કોરોના વાયરસે ગુજરાતના વેપારને માર્યો મોટો ફટકો, વેપારીઓ ચીન જવાનું ટાળી રહ્યા છે

ચીનમાં કોરોના વાયરસને કારણે પાંચ શહેરોમાં લોકોની અવરજવર સ્થગિત કરી દેવામાં આવી છે. જેને કારણે અમદાવાદ, સુરત, અંકલેશ્ર્વર સહિતના ગુજરાતના વેપારીઓએ ચીનના પ્રવાસ રદ કર્યા છે.

ગુજરાતમાંથી કેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ સહિત સેક્ટરના દરરોજ સરેરાશ 500 જેટલા વેપારીઓ દ્વારા ચીનના વિવિધ શહેરોની નિયમિત રીતે મુલાકાત લેવામાં આવે છે. કોરોના વાઈરસને કારણે હાલ ચીનના પ્રવાસે જવા માગતા અને ગયેલા વેપારીઓને પ્રવાસ રદ કરવાની ફરજ પડી હતી. ભારત અને ચીન વચ્ચેના બિઝનેસમાં 80 ટકા વેપારીઓ ગુજરાતના છે.

ચીનના પાંચ શહેરો વુહાન, હુઆંગગેંગ, એઝોઉ, ઝિઝિઆંગ અને ક્વિનઝિઆંગમાં અંદરથી બહાર જવા અને પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઘણાં સમયથી મંદીને કારણે વેપાર- ઉદ્યોગને માઠી અસર પહોંચી છે ત્યારે કોરોના વાઈરસને કારણે ગુજરાતના વેપારીઓને વધુ ફટકો પડવાને પગલે પડતા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એપ્રિલ-2020માં શાંઘાઈમાં ઈન્ટરડાઈ-ટ્રેડ ફેર યોજાવાનો છે. તેમાં સ્ટોલ બુકિંગ કરાવનાર વેપારીઓના ચીન પ્રવાસ રદ કરવાની નોબત આવી છે.

અમદાવાદ સહિત સુરત અને અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં  વેપારીઓએ  બુકિંગ કરાવ્યા છે. આ ઉપરાંત ગુજરાત સરકાર અને ચીનના ગુઆંગડોંગ પ્રાંત વચ્ચે પંદર એમઓયુ સાઈન કરવામાં આવ્યા હતા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીયલ, ઇન્ફર્મેશન ટૅકનોલોજી અને ફાર્માસ્યુટિકલ સહિતના ક્ષેત્રોમાં લગભગ 3900 કરોડ રૂપિયાના એમઓયુ કર્યા હતા.

ચીન ખાસ આ કામ માટે 10 દિવસમાં 1000 બેડની હૉસ્પિટલ તૈયાર કરશે

ભેદી કોરોનાવાયરસની જ્યાંથી શરૂઆત થઇ હતી અને જ્યાં તેના સૌથી વધુ કેસો નોંધાયા છે તે મધ્ય ચીનના હુબેઇ પ્રાંતના વુહાન શહેરને અડીને આવેલા એક વિસ્તારમાં આ રોગની સારવાર માટે તાકીદના ધોરણે એક મોટી હૉસ્પિટલનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. આ હૉસ્પિટલ એક હજાર પથારીઓવાળી હશે અને દસ દિવસમાં તેનું બાંધકામ કરી દેવાની યોજના છે.

આ હૉસ્પિટલ બે માળની હોઇ શકે છે. મોટા પ્રમાણમાં યંત્રો અને કામદારો આ માટે લાવવામાં આવ્યા છે. કામદારોને અહીં ચાલતા રોજિંદા દર કરતા ત્રણ ગણા દર ચૂકવવામાં આવી રહ્યા છે. તેમને ૧૨૦૦ યુઆન એટલે કે આશરે ૧૨૦૦૦ રૂપિયા અથવા ૧૭૩ ડૉલર્સ રોજના ચૂકવાઇ રહ્યા છે. સાર્સ વખતે જે કંપનીએ સાત દિવસમાં હજાર બેડનું કામચલાઉ સારવાર કેન્દ્ર બનાવ્યું હતું તેને જ આ હૉસ્પિટલ બાંધવા માટેની કામગીરી સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં દર્દીઓની લાંબી લાઇનો જોવા મળશે એવા ભયને ધ્યાનમાં રાખીને આ હૉસ્પિટલ બાંધવામાં આવી રહી છે.

