રાજપથ પર દેખાયો ભારતનો દબદબો, દુનિયાએ જોઈ સૈન્ય તાકાત અને સંસ્કૃતિની ઝલક

દેશના 71મા પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હીના રાજપથ પર સૈન્ય શક્તિ અને બહુ રંગીન સંસ્કૃતિનો દેશ સાક્ષી બન્યો હતો. ભારતીય સૈન્યની બહાદુરી, હિંમત અને બહાદુરીની ઝલક તથા ભારતની સાંસ્કૃતિક વિવિધતા દ્વારા જોવા મળી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝાયર મેસિયસ બોલ્સોનારો રાજપથ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

પરંપરા મુજબ પરેડની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રિરંગો લહેરાવીને રાષ્ટ્રગીતના ગાન બાદ થઈ હતી. જોકે, આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 48 વર્ષથી ચાલતી પરંપરાનો અંત લાવ્યો હતો. આ વખતે તે ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ ન ગયા અને નવા બનેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી.

પરેડ દરમિયાન કેપ્ટન તાન્યા શેરગિલે રાજપથની પરેડમાં દેશની સ્ત્રીની શક્તિનો અહેસાસ કરાવ્યો. પ્રથમ વખત પરેડમાં ચિનૂક અને અપાચે હેલિકોપ્ટર દ્વારા ભારતીય સૈન્યની વધતી શક્તિ જોવા મળી હતી. અત્યાધુનિક યુદ્ધ વિમાન રાફેલની પ્રતિકૃતિ પણ બતાવવામાં આવી હતી. વિવિધ મંત્રાલયો અને રાજ્યોના ટેબ્લોએ પણ દર્શકોને મોહિત કર્યા.

જ્યારે ભારતની સૈન્ય શક્તિનું નિદર્શન થયું, ત્યારે દરેક ભારતીયની છાતી ગર્વથી ફૂલાઈ ગઈ હતી. એક તરફ, આપણા દેશની ઉત્તરીય સરહદની સુરક્ષા કરી રહેલી ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસની કૂચ જોવા મળી હતી તો દેશની ઉત્તરી સરહદ પર રક્ષા કરતા કુમાઉ રેજિમેન્ટનો કાફલો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

દિલ્હી: ભજનપુરામાં કોચીંગ સેન્ટરનું બિલ્ડીંગ કોલેપ્સ, 4 વિદ્યાર્થીઓ સહિત પાંચના મોત

ઉત્તર-પૂર્વ દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં શનિવારે બપોરે નિર્માણાધીન ઇમારત ધરાશાયી થતાં ચાર વિદ્યાર્થીઓ સહિત પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. આ બિલ્ડિંગની અંદર કોચીંગ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હતું. જ્યારે ઇમારત ધરાશાયી થઈ, ત્યારે વિદ્યાર્થીઓ તેમાં હાજર હતા અને તેઓ કાટમાળ નીચે દબાઇ ગયા હતા. ત્રણ વિદ્યાર્થીઓ હજી ગુમ થયાનું જણાવવામાં આવી રહ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલે ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું અને તેમણે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

ઘટનાની જાણ થતાં જ સાત ફાયર એન્જિનોને ઘટના સ્થળે મોકલી દેવાયા હતા. ફાયરમેનો ત્યાં પહોંચતાંની સાથે જ મોરચો સંભાળી લીધો હતો અને 13 લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા, પરંતુ તેમાંથી પાંચ લોકો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. ફાયરના જવાનોએ રાહત કાર્ય ચાલુ રાખ્યું છે.

દરમિયાન, સીએમ અરવિંદ કેજરીવાલે આ ઘટના પર દુ: ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટવિટ કર્યું કે ભજનપુરાથી ખૂબ જ દુખદ સમાચાર આવી રહ્યા છે. ભગવાન બધાને આશીર્વાદ આપે.

