અમેરિકાનું એક એવું કપલ જેણે 33 દેશોની યાત્રા કરીને માણ્યુ એક વર્ષ લાંબું હનીમૂન

લગ્ન કરીને પછી હનીમૂન ટ્રિપ પર જવાનું એ વાત ખૂબ સામાન્ય છે. પરંતુ જે યુગલને મુસાફરી કરવાનું પસંદ હોય છે, તો તેમના માટે હનીમૂન ટ્રિપ ખૂબ જ ખાસ હોય છે. એક એવું યુગલ પણ છે જેમણે લગ્ન પછી એક વર્ષ તેમના હનીમૂનની ઉજવણી કરી અને આ સમય દરમિયાન તેઓ વિશ્વના 33 દેશોની મુલાકાતે ગયા.

આ દંપતિનું નામ ‘નિક અને જો ઓસ્ટ’ છે, જે એક મુસાફરી માટે ઘણા ઉત્સાહી છે. આ દંપતીએ 31 ડિસેમ્બર 2017 ના રોજ ન્યુ જર્સીમાં લગ્ન કર્યા. આ પછી, બંનેએ કપડાં પૅક કર્યાં અને લગભગ એક વર્ષ સુધી હનીમૂન ટ્રિપ પર ગયા!

આ દંપતીએ લગ્ન પહેલા બે વર્ષ સુધી બચત કરી અને લગ્ન કર્યા પછી નોકરી છોડી દીધી અને એક વર્ષ લાંબા હનીમૂન ટ્રિપ પર ગયું હતું. દુનિયા તેમને ક્રેઝી કહી શકે છે, પરંતુ તે સાચું છે. બંનેએ લગ્ન પછી એક બીજા સાથે મુસાફરી કરવાનું વચન આપ્યું હતું, ત્યારબાદ લગ્ન કરવા માટે સંમત થયા હતા. સૌથી અગત્યની વાત એ છે કે તેઓએ એકબીજા સાથે કરેલા વચનને ખૂબ જ સમર્પણભાવ રાખ્યો અને આખી દુનિયાના 33 દેશોની મુસાફરી એકસાથે કરી.

વિશ્વનો સૌથી નાનો સોનાનો સિક્કો, વજન છે માત્ર ચોખાના બે દાણા જેટલું

સ્વીટ્ઝરલેન્ડની ટંકશાળમાં વિશ્નો સૌથી નાનો સોનાનો સિક્કો બનાવવામાં આવ્યો હતો, તેને જોવા મેગ્નિફાયિંગ ગ્લાસની જરૂર પડે છે. સિક્કાની બંને બાજુ અલ્બર્ટ આઈન્સટાઈનની જીભ બહાર નીકાળેલી તસવીર અંકિત છે. સરકારી સ્વિસમિન્ટે કહ્યું હતું કે 0.12 ઈન્ચ આકારનો સોનાનો સિક્કો વિશ્વમાં સૌથી નાનો છે. બે કાગળને ભેગા કરવા પર આવતી જાડાઈ જેટલી તેની જાડાઈ છે. સિક્કાનું વજન એક આઉંસનો 1-500મો ભાગ (0.063 ગ્રામ) છે. સિક્કાનું મૂલ્ય અંદાજે 20 પૈસા છે તેનું વજન ચોખાના બે દાણા જેટલું જ છે.

સ્વિટઝરલેન્ડની નેશનલ ટંકશાળે આ સિક્કાને તૈયાર કર્યા છે. આ સિક્કાનું મુલ્ય એક ચતુર્થ ફ્રાન્ક રાખવામાં આવ્યું છે. તેને ઓનલાઇન ઓર્ડર કરી શકાશે. જો કે સ્વિસમિન્ટનું કહેવું છે કે આવા માત્ર 999 સિક્કા જ બનાવાયા છે. એક સિક્કો ખરીદવા માટે માટે તમારે 199 ફ્રાન્ક ખર્ચવા પડશે. તેની સાથે તમને એક ખાસ મેગ્નીફાઇંગ ગ્લાસ પણ આપવામાં આવશે, કે જેથી મહાન વૈજ્ઞાનિક અલ્બર્ટ આઇન્સ્ટાઇનની આકૃતિને યોગ્ય રીતે જોઇ શકાશે.