આ સુવિધાનો ઉપયોગ ત્રીજી ફેબ્રુઆરી સુધીમાં શરૂ કરવાની ગણતરી છે. સાઇટ પર ડઝનબંધ એક્સકેવેટર્સ અને ટ્રક્સ કામ કરતા દેખાય છે. આ હૉસ્પિટલ ૨૫000 સ્કૅવર મીટર્સ (આશરે ૨૭૦૦૦૦ સ્કૅવર ફિટ)માં ફેલાયેલી હશે. ૨૦૦૩માં ચીને બીજિંગના ગ્રામીણ છેવાડે એક હૉસ્પિટલ માંડ અઠવાડિયામાં ઉભી કરી દીધી હતી. તે વખતે સાર્સ વાયરસના દર્દીઓ માટે આ હૉસ્પિટલ બનાવાઇ હતી.સાર્સ વાયરસે ચીનમાં ૩૪૯ લોકોનો ભોગ લીધો હતો. વુહાનમાં પણ આ જ રીતે પ્રિફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર્સવાળી હૉસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે.

IMFના ચીફે ભારતની અર્થ વ્યવસ્થા અંગે મોદી સરકાર માટે આપ્યા રાહતના સમચાર, કરી દીધી આ મહત્વની માત

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ ભારતીય અર્થવ્યવસ્થા માટે રાહતજનક સમાચાર આપ્યા છે. IMFના ચીફ ક્રિસ્ટાલિના જ્યોર્જિયાએ શુક્રવારે કહ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થામાં સુસ્તી અસ્થાયી છે અને આગામી વર્ષોમાં તેમાં સુધારો થવાની અપેક્ષા છે.

દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2020માં તેમણે કહ્યું હતું કે, IMF  દ્વારા ઓક્ટોબર 2019માં જાહેર કરાયેલા વૈશ્વિક આર્થિક દૃશ્યની તુલનામાં જાન્યુઆરી 2020માં વૈશ્વિક અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે. બીજા ક્વાર્ટરમાં ભારતનો આર્થિક વિકાસ દર સાડા છ વર્ષના તળિયે ઘટીને માત્ર 4.5 ટકા થઈ ગયો છે.

IMF ચીફે કહ્યું કે વૈશ્વિક અર્થતંત્રમાં તેજીનું કારણ યુએસ અને ચીન વચ્ચેના વેપાર કરારના પહેલા તબક્કા પછી વેપાર તણાવમાં ઘટાડો અને નીતિ કરમાં સતત કરવામાં આવી રહેલો ઘટાડો કારણભૂત છે. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્ર માટે 3. 3 નો વિકાસ દર સારો નથી.

IMFના મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું કે, અર્થવ્યવસ્થા હજી ધીમી પડી રહી છે. અમે ઇચ્છીએ છીએ કે નાણાકીય નીતિઓ વધુ આક્રમક અને માળખાકીય સુધારા ઝડપથી થાય. ઉભરતી અર્થવ્યવસ્થા અંગે તેમણે કહ્યું કે તે આગળ વધી રહી છે.