તાજેતરમાં રાજધાની દિલ્હીમાં ઇમારતો તૂટી પડવાની અને આગની ઘટનાઓમાં તીવ્ર વધારો થયો છે. એવા પણ અહેવાલો પ્રાપ્ત થયા છે કે એનઓસી વિના રેસ્ટરન્ટ અને કોચીંગ સેન્ટરો ચલાવવામાં આવી રહ્યા છે. આના કારણે અનિચ્છનીય ઘટના બને તો જાન-માલનું નુકસાન થવાની સંભાવના છે. ગત વર્ષે સબઝી મંડી વિસ્તારમાં આવેલી બિલ્ડિંગમાં લાગેલી આગમાં 40થી વધુ કામદારોનાં મોત નીપજ્યાં હતાં.

મિસાઇલ K-4નું સફળ પરીક્ષણ: અડધા ચીન અને આખા પાકિસ્તાન સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે આ મિસાઈલ

ભારતે સબમરીનથી ઝીંકવામાં આવતી બેલાસ્ટિક મિસાઇલ K-4નુ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતેથી વધુ પરીક્ષણ કરવામાં આવ્યુ છે. એક પછી એક બે સફળ પરીક્ષણ બાદ ભારતે દુશ્મન દેશના પરમાણુ હુમલા બાદ પોતાના જવાબી હુમલાની ક્ષમતામાં અનેક ગણો વધારો કરી લીધો છે. આશરે 3500 કિલોમીટર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવનાર આ મિસાઇલનુ પરીક્ષણ કરવામાં આવ્યા બાદ ભારતની તાકાતમાં પણ અનેક ગણો વધારો થઇ ગયો છે. આ મિસાઇલની હદમાં સમગ્ર પાકિસ્તાન અને અડધાથી વધુ ચીનના હિસ્સા આવી ગયા છે.

ન્યુક્લિયર બોમ્બ લઇ જવામાં સક્ષમ K-4 મિસાઇલ સ્વદેશી ટેકનિકથી બનાવવામાં આવી રહી છે. આ મિસાઇલ પરમાણુ સબમરીન અરિહંતમાં ગોઠવવામાં આવનાર છે. K-4 અને બ્રહ્યોસની જોડીથી હવે ભારત પોતાના દુશ્મનોને યોગ્ય જવાબ આપવા માટે તૈયાર છે. આ સફળ પરીક્ષણ બાદ ભારત ન્યુક્લિયર ટ્રાયડની દિશામાં એક પગલુ રહેલુ છે.

ભારતને હવે ન્યુક્લિયર ટ્રાયડ એટલે જમીન, હવા અને દરિયામાં પ્રહાર કરી શકે છે. કોઇ પણ જગ્યાએ પરમાણુ મિસાઇલ ઝીંકવાની ક્ષમતા છે. પાણીની નીચે સબમરીનથી ઝીંકવામાં આવેલી મિસાઇલો પરમાણુ હુમલા થવાની સ્થિતીમાં જવાબી હુમલા માટે સૌથી સારા હથિયાર તરીકે ગણવામાં આવે છે. વર્ષ 1998માં પરમાણુ બોંબનુ પરીક્ષણ કરવામાં આવ્યા બાદ ભારત ન્યુક્લિયર ટ્રાયડની ક્ષમતા વિકસિત કરવા પર કામ કરી રહ્યુ છે.

જમ્મુ-કાશ્મીરના પુલવામાના અવંતીપોરામાં સતત ત્રીજા દિવસે એન્કાઉન્ટર : વધુ બે ત્રાસવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં શનિવારે સવારથી થઇ રહેલી એક અથડામણમાં અત્યાર સુધી 2 ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. પુલવામા જિલ્લાના અવન્તીપોરા વિસ્તારમાં સૈન્યના 2 ત્રાસવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ ઓપરેશનમાં સૈન્ય, એસઓજી અને એસઆરપીની સંયુક્ત ટીમ સામેલ થઇ હતી,

પ્રાપ્ત માહિતી અનુસાર પુલવામાના અવંતીપોરામાં વિતેલા ત્રણ દિવસથી ત્રાસવાદીઓની ઘેરાબંધી માટે મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું, તે અનુસાર શનિવારે પણ એ સર્ચ ઓપરેશન આજે પણ ચાલુ રહ્યું હતું અને તેમાં રાષ્ટ્રીય રાઇફલ્સ, જમ્મુ કાશ્મીર પોલીસ અે સીઆરપીએફના જવાનોને કામ લગાવાયા હતા. ત્રાસવાદીઓનું સર્ચ ઓપરેશન કરી રહેલા જવાનો પર ત્રાસવાદીઓએ ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. શનિવારે થયેલી અથડામણ દરમિયાન જૈશના ટોપના કમાન્ડ઼ર સહિત ત્રણ ત્રાસવાદી આ વિસ્તારમાં છુપાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

ક્યા સે ક્યા હો ગયા દેખતે-દેખતે: આ નેતાને તમે 100 ટકા ઓળખતા હશો, કહો તો કોણ છે?

