લોકસભા ચૂંટણી: ગુજરાતની 26 સીટ પર ઉમેદવારોની શોધ, કોંગ્રેસને પડી રહ્યા છે ફાંફા, ઉમેદવારો મળશે ખરા?

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરાત કોંગ્રેસની સ્થિતિ સાવ જ પાંગળી થતી જાય છે. સંગઠનમાં શૂન્યતાની સાથો સાથ કાર્યકરોની નિષ્ક્રીયતા અને નેતાઓ વચ્ચેની જૂથબંધીના કારણે લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસને ગુજરાતની 26 બેઠકો માટે 26 ઉમેદવારો મળશે કે કેમ તે અંગે પણ હવે ચર્ચા થવા લાગી છે.

કોંગ્રેસના સિનિયર આગેવાનો લોક સપંર્ક ગુમાવી ચૂક્યા છે. લોકો વચ્ચે કોંગ્રેના નેતાઓ અને કાર્યકરો પાયાની સમસ્યાઓનાં મુદ્દાને લઈ વિપક્ષ તરીકે અસરકારક કામગીરી કરતાં દેખાઈ રહ્યા નથી. આમ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જોતાં ગુજરાતની 26માંથી 26 સીટો અત્યારથી ભાજપને તાસક પર ધરી દીધી હોય એવો માહોલ બની ગયો છે.

ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવાના દેખીતા સંગઠનિક સ્તરે પ્રયાસો થઈ રહ્યા હોવાની પ્રતિતિ થઈ રહી નથી. વર્ષોથી કોંગ્રેસનું કામ કરી રહેલાં કાર્યકરો હવે કોંગ્રેસથી થાક્યા હોય અને નવા પ્રયાસો કરતાં જોવા મળી રહ્યા છે. કેટલાક કાર્યકરો તો હવે ભાજપમાં જોડાવાનો પણ વિચાર કરી રહ્યા છે તો કેટલાક આમ આદમી પાર્ટી તરફ ફંટાઈ રહ્યા છે.

ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ પાછળ અનેક કારણો હોઈ શકે છે પણ મહત્વનું કારણ એ છે કે હાર બાદ સંગઠનને જોરથી ધબકતું રાખવાની જરુરના બદલે હજુ પણ આગેવાનો જૂથબંધીમાં રચ્યા-પચ્યા છે. કોંગ્રેસની આ જૂથબંધી લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસનો એકડો જ કાઢી નાંખે તેવી ભીંતિ ખુદ કોંગ્રેસના કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી સાપુતારા 219 કરોડથી વધુના ખર્ચે 95 કિ.મી લંબાઈનો રસ્તો બનશે

ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારા આ બંને મહત્ત્વના પ્રવાસન સ્થળોને જોડતા ૯૫ કિલોમીટર લંબાઇના માર્ગના નિર્માણ માટે પ્રથમ તબક્કામાં રૂ. ૨૧૭.૧૯ કરોડના રસ્તાનાં કામો મંજૂર કરવામાં આવ્યાની વિગતો વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં
આવી હતી.

ગુજરાતમાં ૧૫મી વિધાનસભાનું બીજું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાના કામ અંગે પુછેલા સવાલનો લેખિતમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જે મુજબ પ્રથમ તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ૯૫ કિલોમીટર લંબાઇના માર્ગ માટે રૂ.૨૧૯.૧૭ કરોડના રસ્તાનાં કામો મંજૂર કરવામાં આવ્યા છે.

આ રસ્તો બનવાથી સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સીધું જોડાણ થશે. જેના કારણે સમય અને ઈંધણની બચત થશે. તેમજ ટ્રાફિકનું ભારણ પણ ઘટશે. આ ઉપરાંત, આ રસ્તાઓ સાથે સંકળાયેલા પૂર્વ પટ્ટીના સરહદીય વિસ્તારનાં શહેરો, ગામડાઓ તથા પ્રવાસન સ્થળોનો વધુ વિકાસ થશે.

સીંગતેલના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓ નારાજઃ ડબ્બે ઝીંકાયો 60 રુપિયાનો ભાવ વધારો

ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે અને ૧૦ દિવસમાં સીંગતેલના ડબ્બે રૃપિયા ૬૦ નો વધારો ઝીંકાયો હોવાથી ગૃહિણીઓ નારાજ છે. કપાસિયા, પામોલીન તેલના ભાવ યથાવત્ રહ્યા છે, પરંતુ સીંગતેલના ભાવ લોકોને દઝાડી રહ્યા છે.