એક સમયે ઘોડાને ઉંચકી લેનારી વ્યક્તિએ આ વખતે ગાયને ખભા પર ઉંચકી લીધી, આવું કરવા પાછળનું રહસ્ય શું છે?

રશિયાના એક વેઈટલિફ્ટરનો વિશ્વના સૌથી શક્તિશાળી શખ્સ હોવાનો દાવો છે, તેણે 350 કિલો વજનની ગાયને પોતાની પીઠ પર એક મિનિટથી વધુ સમય સુધી ઉઠાવી પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું.

40 વર્ષીય દમિત્રિ ખાલેદ્ઝીએ ડોનેત્સક સર્કસમાં પ્રદર્શન કરે છે તેણે કથિત રીતે 63 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે જેમાં ડ્મીટીએ આશરે 150 કિલો વજનનો પથ્થર ઊંચકી રાખ્યો છે. વીડિયોમાં દેખાય છે કે યુક્રેનના શક્તિશાળી વ્યક્તિએ પોતાના ખભા પર એક ગાય ઊંચકી રાખી છે.

દિમિત્ર કંઇ પહેલી વખત આ રીતે સ્ટન્ટ માટે પ્રાણી નથી ઉંચક્યુ. તેણે આ પહેલા પોતાના ખભા પર ઘોડો ઉંચક્યો હતો. તેના વર્લ્ડ રેકોર્ડમાં 151 કિલોગ્રામનો પથ્થર માત્ર એક હાથે ઉંચક્યો હતો.

ઇન્ડોનેશિયામાં નીડલ ફીશે પાણીમાંથી ઉછળીને છોકરાની ગરદનમાં પોતાની ધારદાર ચાંચ ઘૂસાડી

ઇન્ડોનેશિયાના નીડલફીશ જાતિની એક માછલીએ પાણીમાંથી ઉછળીને એક છોકરાને ગરદનમાં પોતાની ધારદાર ચાંચ ઘૂસાડી દીધી હતી. ગંભીર ઇજા પામેલા છોકરાને સર્જરી કરીને બચાવી શકાયો હતો.

મળતી માહિતી મુજબ ઇન્ડોનેશિયાના સુલાવેસી પ્રાંતના દરિયા કાંઠે 16 વર્ષનો વિદ્યાર્થી મોહમ્મદ ઇદુલ પોતાના મા-બાપ સાથે માછલીઓ પકડી રહ્યો હતો તે સમયે આ વિસ્તારમાં થતી નીડલ ફીશ નામની ચાંચ જેવા તીણા મોંવાળી માછલીએ અચાનક પાણીમાંથી ઉછળીને આ છોકરાની ગરદનમાં પોતાની ધારદાર ચાંચ ઘૂસાડી દીધી હતી.

તેણે એટલી જોરથી પોતાની ચાંચ આ છોકરાને ઘૂસાડી દીધી હતી કે તેની અણિયાળી ચાંચ આ છોકરાની ગરદનની આરપાર નીકળી ગઇ હતી. તસવીરમાં જોઇ શકાય છે કે આ છોકરાની ડોકની આરપાર નીડલ ફીશની અણિયાળી ચાંચ નીકળી છે. આ છોકરાને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જયાં શસ્ત્રક્રિયા કરીને આ માછલીને દૂર કરવામાં આવી હતી. જોખમી ઓપરેશન સફળ રહ્યું હતું અને છોકરો બચી ગયો છે.

પેરિસમાં પ્રદર્શિત કરાયો વિશ્વનો બીજો સૌથી મોટો રફ હીરો

ફ્રેન્ચ ફેશન બ્રાન્ડ કંપની લુઇ વિટન દ્વારા અહીં પોતાના એક શો-રૂમમાં અસાધારણ મોટા કદનો રફ હીરો પ્રદર્શનમાં મૂક્યો હતો, જે હીરો વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો રફ હીરો માનવામાં આવે છે. સેવેલો નામનો આ હીરો દુનિયામાં અત્યાર સુધી શોધાયેલા હીરાઓમાં બીજા ક્રમનો મોટો હીરો માનવામાં આવે છે.