રાજકારણમાં નેતાઓ ક્લિન શેવ રહેવામાં બહુ માને છે. કેટલાક નેતાઓનો રોજનો ખર્ચો જાણીને અમૂક વખતે નવાઈ લાગે છે. ગલગોટા જેવા દેખાવ માટે નેતાઓ અનેક પ્રકારના જતન સંવર્ધન કરતા જોવા મળે છે. પણ હાલમાં એક નેતાનો દાઢીધારી ફોટો એક પત્રકારે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

હા, આ નેતાનું નામ છે, ઉમર અબદુલ્લા. જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી છે અને તેમને કલમ 370 રદ્દ કર્યા બાદ નજરબંધ કરી દેવામાં આવ્યા છે. પત્રકારે ઉમર અબ્દુલ્લાનો ફોટો શેર કરી લખ્યું છે કે સયાને કાશ્મીર કી સબસે તાઝા તસ્વીર, યે ઉંમર અબ્દુલ્લા હૈ.

ટવિટર પર લોકોએ આ અંગે અલગ અલગ પ્રતિક્રિયા આપી છે. એક જણાએ લખ્યું છે કે સરકાર સારી એવી ખાતરીદારી કરી છે. તો એકે લખ્યું છે કે ક્યા સે ક્યા હો ગયા દેખતે-દેખતે.ઉંમર અબ્દુલ્લા અંગે ટવિટર અનેક કોમેન્ટ્સ આવી રહી છે. ઉંમર અબ્દુલ્લા જમ્મૂ-કાશ્મીરની નેશનલ કોન્ફરન્સના નેતા છે. તેમના પિતા ફારુક અબ્દુલ્લા પણ નજરબંધ છે.

ટ્રાફિક નિયમ તોડ્યા તો કેનેડા-ઓસ્ટ્રેલિયાનો વિઝા મળશે નહીં, દેશની મર્સિડીઝ સિટી પોલીસનું ફરમાન

ટ્રાફિકના નિયમોને લઈ ભારે હોબાળો ચાલી રહ્યો છે. નવા રૂલ્સ વાહન ચાલકો માટે તોતીંગ દંડ ફટકારનારા બન્યા છે. પણ દેશની મર્સિડીઝ સિટી તરીકે ઓળખાતા શહેરની પોલીસે ટ્રાફિક નિયમનાં ભંગ બદલ વિઝા નહીં આપવાનું ફરમાન જારી કરતાં ઉહાબોહ મચી ગયો છે.

લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરવા માટે લુધિયાણા પોલીસે વિશેષ વ્યૂહરચના ઘડી છે. કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં લાંબા ગાળાના વિઝા માટે અરજી સાથે જ દુતાવાસ દ્વારા ટ્રાફિકના નિયમો તોડવાની વિગતો માંગવામાં આવી રહી છે. લુધિયાણા પોલીસે ટ્રાફિક ભંગ કરનારાઓ સામે આવી રીતે નવતર રીતે અભિયાન શરૂ કરી દીધું છે.

લુધિયાણા પોલીસ કમિશનર રાકેશ અગ્રવાલે મીડિયાને જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી દર મહિને પોલીસને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન રેકોર્ડ અંગે વિઝા અરજદારોના કોલ આવે છે. તેમણે કહ્યું કે ડિજિટલ ફોર્મેટમાં અમારી પાસે વિગતો સુરક્ષિત છે. એમ્બેસી સાથે શેર કરવું અમારા માટે સરળ છે.

