ગુજરાતી સિંગર કિંજલ દવે જોડાઈ ગઈ ભાજપમાં

ગુજરાતની સુપ્રસિદ્વ લોકગાયિકા અને પોપ સિંગર કિંજલ દવેએ આજે ભાજપ જોઈન કર્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને પ્રવક્તા ભરત પંડ્યાની હાજરીમાં કિંજલ દવેએ ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે.

ચાગ બંગડીવાળી ગાડીથી પ્રખ્યાત થયેલી કિંજલ દવેને ભાજપમાં આવકાર આપવામાં આવ્યો હતો. ગુજરાતી સિંગીંગમાં કિંજલ દવેએ નવા જ પ્રકારના પ્રયોગો કર્યા છે. સિંગીંગ બાદ કિંજલ દવેની નવી ઈનિંગ્સ રાજકારણમાં શરૂ થઈ છે. કિંજલ દવેએ ભાજપમાં જોડાયા બાદ પક્ષ માટે કામ કરવાની લાગણી વ્યક્ત કરી હતી.

પાટણ: આત્મહત્યા કરનારી મહિલા 14 વર્ષ બાદ નીકળી જીવતી અને ખૂલ્યું હત્યાનું રહસ્ય, વાંચો સનસનાટીપૂર્ણ ઘટનાને…

ગુજરાતના પાટણ સ્થિત બાલવા ગામમાં એક એવો સનસનાટીપૂર્ણ બનાવ સામે આવ્યો છે કે વાંચીને ચોંકી જવાય છે. હકીકતે 14 વર્ષ પહેલાં બલવા ગામની વિવાહિતાએ આત્મહત્યા કરી હોવાનું નોંધાયું હતું. પણ આજે 14 વર્ષ બાદ એ જ મહિલા જીવતી નીકળી છે. પોલીસે જ્યાર મહિલાની ધરપક જ કરી તો આખીય ઘટના પરથી પરદો ઉંચકાયો હતો.

ઘટના એવી છેક આજથી 17 વર્ષ પહેલાં નજીકના ગામની ભીખીબેન પંચાલના લગ્ન થયા હતા. લગ્નકાળમાં30 વર્ષીય ભીખીબેને પુત્રને જન્મ આપ્યો હતો. આ દરમિયાન ભીખીબેનની મુલાકાત આ જ ગામના વિજુભા રાઠોડ સાથે થઈ હતી. બન્ને વચ્ચે પ્રેમ થયો. પણ ભીખીબેન પહેલાંથી વિવાહિત હોવાથી બીજા લગ્ન કરવાનું મુશ્કેલ હતું. જેથી કરીને બન્નેએ એક ખતરનાક ખેલ કર્યો અને પ્લાન બનાવ્યો.

6 ફેબ્રુઆરી-2005માં ભીખીબેન અને તેના પતિ વચ્ચે સામાન્ય ઝઘડો થયો. ભીખીબેન નારાજ થઈને પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ હતી. પણ જ્યારે રાત્રે ઘરના લોકો ભીખીબેનને જોવા ગયા તો તે રૂમમાં ન હતી. શોધખોળ કરી તો ઘરની પાછળથી મહિલાની લાશ મળી. મહિલાનો ચેહેરો ઓળખી શકાય એમ ન હતો. પણ કપડા ભીખીબેનના પહેર્યા હતા. જેના કારણે પરિવારના લોકએ લાશ ભીખીબેનની હોવાનું માની લીધું. પરિવારજનોને લાગ્યું કે ભીખીબેને ઝઘડાના કારણે કેરોસીન છાંટી અગન પિછોડી ઓઢી લીધી છે.

તે સમયે પોલીસે આત્મહત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પરિવારના લોકો પણ આત્મહત્યા માની રહ્યા હતા. પણ અચાનક કેટલાક દિવસ બાદ ભીખીબેનના પતિના મિત્ર મહેસાણા ખાતે કોઈ કામ માટે આવ્યા હતા. ત્યારે તેમણે ભીખીબેનને જોઈ. મહેસાણામાં ભીખીબેન પ્રેમી વિજુભા રાઠોડ સાથે ઓળખ બદલીને 2005થી રહેતી હતી.