ગુજરાતની પ્રજા પર એક પછી એક મોંઘવારીનો માર લાગી રહ્યો છે. સીંગતેલના ભાવ લોકોને દઝાડી રહ્યા છે. સતત વધી રહેલા ભાવ અંકુશમાં નથી આવી રહ્યા. સીંગતેલના ભાવમાં ભડકો થતાં ગૃહિણીમાં નારાજગી જોવા મળી રહી છે અને તેમના બજેટ પર પણ અસર પડી છે.

સીંગતેલના ભાવમાં વધારો થતા ડબ્બો ફરી ફરી ૩ હજારથી નજીક પહોંચ્યો છે. રાજ્યના લોકો મોંઘવારીનો માર પહેલેજી જ સહન કરી રહ્યા છે તેવામાં આજે ફરી એકવાર સીંગતેલના ભાવમાં ભડકો થયો છે. દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીને કારણે સામાન્ય લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે સીંગતેલમાં ૧૦ જ દિવસમાં ડબ્બે ૬૦ રૃપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં તેલિયા રાજા બેફામ બન્યા છે અને સીંગતેલના ભાવો સતત સળગી રહ્યા છે.

રાજ્યમાં સીંગતેલના ભાવમાં ફરી એકવાર વધારો થતાં ગૃહિણીઓના બજેટ પર અસર પડી છે. છેલ ૦ દિવસમાં જ સીંગતેલમાં ડબ્બે ૬૦ રૃપિયા વધારી દેવામાં આવ્યા છે. સીંગતેલમાં ભાવ વધતા નવો ભાવ ર૯પ૦ થયો છે, જો કે કપાસિયા, પામોલીન તેલના ભાવ યથાવત્ રાખવામાં આવ્યા છે. કપાસિયાનો ડબ્બો ૧૮૧૦ રૃપિયા તો પામોલીનનો ડબ્બો ૧પ૪પ રૃપિયા છે.

સતત વધી રહેલા ભાવનું કારણ સંગ્રહખોરી અને સટ્ટાબજાર પણ જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાજ્યમાં મગફળીનું મબલખ ઉત્પાદન થયા હોવા છતાં સીંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

ગુજરાતમાં TET-1 ની 16 એપ્રિલ અને TET-2 ની 23મી એપ્રિલે લેવાશે પરીક્ષા

શિક્ષણ વિભાગ દ્વારા ટેટ-૧ અને ટેટ-ર ની યોગ્યતા કસોટીની તારીખ જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા ટેટ-૧ અને ટેટ-ર ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. રાજ્યની સરકારી શાળામાં ખાલી પડેલી પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે પરીક્ષા લેવામાં આવશે.

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટેની ટેટ-૧ અને ટેટ-ર માટેની યોગ્યતા કસોટીની તારીખ આજે જાહેર કરવામાં આવી છે. ટેટ-૧ અને ટેટ-ર માટે ઓનલાઈન અરજી અન્વયે બન્નેની યોગ્યતા કસોટી એપ્રિલમાં યોજવામાં આવશે. ટેટ-૧ કસોટી આગામી એપ્રિલની ૧૬ મી તારીખના યોજાશે જ્યારે ટેટ-ર કસોટી આગામી એપ્રિલની ર૩ મી તારીખે યોજાશે.

રાજ્યભરમાંથી ટેટ-૧ માટે અંદાજે ૮૭ હજાર અને ટેટ-ર માટે અંદાજે ર લાખ ૭ર હજાર જેટલા ઉમેદવારો કસોટી આપશે. પ્રાથમિક શિક્ષણ બનવા માટે ટેટ-૧ અને ટેટ-ર કસોટી પાસ કરવી ફરજિયત છે. ધોરણ ૧ થી પ મા શિક્ષકની નોકરી માટે ઉમેદવારોએ ટેટ-૧ પરીક્ષા પાસ કરવી પડે છે અને ધોરણ ૬ થી ૮ મા શિક્ષક બનવા માટે ટેટ-ર ની પરીક્ષા પાસ કરવી પડે છે.