તેને જોવા માટે લુઇ વિટન દ્વારા ફક્ત થોડાક પસંદગીના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ રફ હીરો ૧૭પ૮ કૅરેટનો છે અને કદમાં તે ટેનિસ બોલ જેવડો છે અને તેનું વજન પ૩૦ ગ્રામ છે. આ હીરો બોત્સવાનામાં કેનેડા દ્વારા સંચાલિત એક ખાણમાંથી ગયા વર્ષે મળી આવ્યો હતો. લુઇ વિટને જાહેર કર્યું છે કે તેણે આ હીરો ખરીદી લીધો છે. જો કે તે માટે તેણે કેટલી કિંમત ચૂકવી તે જણાવ્યું નથી.

આ હીરા કરતા અત્યારે વિશ્વમાં ફક્ત એક જ હીરો મોટો છે, કુલીનન નામનો તે હીરો ૩૧૦૦ કૅરેટનો છે અને ૧૯૦પના વર્ષમાં તે દક્ષિણ આફ્રિકાની એક ખાણમાંથી મળી આવ્યો હતો. સેત્સવાનાની સ્થાનિક ભાષામં સેવેલોનો અર્થ દુર્લભ એ પ્રકારનો થાય છે. આ કાચા હીરા સેવેલોને હવે કાપીને તેમાંથી નાના હીરાઓ બનાવીને તે લુઇ વિટન દ્વારા ફાઇન જ્વેલરીના કલેકશનમાં મૂકવામાં આવશે.

ચીન જાઓ તો જાહેરસ્થળોએ આ ન પહેરતા નહીં તો અસભ્ય ગણા્શો

ચીની અધિકારીઓ દ્વારા પાયજામા પહેરેલા નાગરિકોને ‘અસભ્ય’ કહેવાના મામલે વિવાદ ચગી ગયો છે. ચીને આ મામલે ઓનલાઇન ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. ચીનના એક શહેરમાં અધિકારીઓએ જાહેર સ્થળોએ પાયજામો પહેરવાને અસભ્ય અને શરમજનક ગણાવ્યું હતું. જનતાએ આનો સખત વિરોધ કર્યા બાદ અધિકારીઓએ માફી માગવી પડી હતી. સુઝોઉ શહેરના અધિકારીઓએ તાજેતરમાં નાઇટવેરમાં સાત લોકોની તસવીર જારી કરી હતી અને એક પબ્લિક કેમ્પેન હેઠળ તેને અસભ્ય વ્યવહાર જાહેર કરી દીધો હતો.

સોમવારે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, આ તસવીરો છપાયા બાદ લોકોએ આરોપ લગાવ્યો હતો કે સરકાર ડ્રેસ કોડ થોપીને તેમની પ્રાઇવેસીમાં હસ્તક્ષેપ કરી રહી છે. ઓનલાઇન ‘શેમિંગ’માં પાયજામા વાળી તસવીર પણ સામેલ હતી જેને સર્વેલન્સ કેમેરાએ ઝડપી હતી. આના ઉપરાંત તે વ્યક્તિનું નામ, ઓળખ પત્ર, અને બીજી જાણકારીઓ સામેલ હતી.

હાલમાં જ ચીનના સર્વેલન્સ ટેકનોલોજીમાં વધારો જોવા મળી રહ્યો છે. ચીનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખાસ કરીને ફેશિયલ રિકગ્નિશન ટેકનોલોજીમાં અબજો ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે. સુરક્ષાની રીતે આ ટેકનોલોજી જાહેર સ્થળોએ લાગુ કરવામાં આવી છે.

રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે બે વર્ષ પહેલા દેશમાં 170 મિલિયન સીસીટીવી કેમેરા હતા જ્યારે 2020 ના અંત સુધીમાં, વધુ 400 મિલિયન કેમેરા ચીનમાં સ્થાપિત થવાની ધારણા છે. આમાંના ઘણા કેમેરા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ છે, જે બતાવે છે કે કેમેરામાં કેદ વ્યક્તિની ઓળખ બહાર આવી છે.

2 અબજ વર્ષ પહેલાના ઉલ્કાપાતથી સર્જાયેલી પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની 43 માઇલ પહોળી યારાબુબ્બા ખીણ

ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ ભાગમાં આવેલ યારાબુબ્બા નામની ખીણ બે અબજ વર્ષ કરતા વધુ સમય પહેલા થયેલા એક ઉલ્કાપાતથી સર્જાઇ હોવાનું ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે. વિશ્વમાં અવકાશી પદાર્થ પડવાથી સર્જાયેલ આ સૌપ્રથમ ખીણ છે હોવાનું કહેવાયું છે.