પોલીસે ભીખીબેનની ધરપકડ કરી. પૂછપરછમાં બહાર આવ્યું કે વિજુભા રાઠોડ અને તેના મિત્રોએ મળીને માનસિક રીતે બિમાર મહિલાનું અપહરણ કર્યું હતું અને ગળું દબાવી તેની હત્યા કરી હતી. ત્યાર બાદ તેના ચહેરા પર કેરોસીમ છાંટી સળગાવી દેવામાં આવી હતી, જેથી કરીને કોઈ ઓળખી શકે નહીં. હવે 14 વર્ષ બાદ ભીખીબેન, વિજુભા રાઠોડ સહિત તેના બે મિત્રોની પોલીસે હત્યા ગુનામાં ધરપકડ કરી છે.

સામૂહિક દુષ્કર્મના મામલે અમદાવાદ છે નંબર વન, જાણો બીજા નંબર ક્યું શહેર છે?

ગુજરાત વિધાસભામાં દુષ્કર્મના બનાવો અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જવાબ આપ્યા હતા. ગુજરાતમાં દુષ્કર્મની ફરીયાદોનો આંકડો ચોંકાવનારો બન્યો છે. જોકે, પોલીસ વિભાગે મોટાભાગના કેસોમાં દાખલારૂપ કાર્યવાહી કરી છે.

ગુજરાતમાં ગયા પાંચ વર્ષ દરમિયાન સામૂહિક દુષકર્મની કુલ 97 ઘટનાઓ બની છે. જેમાં 15 બનાવો અમદાવાદમાં બન્યા છે. અમદાવાદ નંબર એક પર છે. આવી ઘટનાઓમાં 23 આરોપીઓને હજુ સુધી પકડી પાડવામાં આવ્યા નથી. નવ બનાવ સાથે સુરત બીજા નંબરે છે જ્યારે સાત ઘટના સાથે પંચમહાલ ત્રીજા નંબરે છે.

કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ જવાબ આપ્યો હતો. અમદાવાદમાં રાત્રે પણ મહિલાઓ કશે પણ હરીફરી શકે છે તેવા દાવાને આવા બનાવોએ ખોટા સાબિત કર્યા છે.

ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં સાત વર્ષમાં સામૂહિક દુષકર્મની કુલ 97 ઘટના બની છે. આ મામલે અત્યાર સુધી 408 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 23 આરોપી ફરાર છે. અમદાવાદમાં સૌથી વધુ 15, સુરતમાં 9, પંચમહાલમાં સાત, ગીર-સોમનાથમાં પાંચ, રાજકોટમાં પાંચ, ભાવનગરમાં ચાર અને દાહોદમાં ચાર બનાવ નોંધાયા છે.

વિધાનસભામાં જિજ્ઞેશ મેવાણી ગાજ્યા, કહ્યું “15મી ઓગ્ષ્ટ પહેલાં એક ગામને અસ્પૃશ્યતા મૂક્ત જાહેર કરીને બતાવો, એક ગામ, એક સ્મશાનની નીતિ બનાવીને બતાવો”

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની માંગણીઓ પર વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત વિધાનસભામા સરકાર આકરા પ્રહાર કર્યા હતા. ખાસ કરીને અસ્પૃશ્યતા નાબુદ કરવા માટે જિજ્ઞેશ મેવાણીએ સરકારને અનેક પ્રકારના સૂચનો તો કર્યા પણ સરકારની નીતિઓ અંગે પણ પ્રશ્નો ઉભા કર્યા હતા.

જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે આઠમા ધોરણમાં ભણતો વિધાર્થી તે છ્ઠ્ઠા ધોરણની વિધાર્થીનીને, ચબરખીમાં આઈ લવ યુ લખીને મોકલે તે કેટલો માસુમ પ્રેમ હોય. ગુજરાતના 50 લાખ દલિતોના પ્રશ્નોની સમજ મારા સાથી હિતુભાઈ કનોડીયાની એટલી જ માસુમ છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તે દલિત અને આદિવાસી સમાજનો આર્થિક ઉત્કર્ષ થાય એ માટેનું ખાતું નથી.તેનો મુળ હેતુ સામાજિક ન્યાય એટલે કે, સોશિયલ જસ્ટીસ એન્શ્યોર કરવાનો છે. તેના માટે રાજ્યની સરકારે સમાજની અંદર ઉંચ-નીચનો જે ખ્યાલ પ્રવર્તે છે અને સમાજમાં ગામે ગામ, મહોલ્લે મહોલ્લે જે અસ્પૃશ્યતા અને આભડછેટ આજે પણ જીવે છે તેને પણ ખતમ કરવાનો છે. તેના માટે આ બજેટમાં એક ફુટી કોડી રાખવામાં આવી નથી.

તેમણે કહ્યું કે નિતીનભાઇએ કહ્યું હતું કે, ચંદ્રયાન-2 મોકલ્યું, પાટલી થપ-થપાવો, પણ મને પાટલી થપથપાવવાનું એટલા માટે મન ન થયું કે, મોડર્ન સાયન્સ અને ટેક્નોલોજીના યુગમાં, ગ્લોબલાઈઝેશનના યુગમાં જ્યારે આપણે ચંદ્રયાન મોકલીએ છીએ ત્યારે એક સફાઈ કામદારે ગટરમાં ઉતરીને મરવું ન પડે તેના માટેની કોઈ ટેક્નોલોજી આપણી પાસે નથી. એટલા માટે રાજ્યની સરકારને મારા તરફથી ઓફર કરું છું કે, તમે લેખિતમાં બાંહેધરી આપો કે, હું જિજ્ઞેશ મેવાણી તમને 11 લાખનું કેરળમાં શોધાયેલું રોબોર્ટ ગિફ્ટ આપવા તૈયાર છું. તમે વાપરવા તૈયાર છો ?

મેવાણીએ કહ્યું કે સફાઈ કામદારે ગટરમાં ઉતરવું ના પડે, એટલા માટે આ મારી એમને ઓફર છે. શિક્ષણ મંત્રી ભુપેંદ્રસિંહ ચુડાસમાના પ્રયત્નોને હું બિરદાવું છું કે, 14 મી એપ્રિલે દલિત સમાજની સાથે બેસે છે અને જમે છે. બહુ સરસ. ભુપેંદ્રસિંહ ચુડાસમાને ગુજરાતના 50 લાખ દલિત સમાજના હિતમાં એક વિનંતી કે તમે “એક ગામ એક સ્મશાન”ની નીતિ બને એવી યોજના લાવો.
મેવાણીએ પ્રહાર કરતા કહ્યું કે આ તો મર્યા બાદ પણ આ રાજ્યની અંદર એવી પરિસ્થિતી છે કે દલિતોને સ્મશાનમાં એક જગ્યાએ એક લાકડે બાળવા માટે તૈયાર નથી. એક ગામ એક સ્મશાનની નીતિ લાવો તો સામાજિક ન્યાય મળે.
તેમણે કહ્યું કે ગુજરાતની અંદર જ્યાં અસ્પૃશ્યતા પળાય છે, જ્યાં પણ દલિતોના વાળ કાપતા નથી, જ્યાં પણ કુવામાંથી પાણી લેવા દેતા નથી, જ્યાં પણ મંદિરમાં પ્રવેશ નથી ત્યાં રાજ્ય સરકાર પ્રોએક્ટીવલી સામે ચાલીને આ અસ્પૃશ્યતા દૂર કરવા જાય અને છતાં પણ જે લોકો અસ્પૃશ્યતા પાળે, એની સામે ‘પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ એક્ટ્’ની લાગુ પડતી કલમ મુજબ ગુનો દાખલ થાય. પરંતુ એક પણ ગુનો દાખલ થતો નથી, આ તકલીફ છે.

