ કરોડ ઘટાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

પબ્લીક ડોમેનની માહિતી મુજબ આમિર ખાન, સારા અલી ખાન, વિરાટ કોહલી, દીપિકા પાદુકોણ, કેટરીના કૈફ, બાદશાહ, સિદ્ધાર્થ મલ્હોત્રા, રણબીર કપૂર, રણવીર સિંહ, સલમાન ખાન, આયુષ્માન ખુરાના, શ્રદ્ધાપુરને અપીલ કરીએ છીએ કે તેઓ ચીની ઉત્પાદનોની જાહેરાત કરવાનું બંધ કરે. નોંધપાત્ર વાત એ છે કે આ સ્ટાર્સ ચાઇનીઝ મોબાઇલ ફોન્સ જેમ કે ઓપ્પો, ઝિઓમી અને શાઓમી રિયલમી મોબાઇલ કંપનીઓ અને અન્ય ઉત્પાદનોની જાહેરાત કરે છે.