પોલીસ કમિશનરે કહ્યું કે વિઝા અરજીઓના બહાને ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું, ‘અમારી પાસે ડિજિટલ ફોર્મેટમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની વિગતો છે. તેથી જો આવી વિગતો વહીવટ પાસેથી માંગવામાં આવે, તો અમે સરળતાથી શેર કરી શકીએ છીએ. લુધિયાણાથી મોટી સંખ્યામાં લોકો ઓસ્ટ્રેલિયા અને કેનેડાના વિઝા માટે અરજી કરે છે. હવે અમે આ ટૂલનો ઉપયોગ શહેરની ટ્રાફિક સિસ્ટમને ફરીથી સ્થાપિત કરવા માટે કરી રહ્યા છીએ.

લુધિયાણાને મર્સિડીઝ શહેર કહેવામાં આવે છે પણ રોડ સેફ્ટી અંગે આ મર્સિડીઝ સિટીનો રેકોર્ડ ખરાબ છે. 2018માં લુધિયાણામાં 477 અકસ્માતના બનાવો બન્યા હતા અને તેમાં 328 લોકોનાં મોત થયા છે. લુધિયાણા પોલીસ કમિશનરે જણાવ્યું કે, લુધિયાણામાં સિટીમાંથી જતાં હાઈવેને કારણે અકસ્માતમાં મૃત્યુઆંક વધારે છે. અમે શહેરમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ માટે અભિયાન ચલાવી રહ્યા છીએ જેથી કરીને મૃત્યુઆંકમાં ઘટાડો થાય.

નિષ્ણાંતો કહે છે કે જો લુધિયાણા મોડેલ સફળ થાય છે, તો અન્ય શહેરો તેને અપનાવી શકે છે. પંજાબ સરકારના ટ્રાફિક સલાહકાર નવદીપ અસીજાએ કહ્યું કે માર્ગ અકસ્માતમાં મોતને રોકવા માટે લેવામાં આવેલું આ પગલું આવકાર્ય છે. પંજાબમાંથી મોટી સંખ્યામાં લોકો વિઝા માટે અરજી કરે છે. આવી સ્થિતિમાં આ ઝુંબેશની સકારાત્મક અસર થઈ શકે છે.

કાશ્મીર: પ્રજાસત્તાક પૂર્વે ત્રાલમાં એનકાઉન્ટર, આતંકી ઠાર, સેનાનાં ત્રણ જવાનને ઈજા

પ્રજાસત્તાક દિવસ પહેલા દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ ખાતે સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ દરમિયાન સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો, જ્યારે સેનાના બે જવાનને ઈજા પહોંચી હતી. અગાઉ સેનાએ ત્રાલમાં જેશ-એ-મોહમ્મદનાં ત્રણ આતંકીઓને ઘેરી લીધા હોવાનો દાવો કર્યો હતો. સેનાએ આસપાસના વિસ્તારમાં નાકાબંધી પણ કરી દીધી છે અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.

પ્રજાસત્તાક દિનને કારણે ખીણમાં પહેલાથી જ ચૂસ્ત સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. આતંકવાદીઓની હાજરીના સમાચાર મળતાં જ સેના ત્રાલ પહોંચી હતી અને આતંકવાદીઓને ખતમ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. આ એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા સેનાના જવાનોને આર્મી બેઝમાં દાખલ કરવામાં આવ્યા છે.

આતંકવાદીઓના મકાનમાં છુપાયેલા હોવાની માહિતી મળતા સેનાએ નજીકના લોકોને મકાન ખાલી કરવા જણાવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે સેનાને ઘેરી લેનારા આતંકવાદીઓમાં જૈશ સેનાપતિ કારી યાસીર પણ સામેલ હતો. કારી યાસીર પાકિસ્તાની આતંકવાદી છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદી કારી યાસીર ખીણમાં હત્યાઓમાં સંડોવાયેલો હતો. આ આતંકવાદી પર ત્રાલમાં ગુજ્જરોની હત્યા કરવાનો આરોપ છે. જો કે, હજી સુધી સ્પષ્ટ નથી થઈ ગયું કે સેનાએ જે આતંકીને ઠાર માર્યો છે તે કારી યાસીર છે કે નહીં.