પૃથ્વી પર કોઇ અવકાશી પદાર્થ પડવાની સૌપ્રથમ અસર તરીકે આ ખીણને ગણવામાં આવે છે. પર્થની કર્ટિન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની એક ટુકડીએ ૪૩ માઇલ પહોળી આ ખીણની વય નક્કી કરવા માટે તેની અંદરના ખનીજોનું આઇસોટોપિક એનૅલિસિસ હાથ ધર્યું હતું.

આ વિશ્લેષણ પરથી જાણવા મળ્યું હતું કે ૨.૨૨૯ અબજ વર્ષ પહેલા ત્રાટકેલી ઉલ્કાની અસરથી આ ખીણ સર્જાઇ હતી. આ યારાબુબ્બા ખીણ આમ તો અત્યાર સુધી ઉલ્કાપાતની અસરથી સર્જાયેલ સૌથી જૂની ખીણ તરીકે જાણીતી જ હતી પણ તેની ચોકકસ વય અત્યાર સુધી નક્કી થઇ શકી ન હતી.

આખ્ખે આખ્ખી કાર બનાવી બરફમાંથી, હવે બરફમાંથી તાજમહેલ બનાવવાની ઈચ્છા રાખતો યુવાન છે કોણ?

જમ્મુ કાશ્મીરના શ્રીનગરના એક યુવકે પોતે સંપૂર્ણ બરફમાંથી બનાવેલી સ્નો કાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. પર્યટકોએ તે સ્નો કારને સોશિયલ મીડિયા પર શેર કરીને પ્રશંસા કરી છે. સ્નો કારને ઝુબૈર અહમદ  નામક યુવાને બનાવી છે.

શહેરના લોકો અને પર્યટકો આને દૂર દૂરથી જોવા માટે આવી રહ્યા છે અને તેની સાથે ફોટો લઇ રહ્યા છે. લોકો દ્નારા કરવામાં આવી રહેલી પ્રશંસા બાબતે ઝુબૈરે કહ્યું કે, તેનું સપનું બરફની કેટલીક આકૃતિઓ બનાવવાનું છે જેને દુનિયાના લોકો જોવા આવે.

ઝુબૈર કહે છે કે, તેને બાળપણથી ફાઇન આર્ટ્સ પસંદ છે. તે બરફથી અલગ અલગ વસ્તુઓ બનાવે છે અને સાધનો હોય તો બરફનો તાજમહલ પણ બનાવી શકે છે. આ કારને બનાવવામાં તેની મદદ તેના મિત્રોએ પણ કરી હતી. તેમનું કહેવું છે કે જો સરકાર પ્રોત્સાહિત કરે તો અહીં પણ ચીન અને જાપાનની જેમ સ્નો ફેસ્ટિવલનું આયોજન કરી શકાશે.

વિશ્વ વિક્રમી મહાકાય ચોકલેટ કૅન્ડી બાર : વજન છે માત્ર બે મેટ્રિક ટનથી વધુ

તમારે ચોકલેટ કેન્ડી ખાવી હોય તો કેટલાી ખાઇ શકો? તમને થશે કે આ કેવો વિચિત્ર સવાલ છે. પણ એવો સવાલ કરવાનું કારણ એ છે કે  હાલમાં એક ચોકલેટ બનાવતી કંપનીએ એવી મહાકાય  વિશ્વવિક્રમી ચોકલેટ કેન્ડી બાર બનાવી છે કે જેનું વજન એક બે કિલો કે 100 કિલો નથી પણ બે મેટ્રિક ટનથી વધુ છે અને તેને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસનું સૌથી મોટી ચોકલેટ કેન્ડીનું સર્ટીફિકેટ મળ્યું છે.