વિધાનસભામાં બોલતા તેમણે કહ્યું કે વર્ષ 2018ની નવમી માર્ચે નાનજીભાઇ સોંદરવા નામના રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડા ગામના એક ભાઇનું ખૂન થયું. પોતાનું ખુન થાય એની પહેલાં ત્રણ મહિના પૂર્વે વીડિયો બનાવ્યો કે, આટલા આટલા માણસો, આટલા આટલા દિવસમાં મારું ખૂન કરશે એ બાદ પણ એમનું ખૂન થયું.એટ્રોસિટી એક્ટ શું કહે છે કે, પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ એટલે દલિત અને આદિવાસીનું ખૂન થાય પછી હરકતમાં નહીં આવવાનું.એમની ઉપર અત્યાચાર ન થાય એ માટેનો સ્પેશ્યલ લેજીસ્લેશન છે. પન અહીં તો માણસ વીડિયો બનાવે કે, મારૂ ખૂન થશે છતાં એને પ્રોટેક્ટ કરવામાં આવતો નથી, અને એના એક વર્ષ બાદ એનો દિકરો સતત કહેતો રહ્યો કે, હવે મને મારી નાખશે, એનું પણ ખૂન થયું. સર્વમિત્રની છાપ ધરાવતા વિજય રૂપાણી દલિત-મિત્ર બને અને એટ્રોસિટીની ઘટનાની મુલાકાત લે અને આ 15મી ઓગષ્ટ પહેલાં ગુજરાતનું કોઈ પણ એક ગામ અસ્પૃશ્યતા મુક્ત જાહેર કરવાની માંગ કરી હતી.

ધારાસભ્યોની સીડી મામલે અહેમદ પટેલને ઝટકો આપતી હાઈકોર્ટ: પાંચ હજારનો દંડ,જાણો આખો મામલો

ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસના નેતા અહેમદ પટેલને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો કે જ્યારે તેમના વકીલે 2017માં થયેલી રાજ્યસભાની ચૂંટણી પહેલાં ધારાસભ્યો દ્વારા આપવામાં આવેલા નિવેદનોની સીડી રજૂ કરવા માટે સાક્ષીને મંજુરી આપવાની માંગ કરી હતી.

હાઈકોર્ટના જજ બેલાબેન ત્રિવેદીએ અહેમદ પટેલને દંડ ફટકારતા કહ્યું કે કોર્ટે આ પહેલાં પણ તેમની વિનંતીને ફગાવી હતી અને ફરીવાર તે જ આગ્રહ રાખવો તે કાયદાની પ્રક્રિયાનું ઉલ્લંઘન છે. અહેમદ પટેલના વકીલ પીએસ ચાંપાનેરીએ સોમવારે કહ્યું હતું કે સાક્ષી બલદેવજી ઠાકોરને સીડી રજૂ કરવા માટે મંજુરી આપવામાં આવે. આ સીડીમાં ધારાસભ્યોએ 2017ની રાજ્યસભાની ચૂંટણી પહેલા બેંગ્લુરુ રિસોર્ટમાં રોકાણ દરમિયાન આપેલા નિવેદન છે.

જજ બેલેબેન ત્રિવેદીએ કહ્યું કે કોર્ટની નજરમાં આ મામલામાં વિશેષ કશું નથી પણ પ્રતિવાદી દ્વારા કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ છે. આગળ કશી પણ વિચારણા કર્યા વિના સાક્ષી બલદેવજી ઠાકોર તરફથી સીડી રજૂ કરવાની માંગને પાંચ જૂલાઈના આદેશના અનુસંધાને ફગાવી દેવાનું યોગ્ય ઠરે છે.