વિશ્વનો સૌથી નાનો સોનાનો સિક્કો, વજન છે માત્ર ચોખાના બે દાણા જેટલું

સ્વીટ્ઝરલેન્ડની ટંકશાળમાં વિશ્નો સૌથી નાનો સોનાનો સિક્કો બનાવવામાં આવ્યો હતો, તેને જોવા મેગ્નિફાયિંગ ગ્લાસની જરૂર પડે છે. સિક્કાની બંને બાજુ અલ્બર્ટ આઈન્સટાઈનની જીભ બહાર નીકાળેલી તસવીર અંકિત છે. સરકારી સ્વિસમિન્ટે કહ્યું હતું કે 0.12 ઈન્ચ આકારનો સોનાનો સિક્કો વિશ્વમાં સૌથી નાનો છે. બે કાગળને ભેગા કરવા પર આવતી જાડાઈ જેટલી તેની જાડાઈ છે. સિક્કાનું વજન એક આઉંસનો 1-500મો ભાગ (0.063 ગ્રામ) છે. સિક્કાનું મૂલ્ય અંદાજે 20 પૈસા છે તેનું વજન ચોખાના બે દાણા જેટલું જ છે.

સ્વિટઝરલેન્ડની નેશનલ ટંકશાળે આ સિક્કાને તૈયાર કર્યા છે. આ સિક્કાનું મુલ્ય એક ચતુર્થ ફ્રાન્ક રાખવામાં આવ્યું છે. તેને ઓનલાઇન ઓર્ડર કરી શકાશે. જો કે સ્વિસમિન્ટનું કહેવું છે કે આવા માત્ર 999 સિક્કા જ બનાવાયા છે. એક સિક્કો ખરીદવા માટે માટે તમારે 199 ફ્રાન્ક ખર્ચવા પડશે. તેની સાથે તમને એક ખાસ મેગ્નીફાઇંગ ગ્લાસ પણ આપવામાં આવશે, કે જેથી મહાન વૈજ્ઞાનિક અલ્બર્ટ આઇન્સ્ટાઇનની આકૃતિને યોગ્ય રીતે જોઇ શકાશે.

લોકશાહી વ્યવસ્થાના રેન્કીંગમાં ભારતની પીછેહઠઃ વિશ્વમાં 51મા ક્રમે ધકલાયું

વિશ્વમાં લોકશાહી વ્યવસ્થાના રેન્કીંગમાં ભારત પાછળ ધકેલાયું છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ 2019ની ગ્લોબલ લોકશાહી રેન્કીંગમાં દસ ક્રમ પાછળ ધકેલાઈને 51મા ક્રમે રહ્યો છે.

આ રેન્કીંગમાં મુખ્યત્વે 6 માપદંડો પર મૂલ્યાંકન થતું હોય છે, જેમાં નાગરિક સ્વતંત્રતા, ચૂંટણી વ્યવસ્થા, રાજકીય સંસ્કૃતિ, સાંસ્કૃતિક વિવિધતા, શાસનમાં પબ્લિક પાર્ટીશિપેશન અને સરકારની કાર્યશૈલીનો સમાવેશ થાય છે. 2014માં મોદી સરકારે શાસન સંભાળ્યું હતું, તે પછી આ સૌથી મોટી પીછેહઠ છે, આવું થવાના કારણોમાં સીએએ, એનઆરસી, એનપીઆર જેવા વિવાદો, કાશ્મીરમાં કલમ-370 હટાવ્યા પછી લગાવાયેલા પ્રતિબંધો, આસામમાં એનઆરસી પછી બહાર આવેલા છબરડા અને વિવાદાસ્પદ નિવેદનોને જવાબદાર માનવામાં આવે છે.

ધ ઈકોનોમિસ્ટ ગ્રુપના રિસર્ચ એન્ડ એનાલિસિસ ડિવિઝન એવા ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં વિશ્વના 165 દેશ અને બે પ્રદેશોની લોકશાહી વ્યવસ્થાનો ચિતાર રજૂ કરાયો છે. 2018માં ભારતનો સ્કોર 10માંથી 7.23 હતો તે ઘટીને 6.90 રહી ગયો છે, અને ક્રમાંક 41માંથી પીછેહઠ કરીને ભારત 51મા સ્થાને પહોંચ્યું છે.