 

ગુજરાતમાં નવી 21 GIDC બનાવવાની સરકારની જાહેરાત, બનાસકાંઠાના થરાદ, વડગામ, લવાણા, ભિલડી, પાલનપુરને નવી GIDC મળશે

સરકારે વધુ એક મહત્વની જાહેરાત કરી છે. રાજ્યમાં નવી ૨૧ GIDCબનાવવાની જાહેરાત કરાઈ છે. સત્રમાં ઉદ્યોગ વિભાગની માંગણીઓ પરના જવાબમાં મહત્વની જાહેરાત કરાઈ છે. જેમાં અમદાવાદના ગાંગડને નવી GIDC મળશે.બનાસાકાંઠાના થરાદ, વડગામ, લવાણા, ભીલડી, પાલનપુરમાં નવી GIDC બનશે તેવી જાહેરાત કરાઈ છે. પાટણના સિદ્ધપુર અને સાંતલપુર તેમજ રાજકોટના વિંછિયામાં નવી જીઆઈડીસી બનશે.

ભરૂચના આમોદ તેમજ મહેસાણાના જોટાણા તથા નાની ભલુમાં જ્યારે ગાંધીનગરના કડજોદરા નવી જીઆઈડીસી સ્થાપાશે. છોટા ઉદેપુરના લડોદમાં અને  અમરેલીના સાવરકુંડલા તેમજ ગીર સોમનાથના નવા બંદર માં નવી GIDC માં બનાવવાની જાહેરાત કરાઈ છે. ખેડાના ઠાસરા પણ નવી GIDC બનશે.

ઉદ્યોગ વિભાગ જમીનની ઉપલબ્ધતાનો માટે અભ્યાસ કરાશે તેમજ ઉદ્યોગ સ્થાપના માટે આનુષંગિક વ્યવસ્થાનો પણ અભ્યાસ કરવામાં આવશે. ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે ગૃહમાં જાહેરાત કરી છે. રાજ્યમાં નવી ૨૧ GIDC બનાવવાની જાહેરાત કરાઈ છે ત્યારે આ નિર્ણયથી રોજગારીની તકો વધશે.

મેડિક્લેમની રકમ મેળવવા હોસ્પિટલમાં દાખલ થવાની જરુર નથી : ગ્રાહક કોર્ટનો ઐતિહાસિક નિર્ણય

ગુજરાતના વડોદરા શહેરની એક ગ્રાહક કોર્ટે મેડિક્લેમ વિમાના એક પ્રકરણમાં મોટો નિર્ણય જાહેર કર્યો છે. ગ્રાહક કોર્ટે આપેલા આ નિર્ણય મુજબ મેડિક્લેમની રકમ મેળવવા માટે વ્યક્તિને દવાખાનામાં દાખલ કરવો પડશે કે પછી 24 કલાક સુધી એ દર્દી હોસ્પિટલમાં દેખરેખમાં હોવો જોઇએ તેવું જરુરી નથી. આવા જ એક કિસ્સામાં ગ્રાહક કોર્ટે મેડિક્લેમ કરનારી કંપનીને દર્દીને પૈસા આપવા માટે આદેશ આપ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના રમેશચંદ્ર જોશીએ 2017માં કન્ઝુમર ફોરમમાં એક મેડિક્લેમ કરી આપતી કંપનીના વિરોધમાં ફરિયાદ કરી હતી. જોશીએ એવો દાવો કર્યો હતો કે તેમની પત્નીને 2016માં ડર્મેટોમાયોસાઇટિસ થયો હતો. તેમને અમદાવાદના લાઇફકેર ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમની પત્નીને બીજા દિવસે રજા આપવામાં આવી હતી.