જાણીતી ચોકલેટ કંપની સ્નિકર્સ દ્વારા હાલમાં એક મહાકાય કૅન્ડી બનાવવામાં આવી છે. આ કૅન્ડી બારનું વજન ૨૧૪૪ કિલોગ્રામ કરતાં પણ થોડું વધુ થયું છે અને તેને વિશ્વની સૌથી મોટી ચોકલેટ કૅન્ડી તરીકે ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકર્ડસમાં સ્થાન મળ્યું છે. સ્નિકર્સ દ્વારા આ કૅન્ડી બાર બનાવવા માટે પ૪૪ કિલોગ્રામ કેરેમલ, મગફળી અને નોગટના મિશ્રણનો તથા લગભગ ૧પ૮૭ કિલોગ્રામ ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ કૅન્ડી બારને પૈંડાવાળા એક સ્ટેન્ડ પર મૂકવામાં આવ્યું હતું. પોતાના આ વિશાળ કૅન્ડી બારને સ્નિકર્સ કંપની દ્વારા સુપર બાઉલ એલઆઇવી કોમર્શિયલ એડમાં પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ વિશાળ કૅન્ડી બારની નોંધ લેતા ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડસ દ્વારા સોશ્યલ મીડિયા પર લખવામાં આવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા ચોકલેટ નટ બારના સર્જન માટે સ્નિકર્સને અભિનંદન. જેનું વજન ૪૭૨૮ પાઉન્ડ છે, જેમાં ૩પ૦૦ પાઉન્ડ ચોકલેટ અને ૧૩૦૦ પાઉન્ડ કેરેમલ છે.

વિમાનના બિઝનેસ ક્લાસમાં જાપાનીઝ મહિલાની પાલતુ સસલીની શાનદાર મુસાફરી

સાન ફ્રાન્સિસ્કોથી ટોકીયો જતી અમેરિકાની યુનાઇટેડ એર લાઇન્સની એક ફ્લાઇટમાં મુસાફરોને એક અદભૂત દૃશ્ય જોવા મળ્યું હતું જેમાં એક માદા સસલાએ પોતાની મહિલા માલિકની સાથે આ વિમાનમાં મુસાફરી કરી હતી અને તે પણ આરામ દાયક એવા બિઝનેસ ક્લાસમાં. તાકાકો ઓગાવા નામની એક જાપાનીઝ મહિલા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ગૂગલની કચેરીમાં પોતાની ત્રણ વર્ષની નોકરી પૂરી કરીને પોતાના વતન જાપાન પાછી ફરી રહી હતી. તે પોતાની સાથે પોતાની પાળેલી કોકો નામની સસલીને પણ લઇ જતી હતી.

નિયમ પ્રમાણે આ સસલીને તેણે કાર્ગો વિમાનમાં જુદી મોકલવી પડે તેમ હતું, પણ ઓગાવાને લાગતું હતું કે આઠ વર્ષની વયની આ સસલી હવે વૃદ્ધ કહી શકાય તેવી છે અને તેને કાર્ગોમાં એકલી મોકલી શકાય તેમ નથી. આથી ઓગાવાએ એર લાઇનને વિનંતી કરી હતી કે તે પોતાની આ સસલીને પોતાની સાથે જ વિમાનમાં રાખવા દે. તેણે આ સસલીની નોંધ ભાવનાત્મક ટેકો આપનાર પ્રાણી તરીકે કરાવી હતી,

આ પ્રકારના પ્રાણીઓને વિમાનમાં સાથે રાખવાની છૂટ કેટલીક અમેરિકન એરલાઇનોએ ડોમેસ્ટિક ફ્લાઇટોમાં આપવાનું શરૂ કર્યું છે પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં આવા પ્રાણીની પોતાના માલિક સાથે મુસાફરીની આ પહેલા કદાચ છૂટ અપાઇ ન હતી. ઓગાવાને આ છૂટ મળી ગઇ અને તે કોકોને પોતાની સાથે ફ્લાઇટમાં લઇ જઇ શકી. આ સસલી બેને પોતાની માલિકણ સાથે બિઝનેસ ક્લાસમાં મોજથી મુસાફરી કરી. તેણે બો ટાઇ પણ બાંધી હતી અને આરામ દાયક બેઠક પર બેઠી હતી અને પ્યાલામાંથી ખોરાક પણ લઇ રહી હતી અને નજીકમાં શેમ્પેનનો ગ્લાસ પણ હતો જે તેના ઠાઠને ઓર વધારતો હતો! ઘટના ૨૦૧૮ના અંતભાગની છે પણ તેના ફોટા હમણાં વાયરલ થયા છે.