બીજા આતંકીનું નામ બુરહાન શેખ હોવાનું જાણવા મળી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આત્મઘાતી બોમ્બર છે. જેના કારણે  સેના ખૂબ કાળજીપૂર્વક ઓપરેશન ચલાવી રહી છે.

નિર્ભયા કેસ: દોષિઓનો ફાંસીથી બચવાનો નવો ખેલ પણ ખતમ, કોર્ટે અરજીનો કર્યો તાત્કાલિક નિકાલ

નિર્ભયાના દોષિતોએ ફાંસી ટાળવા માટે નવા રસ્તા અપનાવી રહ્યા છે. જોકે, દરેક વખતે નિર્ભયાના દોષીઓને હારનો સામનો કરવો પડે છે. શુક્રવારે નિર્ભયકાંડના ચાર દોષિતો પૈકી ત્રણ દોષિતો વિનય, પવન અને અક્ષય ઠાકુર કોર્ટમાં ગયા હતા અને કહ્યું હતું કે, તિહાર જેલ વહીવટીતંત્રે તેમને દસ્તાવેજો પૂરા પાડ્યા નથી. જોકે, આ વખતે પણ ત્રણેયને નિરાશા મળી છે અને કોર્ટે કોઈ પણ આદેશ આપવાનો ઇનકાર કરી દીધો છે.

દરમિયાનમાં બચાવ પક્ષના  વકીલે નિર્ભયાકાંડના દોષી વિનય શર્મા દ્વારા જેલની અંદર લખેલી ‘દરિંદા ડાયરી’ની ફોટો કોપી કોર્ટમાં સબમીટ કરી. આ બ્લુ નોટબુકમાં નિર્ભયાના દોષી વિનય શર્માએ શાયરી લખી છે. આ ડાયરીનું કવર પેજ ‘દરિંદા’ સાથે હસ્તલિખિત છે. આ સિવાય વિનય શર્માએ સ્વચ્છ ભારત અભિયાનના ચિત્રો બનાવ્યા છે. તિહાર પ્રશાસને નિર્ભયાના દોષિતોના તમામ દસ્તાવેજો, પેઇન્ટિંગ્સ અને ડાયરીઓ કોર્ટને આપી દીધી છે.

આ પછી ન્યાયાધીશે તમામ દસ્તાવેજો બચવા પક્ષના વકીલને આપવાની મંજૂરી આપી. આ દરમિયાન સરકારી વકીલે કોર્ટને કહ્યું કે નિર્ભયાના આરોપીઓના દસ્તાવેજો, પેઇન્ટિંગ્સ અને ડાયરીની ફોટો કોપી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે નિર્ભયાના દોષીઓને અસલ દસ્તાવેજો, પેઇન્ટિંગ્સ અને ડાયરી આપી શકાતા નથી.

શનિવારે નિર્ભયા કેસમાં દોષિત અક્ષય, વિનય અને પવનની અરજીનો પટીયાલા હાઉસ કોર્ટે નિકાલ કર્યો હતો. કોર્ટે કહ્યું કે હવે આ કેસમાં કોઈ નિર્દેશોની જરૂર નથી. ગુનેગારોની માંગ પર તિહાર જેલ પ્રશાસને તમામ દસ્તાવેજો પૂરા પાડ્યા છે જે ગુનેગારોએ માંગ્યા હતા. જેલ પ્રશાસને કોર્ટને જણાવ્યું હતું કે તેમની પાસે હવે દોષિતો સંબંધિત કોઈ દસ્તાવેજો નથી.

ડૂંગળી, લસણના ભાવ ઘટાડવા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા નથી: સાધ્વી ઋતુંભરા

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ડુંગળી, લસણના ભાવ ઘટાડવા માટે વડાપ્રધાન નથી બન્યા. તેઓ દેશના રાજા છે. તેઓ ભારતને ભારત બનાવવા માટે વડાપ્રધાન બન્યા છે આ શબ્દો છે સાધ્વી ઋતુંભરાના. દીદીના હુલામણા નામથી જાણીતા સાધ્વી ઋતુંભરા દ્વારા ખેડાના મહિસા ગામ ખાતે સંવિદ ગૂરૂકુલ શરૂ કરવામાં આવ્યુ છે. જેના ઉઘ્ઘાટન પ્રસંગે તેઓ મહિસા ગામે આવ્યા હતા.