કોર્ટે આદેશમાં કહ્યું કે આવા પ્રકારની માગ ફગાવી દેવા યોગ્ય છે. જેથી કરીને આ માંગ પાંચ હજારના દંડ સાથે ફગાવી દેવામાં આવે છે. પ્રતિવાદી  દ્વારા આ દંડી રકમ હવે પછીની સુનાવણી દરમિયાન જમા કરવામાં આવશે.

હાઈકોર્ટે પાંચ જૂલાઈએ આદેશ જારી કરીને સાક્ષી રોહન ગુપ્તાને પેન ડ્રાઈવ રજૂ કરવાની મંજુરી આપી ન હતી. આ પેન ડ્રાઈવમાં પણ બેંગ્લુરુ રિસોર્ટ દરિમયાન ધારાસભ્યોએ આપેલા નિવેદનોનો સમાવેશ થાય છે.

હાઈકોર્ટમાં ભાજપના રાજ્યસભાના ઉમેદવાર બલવંતસિંહ ઠાકોરની અરજી પર સુનાવણી કરવામાં આવી રહી છે. બલવંતસિંહે રાજ્યસભાની ચૂંટણી રદ્દ કરવાની અપીલ કરી છે અને કહ્યું હતું કે અહેમદ પટેલે મતદાન માટે કોંગ્રેસના ધારાસભ્યેને લાંચ આપી હતી.

“છોટા શકીલનો ખાસ છું, સુરતમાં બહુ કમાયો છે, 1.5 કરોડ રૂપિયા આપી દે જે”: સુરતના વેપારીને ધમકી

સુરતમાં વેપાર કરતા વેપારીને રાજા નામના વેપારી પાસેથી વેપારના 10 લાખ રૂપિયા 2016થી લેવાના હતાં. રઝા પોતે છેલ્લા કેટલાક સમયથી સુરત છોડીને દુબઈમાં રહે છે. થોડા દિવસ પહેલા રઝાએ સુરતના વેપારીને ફોન કરીને કહ્યું કે, તે સુરત આવવા માંગે છે. વેપારીએ કહ્યું કે સુરત આવે તો મને શું વાંધો પરંતુ સુરત આવે એટલે મને 10 લાખ આપી દેજે. ત્યાર બાદ રઝાએ કહ્યું કે, મારે કોઈ રૂપિયા આપવાના થતા નથી. મારી સાહેબ સાથે વાત થઈ છે. ત્યારે સુરતના વેપારીએ કહ્યું કે, કયા સાહેબ સાથે શું વાત થઈ છે. રઝાએ કહ્યું કે, ફોન આવી જશે. પછી સુરતના વેપારી પર દુબઈથી છોટા શકીલના ખાસ ગણાતા ફહીમ મચમચ અને અહેમદ રઝાનો ફોન આવે છે. આ બંનેએ વેપારીને ધમકી આપતા કહ્યું, 10 લાખ ભૂલી જાવો. સુરતમાં બહુ રૂપિયા કમાયા છો, દોઢ કરોડ આપી દે. ત્રણ દિવસમાં નહીં આપે તો તને પતાવી દઈશું.

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગુપ્ત ફરિયાદ લઈને આરોપી છોટા શકીલ, ફહીમ મચમચ, અહેમદ રઝા વિરુદ્ધ ખંડણી અને ધમકીની તપાસ શરૂ કરી છે. ફરિયાદ પહેલા જ આરોપી અહમદરઝા વઘારિયાની મુંબઈ પોલીસે મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરી હતી. અહમદ રઝા મૂળ સુરતનો છે. પોલીસે વેપારીની ઓળખ છતી ન થાય તેવો વિશ્વાસ અપાવ્યો હોવાથી સુરક્ષાના કારણોસર તેનું નામ જાહેર કરતા નથી.

જૂનાગઢમાં 60માંથી 54 સીટ પર ભાજપની જીત, કોંગ્રેસના સૂપડા સાફ, જીતી માત્ર એક જ બેઠક

જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ભગવો લહેરાતા ભાજપના કાર્યકરોએ વિજયની જબરદસ્ત ઉજવણી કરી હતી. ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. પાલિકી ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો જેમાં સત્તાધારી ભાજપ સામે કોંગ્રેસ અને એનસીપીના ઉમેદવારો મેદાને હતા. ચૂંટણીમાં કુલ 49.68 ટકા મતદાન થયું હતું.