આ રેન્કીંગ મુજબ ઉ. કોરિયાને છેક છેલ્લે સ્થળ મળ્યું છે, જ્યારે નોર્વેની લોકશાહી વ્યવસ્થા અગ્રીમ ગણાવાઈ છે. ચીનને 153મું સ્થળ મળ્યું છે. સિંગાપોર અને હોંગકોંગને પણ પોલીસ દમન, ફેક ન્યૂઝ પર પ્રતિબંધના નામે મીડિયાની સ્વતંત્રા પર કાપ અને લોકતંત્ર વિરોધી વલણોના કારણે છેક 75મું સ્થાન મળ્યું છે. ફ્રાન્સ, ચીલી અને પોર્ટુગલ જેવા કેટલાક દેશોમાં લોકતંત્રની સ્થિતિ સુધરી હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. લોકતંત્રની વ્યવસ્થાઓ સુધારવાની દૃષ્ટિએ થાઈલેન્ડે 38 ક્રમાંક કૂદાવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.

આ રિપોર્ટ ભારતની લોકતાંત્રિક વ્યવસ્થા પર ઊભા થયેલા જોખમો સૂચવે છે અને વિશ્વના અન્ય કેટલાક દેશોમાં લોકતાંત્રિક વ્યવસ્થા ખાડે જઈ રહી હોવાના સંકેતો આપે છે. આ રિપોર્ટ આવ્યા પછી ભારતમાં વિપક્ષોને મોદી સરકાર પર પ્રહારો કરવાનો એક મજબૂત મુદ્દો મળી ગયો છે, પણ સરકારે હજુ સુધી કાંઈ કહ્યું નથી.

ઇન્ડોનેશિયામાં નીડલ ફીશે પાણીમાંથી ઉછળીને છોકરાની ગરદનમાં પોતાની ધારદાર ચાંચ ઘૂસાડી

ઇન્ડોનેશિયાના નીડલફીશ જાતિની એક માછલીએ પાણીમાંથી ઉછળીને એક છોકરાને ગરદનમાં પોતાની ધારદાર ચાંચ ઘૂસાડી દીધી હતી. ગંભીર ઇજા પામેલા છોકરાને સર્જરી કરીને બચાવી શકાયો હતો.

મળતી માહિતી મુજબ ઇન્ડોનેશિયાના સુલાવેસી પ્રાંતના દરિયા કાંઠે 16 વર્ષનો વિદ્યાર્થી મોહમ્મદ ઇદુલ પોતાના મા-બાપ સાથે માછલીઓ પકડી રહ્યો હતો તે સમયે આ વિસ્તારમાં થતી નીડલ ફીશ નામની ચાંચ જેવા તીણા મોંવાળી માછલીએ અચાનક પાણીમાંથી ઉછળીને આ છોકરાની ગરદનમાં પોતાની ધારદાર ચાંચ ઘૂસાડી દીધી હતી.

તેણે એટલી જોરથી પોતાની ચાંચ આ છોકરાને ઘૂસાડી દીધી હતી કે તેની અણિયાળી ચાંચ આ છોકરાની ગરદનની આરપાર નીકળી ગઇ હતી. તસવીરમાં જોઇ શકાય છે કે આ છોકરાની ડોકની આરપાર નીડલ ફીશની અણિયાળી ચાંચ નીકળી છે. આ છોકરાને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જયાં શસ્ત્રક્રિયા કરીને આ માછલીને દૂર કરવામાં આવી હતી. જોખમી ઓપરેશન સફળ રહ્યું હતું અને છોકરો બચી ગયો છે.

પેરિસમાં પ્રદર્શિત કરાયો વિશ્વનો બીજો સૌથી મોટો રફ હીરો

ફ્રેન્ચ ફેશન બ્રાન્ડ કંપની લુઇ વિટન દ્વારા અહીં પોતાના એક શો-રૂમમાં અસાધારણ મોટા કદનો રફ હીરો પ્રદર્શનમાં મૂક્યો હતો, જે હીરો વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો રફ હીરો માનવામાં આવે છે. સેવેલો નામનો આ હીરો દુનિયામાં અત્યાર સુધી શોધાયેલા હીરાઓમાં બીજા ક્રમનો મોટો હીરો માનવામાં આવે છે.