આ અંગે એક અંગ્રેજી વેબ પોર્ટલ પર આવેલી માહિતી મુજબ જોશીએ કંપની પાસે 44 હજાર 468 રુપિયાનું બિલ રજૂ કર્યુ હતું. જોકે વિમા કંપની દ્વારા જોશી દ્વારા કરવામાં આવેલ દાવો ફગાવી દેવામાં આવ્યો હતો. કંપનીએ આ અંગે એવું કારણ આપ્યું હતું કે દર્દીને સળંગ 24 કલાક સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નહતા. કંપનીએ દાવો ફગાવી દેતા જોશીએ વિમા કંપનીના વિરોધમાં કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ કરી હતી. ગ્રાહક કોર્ટે એ વાત સ્વીકારી હતી કે દર્દીને 24 કલાક કરતા ઓછા સમય માટે દાખલ કરવામાં આવ્યા હતા. છતાં તેઓ વિમાની રકમ મેળવવા પાત્ર છે. હાલમાં સારવાર પદ્ધત્તિ ખૂબ વિકસીત થઇ ગઇ છે. તબીબો એ પ્રમાણે જ સારવાર કરે છે. આવું નિરિક્ષણ કોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું હતું.

કોર્ટે વિમા કંપનીને ક્લેમના 44 હજાર 468 રુપિયા આપવાનો આદેશ કર્યો હતો. સાથે સાથે જે તારીખે ક્લેમ ફગાવી દેવામાં આવ્યો હતો એ તારીખ થી આજ સુધી એના પર 9 ટકા લેખે વ્યાજ ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો. એટલું જ નહીં પણ વિમા કંપનીને કારણે થયેલા માનસિક ત્રાસ માટે 3 હજાર રુપિયા અને કેસ ચલાવવા માટે 2 હજાર રુપિયા એમ કુલ 5 હજાર રુપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

બનાસકાંઠામાં ખાનગી હોસ્પિટલમાં આગ લાગી, એક બાળકનું મોત, બેની હાલત નાજુક

બનાસકાંઠા જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. કાંકરેજ તાલુકાના શિહોરીમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં આગ લગતા ICUમાં દાખલ 4 દિવસના બાળકનું મોત નીપજ્યું છે. ICUમાં દાખલ અન્ય બે બાળકોની હાલત નાજુક છે. બાળકોને સરકારી હોસ્પીટલમાં દાખલ કર્યા બાદ ડીસાની હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે.

ઘટના દરમિયાન સરકારી હોસ્પિટલના ડોકટરની બેદરકારી પણ સામે આવી છે. અસરગ્રસ્ત બાળકોને સરકારી હોસ્પિટલમાં લઇ જવાતા ત્યાં ડોક્ટર જ હાજર ન હતા. લોકો ડોક્ટરને ઘરે બોલાવવા ગયા હત તો ડોકટરે તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. સરકારી ડોક્ટરની બેજવાદારીના વિરોધમાં લોકોનો રોષ ભભૂકી ઊઠ્યો હતો અને સરકારી હોસ્પિટલમાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. લોકો ડોક્ટરની બદલીની માંગ કરી રહ્યા છે. પોલીસે અને સ્થાનિક આગેવાનોએ લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

શિહોરીમાં આવેલી હની હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી હતી. આગ લાગી એ સમયે ICUમાં ત્રણ બાળકો એડમિટ હતા. આગમાં 4 દિવસના એક બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બાળકોને ગંભીર અસર થતા ડીસાની હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. શોર્ટ સર્કિટથી આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ગુજરાતના વાતાવરણમાં પલટો: કમોસમી વરસાદ સાથે આ વિસ્તારમાં કરા પડવાની આગાહી

સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગુજરાતભરમાં માર્ચ મહિનામાં જ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો, અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એવામાં રાજ્યના અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે ભારે પવન ફુકવાની અને કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

હવમાન વિભાગે આપેલી માહિતી મુજબ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલીમાં 41 થી 61 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે સામાન્ય મધ્યમ વરસાદ પડશે આ સાથે કરા પડવાની પણ સંભાવના છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ, જામનગર, ભાવનગર, મોરબી, સુરત અને કચ્છમાં ભારે પવન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતી કાલે 16મી માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, બોટાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની થવાની સંભવાના વ્યક્ત કરવામાં આવી છે.

આ પહેલા થયેલા માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકશાન પહોંચ્યું છે ત્યારે હજુ પણ આગામી 5 દિવસ વરસાદનો આગાહી કરાતા ખેડૂતો ચિંતામાં ડૂબી ગયા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ ખેડૂતોને તૈયાર થયેલા પાકને યોગ્ય જગ્યા પર રાખી દેવા માટે સૂચના આપવામાં આવી છે.