આજે સવારે 9.00 વાગ્યાથી કૃષિ યુનિવર્સિટીમાં શરૂ થયેલી મતગણતરીમાં ભાજપે કાઉન્ટિંગના પ્રથમ બે કલાકની અંદર જ 15માંથી 5 વોર્ડમાં વિજય મેળવી લીધો હતો. વર્ષ 2004 બાદ ભાજપે પહેલી વાર ઐતિહાસીક જીત મેળવી હતી. સત્તાધારી ભાજપે ચૂંટણીમાં 60માંથી 54 બેઠકો જીતી હતી જ્યારે પ્રથમ વખત જ ચૂંટણી લડેલી NCPએ એક પેનલ અને એક ઉમેદવાર મળી 4 બેઠકો જીતી હતી. આમ આ ચૂંટણીમાં કોંગ્રેસ કરતાં એનસીપી વધુ ખીલ્યું હતું જ્યારે કોંગ્રેસ કમળની સામે સાવ કરમાઈ ગઈ હતી. કોંગ્રેસ માત્ર એક જ બેઠક પર જીત મેળવી શકી છે.

નાગઢમાં વર્ષ 2014માં યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે 44 બેઠકો જીતી હતી. આ ચૂંટણીમાં ભાજપે 54 બેઠકો જીતી ઇતિહાસ રચ્યો છે. 60 બેઠકો ધરાવતી મનપામાં ભાજપની પ્રચંડ જીતને ઉજવવા માટે સીએમ રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ વાઘાણી આવતીકાલે જૂનાગઢ જશે. જૂનાગઢમાં વિજય સરઘસ અને સભાનું આયોજન રાખવામાં આવ્યું છે.

ચૂંટણીમાં 1,10,496 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 277 મતદાન મથકો પર મતદાન થયું હતું. આજે 15 વોર્ડની 60 બેઠકો માટે મતગણતરી હાથ ધરાશે. 2014માં યોજાયેલી ચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ 44 બેઠકો પર વિજય મેળવ્યો હતો

જૂનાગઢમાં ભાજપ-કોંગ્રેસને હાથતાળી આપી એનસીપીએ ખોલાવ્યું ખાતું, ચાર સીટ કબ્જે કરી

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્રીજા મોરચા તરીકે એનસીપીએ પગરણ માંડ્યા છે. એનસીપાના પ્રવક્તા અને જૂનાગઢના પ્રભારી રેશ્મા પટેલના એનસીપી જોઈન કર્યા બાદની આ ચૂંટણીમાં ચાર સીટ કબ્જે કરી છે.

જૂનાગઢના વોર્ડ નંબર-આઠની એનસીપીની આખી પેનલ વિજેતા થઈ છે. ભાજપના વિજય રથને એનસીપીએ વોર્ડ નંબર-આઠમાં અટકાવ્યો હતો. એનસીપીના કાર્યકરોએ વિજયને વધાવી લેવા માટે અબીલ,ગુલાલ અને આતશબાજી કરી હતી. રેશ્મા પટેલે જાતે ઢોલ વગાડ્યા અને વિજયની ઉજવણી કરી હતી.

પાછલા કેટલાક દિવસોથી જૂનાગઢમાં એનસીપીના સંગઠન માટે કામ કરી રહેલા રેશ્મા પટેલ અને કાર્યકારી પ્રમુખ બબલદાલ પટેલ તથા એનસીપી ગુજરાતના સુપ્રીમો શંકરસિંહ વાઘેલાએ પેનલના વિજયન વધાવ્યો છે અને લોકોનો આભાર માન્યો છે.