તેને જોવા માટે લુઇ વિટન દ્વારા ફક્ત થોડાક પસંદગીના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ રફ હીરો ૧૭પ૮ કૅરેટનો છે અને કદમાં તે ટેનિસ બોલ જેવડો છે અને તેનું વજન પ૩૦ ગ્રામ છે. આ હીરો બોત્સવાનામાં કેનેડા દ્વારા સંચાલિત એક ખાણમાંથી ગયા વર્ષે મળી આવ્યો હતો. લુઇ વિટને જાહેર કર્યું છે કે તેણે આ હીરો ખરીદી લીધો છે. જો કે તે માટે તેણે કેટલી કિંમત ચૂકવી તે જણાવ્યું નથી.

આ હીરા કરતા અત્યારે વિશ્વમાં ફક્ત એક જ હીરો મોટો છે, કુલીનન નામનો તે હીરો ૩૧૦૦ કૅરેટનો છે અને ૧૯૦પના વર્ષમાં તે દક્ષિણ આફ્રિકાની એક ખાણમાંથી મળી આવ્યો હતો. સેત્સવાનાની સ્થાનિક ભાષામં સેવેલોનો અર્થ દુર્લભ એ પ્રકારનો થાય છે. આ કાચા હીરા સેવેલોને હવે કાપીને તેમાંથી નાના હીરાઓ બનાવીને તે લુઇ વિટન દ્વારા ફાઇન જ્વેલરીના કલેકશનમાં મૂકવામાં આવશે.

ચીન જાઓ તો જાહેરસ્થળોએ આ ન પહેરતા નહીં તો અસભ્ય ગણા્શો

ચીની અધિકારીઓ દ્વારા પાયજામા પહેરેલા નાગરિકોને ‘અસભ્ય’ કહેવાના મામલે વિવાદ ચગી ગયો છે. ચીને આ મામલે ઓનલાઇન ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. ચીનના એક શહેરમાં અધિકારીઓએ જાહેર સ્થળોએ પાયજામો પહેરવાને અસભ્ય અને શરમજનક ગણાવ્યું હતું. જનતાએ આનો સખત વિરોધ કર્યા બાદ અધિકારીઓએ માફી માગવી પડી હતી. સુઝોઉ શહેરના અધિકારીઓએ તાજેતરમાં નાઇટવેરમાં સાત લોકોની તસવીર જારી કરી હતી અને એક પબ્લિક કેમ્પેન હેઠળ તેને અસભ્ય વ્યવહાર જાહેર કરી દીધો હતો.

સોમવારે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, આ તસવીરો છપાયા બાદ લોકોએ આરોપ લગાવ્યો હતો કે સરકાર ડ્રેસ કોડ થોપીને તેમની પ્રાઇવેસીમાં હસ્તક્ષેપ કરી રહી છે. ઓનલાઇન ‘શેમિંગ’માં પાયજામા વાળી તસવીર પણ સામેલ હતી જેને સર્વેલન્સ કેમેરાએ ઝડપી હતી. આના ઉપરાંત તે વ્યક્તિનું નામ, ઓળખ પત્ર, અને બીજી જાણકારીઓ સામેલ હતી.

હાલમાં જ ચીનના સર્વેલન્સ ટેકનોલોજીમાં વધારો જોવા મળી રહ્યો છે. ચીનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખાસ કરીને ફેશિયલ રિકગ્નિશન ટેકનોલોજીમાં અબજો ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે. સુરક્ષાની રીતે આ ટેકનોલોજી જાહેર સ્થળોએ લાગુ કરવામાં આવી છે.

રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે બે વર્ષ પહેલા દેશમાં 170 મિલિયન સીસીટીવી કેમેરા હતા જ્યારે 2020 ના અંત સુધીમાં, વધુ 400 મિલિયન કેમેરા ચીનમાં સ્થાપિત થવાની ધારણા છે. આમાંના ઘણા કેમેરા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ છે, જે બતાવે છે કે કેમેરામાં કેદ વ્યક્તિની ઓળખ બહાર આવી છે.