આ કારણે ગુજરાત વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો, ફેક્ટ ફાઈન્ડીંગ સમિતિનો રીપોર્ટ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યની કુલ 182 વિધાનસભા બેઠકો પૈકી કોંગ્રેસ માત્ર 17 બેઠક પર જ જીત મેળવી શકી હતી. ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસનું આ અત્યાર સુધીનું સૌથી નબળુ પ્રદર્શન હતું. હારના કારણો શોધી કાઢવા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ફેક્ટ ફાઇડીંગ સમિતિની રચના કરી. સમિતિના રીપોર્ટમાં કોંગ્રેસની હારના અનેક કારણો બહાર આવ્યા છે.

નિતિન રાઉતના અધ્યક્ષ સ્થાને બનેલી સમિતિમાં શકિલ અહેમદ અને સપ્તગીરી ઉલાકાનો સમાવેશ કરાયો હતો. ફેક્ટ ફાઇડીંગ સમિતિની અમદાવાદ, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે બેઠકો યોજવામાં આવી હતી. સમિતિએ તૈયાર કરેલો રીપોર્ટ દિલ્હી હાઈ કમાન્ડ સમક્ષ રજુ કરવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખથી લઈ સ્થાનિક નેતાઓ ચૂંટણીમાં હાર માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. તેમજ પ્રદેશ પ્રભારીથી લઈ સહપ્રભારી પણ શંકાના દાયરામાં આવી ગયા છે.

સમિતિના રીપોર્ટમાં અનેક મુદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમકે વિધાનસભા ચૂંટણીમાં એઆઈસીસી અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે સંકલનનો સદંતર અભાવ રહ્યો હતો. આ સાથે ગુજરાત કોંગ્રેસ અને ઉમેદવારો વચ્ચે પણ સંકલનનો અભાવ રહ્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા કાંગ્રેસ વચ્ચે સંકલનનો અભાવ રહ્યો હતો.

સમિતિએ ચૂંટણીમાં હાર માટે ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસની ઢીલી નીતિ જવાબદાર ગણાવી તેમજ છેલ્લી ઘડી સુધી ઉમેદવાર જાહેર ન કરવાથી કોંગ્રેસને નુકસાન થયુ છે. ચૂંટણી માટેના જરૂરી રીસોર્સ ઉમેદવારો સુધી મોડા પહોચ્યા હતા. એઆઈસીસી દ્વારા આપવામાં આવેલા ચૂંટણી ફંડ઼ની અનિયમિત વહેચણી થઇ હોવાનું પણ સામે આવ્યું છે. કેટલાક ઉમેદવારને ભરપુર માત્રમાં ફંડ મળ્યુ તો કેટલાકને માત્ર 20 લાખ રૂપિયા જ ફંડ મળ્યું હતું.

સમિતિની પૂછપરછ દરમિયાન ઉમેદવારોએ પ્રભારી અને સહપ્રભારીની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે. ચૂંટણી દરમ્યાન પ્રચાર સાહિત્ય ન પહોચ્યુ તે ફરિયાદ ઉઠી હતી. ગુજરાતને સ્ટાર પ્રચારકો ન મળ્યા. ગુજરાત કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી બૂથ સમિતિઓ માત્ર કાગળ પર રહી હતી.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આગામી સમયમાં કોંગ્રસ પક્ષમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.

RSSના વિદ્યા મંદિરો સહિત 18 સંસ્થાઓ સાથે અદાણી વર્લ્ડ સ્કૂલ 100 નવી સૈનિક સ્કૂલો શરુ કરશે

કેન્દ્ર સરકારે સોમવારે માહિતી આપી હતી કે એનજીઓ, ખાનગી શાળાઓ અને રાજ્ય સરકારી શાળાઓ સાથે ભાગીદારીમાં 100 નવી સૈનિક શાળાઓ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી 18 સૈનિક સ્કૂલ સોસાયટી સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી છે.

સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટના જણાવ્યા અનુસાર, સૈનિક સ્કૂલ સોસાયટીએ જે 18 સ્કૂલો સાથે એમઓયુ કર્યા છે. તેમાં આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં આવેલી ‘અદાણી વર્લ્ડ સ્કૂલ’નો પણ સમાવેશ થાય છે. અન્ય શાળાઓમાં બિહારના સમસ્તીપુરમાં સુંદરી દેવી સરસ્વતી વિદ્યા મંદિર અને પટનામાં સરસ્વતી વિદ્યા મંદિરનો સમાવેશ થાય છે.

નોંધપાત્ર રીતે, સમસ્તીપુરનું સરસ્વતી વિદ્યા મંદિર વિદ્યા ભારતી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની શૈક્ષણિક સંસ્થા રામકૃષ્ણ શૈક્ષણિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત ખાનગી ક્ષેત્રની શાળા છે. એ જ રીતે પટના સ્થિત સરસ્વતી વિદ્યા મંદિર પણ વિદ્યા ભારતી દ્વારા સંચાલિત છે.

કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય દિગ્વિજય સિંહે પૂછ્યું હતું કે શું ભારત સરકારે NGO અને ખાનગી શાળાઓને દેશમાં ખાનગી પબ્લિક પાર્ટનરશિપ (PPP) મોડમાં સૈનિક શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપી છે? અને જો એમ હોય તો દેશમાં આવી કેટલી સૈનિક શાળાઓ ખોલવાની છે.

જવાબમાં ભટ્ટે કહ્યું, “હા. સરકારે પહેલ કરી છે અને દેશમાં એનજીઓ, ખાનગી શાળાઓ, રાજ્ય સરકારી શાળાઓ સાથે ભાગીદારી મોડમાં 100 નવી સૈનિક શાળાઓ સ્થાપવાની મંજૂરી આપી છે.

તેમણે કહ્યું કે સૈનિક સ્કૂલ સોસાયટીએ આ યોજના હેઠળ 18 નવી સૈનિક સ્કૂલો સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. અદાણી વર્લ્ડ સ્કૂલ, નેલ્લોર, આંધ્રપ્રદેશ, તવાંગ પબ્લિક સ્કૂલ, તવાંગ, અરુણાચલ પ્રદેશ, સુંદરી દેવી સરસ્વતી વિદ્યા મંદિર, સમસ્તીપુર, બિહાર અને સરસ્વતી વિદ્યા મંદિર, પટના, ગુજરાત, સંરક્ષણ પ્રધાન દ્વારા પ્રદાન કરવામાં આવેલી શાળાઓ અને સંસ્થાઓની યાદીમાં બ્રહ્માનંદ જૂનાગઢ ખાતે વિદ્યા મંદિર અને મહેસાણા ખાતે મોતીભાઈ આર ચૌધરી સાગર સૈનિક સ્કૂલ, હરિયાણાના ફતેહાબાદ ખાતે રોયલ ઈન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રોહતક ખાતે બાબા મસ્તનાથ આયુર્વેદિક અને સંસ્કૃત એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ, હિમાચલ પ્રદેશના સોલન ખાતે રાજલક્ષ્મી સંવિદ ગુરુકુલમ, સાંગોલ્લી રાયન્ના, બેલાગીન, કર્ણાટક ખાતે. શાળા (રાજ્ય સરકાર સંચાલિત શાળા) અને મૈસુરમાં વિવેકા સ્કૂલ ઓફ એક્સેલન્સ.

આ ઉપરાંત વેદવ્યાસ વિદ્યાલયમ સિનિયર સેકન્ડરી સ્કૂલ, કોઝિકોડ, કેરળ, સરસ્વતી વિદ્યા મંદિર હાઈ સેકન્ડરી સ્કૂલ, મંદસૌર, મધ્યપ્રદેશ, પીડી ડૉ. વિખે પાટીલ સૈનિક સ્કૂલ, અહેમદનગર, મહારાષ્ટ્ર અને એસકે ઈન્ટરનેશનલ સ્કૂલ, સાંગલી, દયાનંદ પબ્લિક સ્કૂલ, પટિયાલા, આ યાદીમાં પંજાબનો પણ સમાવેશ થાય છે.શાળાઓમાં સિલ્વર સિટી નાભા, તમિલનાડુના તુતીકોરીનમાં ધ વિકાસ સ્કૂલ અને સિલ્વાસા, દાદરા અને નગર હવેલીમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ મિલિટરી એકેડમીનો સમાવેશ થાય છે.