સભાને સંબોધન કરતા સાધ્વીએ આ નિવેદન આપ્યુ હતું. સાધ્વીએ કહ્યું હતું કે, તમે મારો શબ્દ રૂપી સંદેશ ભારતભરના લોકો સુધી પહોંચાડો.પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, હું બધાને નિવેદન કરું છું કે મારો સંદેશ બધાને કહેજો. આપણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડુંગળી, લસણના ભાવ સસ્તા કરવા પ્રધાનમંત્રી નથી બનાવ્યા. તે ભારતને ભારત બનાવવા માટે પ્રધાન મંત્રી બન્યા છે. આપણે એકજુટ થઈ, એક મત થઈ રાષ્ટ્ર નિર્માણ માટે લાગવુ જોઇએ તેવું હું બધાને નિવેદન કરું છું.

ભાજપના નેતાનું “પૌવા સાયન્સ” વાયરલ: “પૌવા” ભારતીય છે કે બાંગ્લાદેશી? ટવિટર પર ભારે ચર્ચા

એક માણસના નાગરિકત્વની ઓળખ કરવા માટે દુનિયાભરની સરકારો અનેક પ્રકારના ડોક્યુમેન્ટ્સ માંગે છે. ડોક્યુમેન્ટ્સ ન હોય તો મેડીકલ કરવામાં આવે છે. પરંતુ ભાજપના રાષ્ટ્રીય નેતા અને મહાસચિવ કૈલાશ વિજય વર્ગીય નાગરિક્તાની ઓળખ ચપટી વગાડતા જ કરી નાંખે છે.

ગુરુવારે ઈન્દૌરના કાર્યક્રમમાં આવેલા કૈલાશ વિજય વર્ગીયે કહ્યું કે કેટલાક લોકો મારા ધરે મજૂરી કરવા આવ્યા હતા. હકીકતમાં તેઓ બાંગ્લાદેશી હતા. આ વાત તેમણે લોકોને કહી પણ પોલીસને જણાવી ન હતી. તેમણે કહ્યું કે મારા ઘરમાં નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું ત્યારે મજૂરોની ખાવાની સ્ટાઈલ મન અજબ લાગી. તેઓ માત્ર પૌવા ખાઈ રહ્યા હતા. તેમના સુપરવાઈઝરને પૂછ્યું અને શંકા દર્શાવી હતી.સુપરવાઈઝરે કહ્યું કે પ.બંગાળના છે. પ,બંગાળના જિલ્લાનું નામ પૂછ્યું તો મજૂરો કોઈ પણ જિલ્લાનું નામ આપી શક્યા નહીં. બીજા દિવસથી મજૂરો ગાયબ થઈ ગયા હતા. એટલે મને ખાતરી થઈ ગઈ કે આ મજૂરો બાંગ્લાદેશી હતા.

વિજય વર્ગીયનું આ ભાષણ ઝડપથી વાયરલ થયું અને ટવિટર પર લોકોએ પૌવાને લઈ ચર્ચા શરૂ કરી દીધી. એક જણાએ લખ્યું કે હું પૌવા ખાઉં છું,પણ હું બાંગ્લાદેશી નથી, ભારતીય છું. આ સાથે અન્ય એક જણાએ પીએ મોદી, ગૌતમ ગંભીર અને અન્ય ખેલાડીઓનો પૌવા ખાતો ફોટો શેર કરી લખ્યું કે આ લોકો પણ પૌવા ખાય છે તો શું કહેવું છે આના માટે વિજય વર્ગીયએ?

ટવિટર પર લોકોએ કૈલાશ વિજય વર્ગીયના નિવેદન સાથે રમૂજી તથા ગંભીર પ્રકારની એમ બન્ને પોસ્ટનો મારો ચલાવ્યો હતો કેટલાકે લખ્યું કે પૌવા ખાવાથી મજૂરો ક્યાનાં નાગરિક છે તે વિજય વર્ગીયએ કેવી રીતે શોધી કાઢ્યું? અનેક સવાલો સાથે ટવિટર પર કૈલાશ વિજય વર્ગીય અને પૌવા ટ્રેન્ડ કરી રહ્યા છે.