2 અબજ વર્ષ પહેલાના ઉલ્કાપાતથી સર્જાયેલી પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની 43 માઇલ પહોળી યારાબુબ્બા ખીણ

ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ ભાગમાં આવેલ યારાબુબ્બા નામની ખીણ બે અબજ વર્ષ કરતા વધુ સમય પહેલા થયેલા એક ઉલ્કાપાતથી સર્જાઇ હોવાનું ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે. વિશ્વમાં અવકાશી પદાર્થ પડવાથી સર્જાયેલ આ સૌપ્રથમ ખીણ છે હોવાનું કહેવાયું છે.

પૃથ્વી પર કોઇ અવકાશી પદાર્થ પડવાની સૌપ્રથમ અસર તરીકે આ ખીણને ગણવામાં આવે છે. પર્થની કર્ટિન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની એક ટુકડીએ ૪૩ માઇલ પહોળી આ ખીણની વય નક્કી કરવા માટે તેની અંદરના ખનીજોનું આઇસોટોપિક એનૅલિસિસ હાથ ધર્યું હતું.

આ વિશ્લેષણ પરથી જાણવા મળ્યું હતું કે ૨.૨૨૯ અબજ વર્ષ પહેલા ત્રાટકેલી ઉલ્કાની અસરથી આ ખીણ સર્જાઇ હતી. આ યારાબુબ્બા ખીણ આમ તો અત્યાર સુધી ઉલ્કાપાતની અસરથી સર્જાયેલ સૌથી જૂની ખીણ તરીકે જાણીતી જ હતી પણ તેની ચોકકસ વય અત્યાર સુધી નક્કી થઇ શકી ન હતી.

વિશ્વ વિક્રમી મહાકાય ચોકલેટ કૅન્ડી બાર : વજન છે માત્ર બે મેટ્રિક ટનથી વધુ

તમારે ચોકલેટ કેન્ડી ખાવી હોય તો કેટલાી ખાઇ શકો? તમને થશે કે આ કેવો વિચિત્ર સવાલ છે. પણ એવો સવાલ કરવાનું કારણ એ છે કે  હાલમાં એક ચોકલેટ બનાવતી કંપનીએ એવી મહાકાય  વિશ્વવિક્રમી ચોકલેટ કેન્ડી બાર બનાવી છે કે જેનું વજન એક બે કિલો કે 100 કિલો નથી પણ બે મેટ્રિક ટનથી વધુ છે અને તેને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસનું સૌથી મોટી ચોકલેટ કેન્ડીનું સર્ટીફિકેટ મળ્યું છે.

જાણીતી ચોકલેટ કંપની સ્નિકર્સ દ્વારા હાલમાં એક મહાકાય કૅન્ડી બનાવવામાં આવી છે. આ કૅન્ડી બારનું વજન ૨૧૪૪ કિલોગ્રામ કરતાં પણ થોડું વધુ થયું છે અને તેને વિશ્વની સૌથી મોટી ચોકલેટ કૅન્ડી તરીકે ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકર્ડસમાં સ્થાન મળ્યું છે. સ્નિકર્સ દ્વારા આ કૅન્ડી બાર બનાવવા માટે પ૪૪ કિલોગ્રામ કેરેમલ, મગફળી અને નોગટના મિશ્રણનો તથા લગભગ ૧પ૮૭ કિલોગ્રામ ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ કૅન્ડી બારને પૈંડાવાળા એક સ્ટેન્ડ પર મૂકવામાં આવ્યું હતું. પોતાના આ વિશાળ કૅન્ડી બારને સ્નિકર્સ કંપની દ્વારા સુપર બાઉલ એલઆઇવી કોમર્શિયલ એડમાં પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ વિશાળ કૅન્ડી બારની નોંધ લેતા ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડસ દ્વારા સોશ્યલ મીડિયા પર લખવામાં આવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા ચોકલેટ નટ બારના સર્જન માટે સ્નિકર્સને અભિનંદન. જેનું વજન ૪૭૨૮ પાઉન્ડ છે, જેમાં ૩પ૦૦ પાઉન્ડ ચોકલેટ અને ૧૩૦૦ પાઉન્ડ કેરેમલ છે.