અમદાવાદ રાઈડ દુર્ઘટનાની ઈફેક્ટ: રાજકોટના લોકમેળાનો ચાર કરોડનો વીમો ઉતારાયો

ગયા અઠવાડિયે અમદાવાદના કાંકરીયા પાર્કમાં રાઈડ તૂટી પડવાની ઘટનામાં લોકો માર્યા ગયા અને અન્ય કેટલાકને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. કાંકરીયાની ઘટનાની ઈફેક્ટ રાજકોટના લોકમેળા પર જોવા મળી રહી છે. અમદાવાદની ઘટનાનાં પગલે રાજકોટનું તંત્ર હરકતમાં આવ્યું છે અને લોકમેળાનો વીમો ઉતાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ ખાતે પરંપરાગત રીતે લોકમેળો યોજવામાં આવે છે. 22 ઓગષ્ટથી 26 ઓગષ્ટ દરમિયાન મેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ભવ્ય મલ્હાર લોકમેળાનો તંત્ર દ્વારા વીમો ઉતારવામાં આવ્યો છે.

મેળા દરમિયાન કોઈ અઘટિત ઘટનાને ટાળવા માટે અગમચેતીના તમામ પગલા ભરવામાં આવી રહ્યા છે. કલેક્ટર તંત્ર દ્વારા મેળાનો ચાર કરોડનો વીમો ઉતારવામાં આવ્યો છે. આ ઉપરાંત મેળામાં મૂકવામાં આવનારી તમામ રાઈડ્સની ચકાસણી કરવામાં આવશે અને ત્યાર બાદ જ રાઈડ્સને મેળામાં ગોઠવવામાં આવશે. જો કોઈ રાઈડ્સમાં ખામી જણાઈ આવશે તો તેને મેળામાં મૂકવા દેવામાં આવશે નહીં.

ભરૂચના આમોદનો ચર્ચાસ્પદ કિસ્સો: ATMમાંથી બે ખાતેદારોના બે લાખ રૂપિયાની ચપોચપ તફડંચી

આમોદ તાલુકાના રોધ ગામના રહેવાસી મહેશભાઈ નવીનભાઈ પટેલનું આમોદમાં આવેલી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટિવ બેંકમાં ખાતું છે. મહેશભાઈને રૂપિયાની જરૂર પડતાં શનિવારે આમોદમાં આવેલી ડિસ્ટ્રિક્ટ બેન્કના ATM પર ગયા હતા ત્યાં મશીનમાં કેશ ન હોવાને કારણે તેઓ નવજીવન શોપીંગ સેન્ટરમાં આવેલા એક્સિસ બેન્કના ATM પર પહોંચ્યા જ્યાં તેમણે 10:07 વાગ્યાના સમયે પોતાના ATM કાર્ડ દ્વારા 500 રૂપિયા ઉપાડ્યા હતા પછી તેઓ ઘરે પરત ફર્યા હતા.

ત્યારબાદ તેમના ફોન ઉપર 11:31 વાગ્યાના સમયે નાણાં ઊપડ્યાનો મેસેજ આવ્યો તેમણે ચેક કરતા જાણવા મળ્યું કે તેમના એકાઉન્ટમાંથી રૂપિયા 1,49,000 ઊપડી ગા તો તેમના હોશકોશ ઉડી ગયા હતા. મહેશભાઈએ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેન્કનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે કરજણ નવાબજારમાં આવેલા એક્સિસ બેન્કના ATMમાંથી કોઈએ ઊપડ્યા છે, તો તેમણે આમોદ પોલીસ મથકે લેખિતમાં અરજી આપી આ બાબતની જાણ કરી હતી.

મહેશભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે મારા ATM કાર્ડની લિમિટ 25,000 ની છે તો એકજ દિવસમાં 16 ટ્રાન્ઝેકશન થઈ ગયા અને રૂપિયા 1,49,000 કેવી રીતે ઊપડી ગયા તે એક પ્રશ્વ છે. આ અંગે બેન્કના મેનેજરને પૂછતાં મેનેજરે ગલ્લાતલ્લા કર્યા હતા.

આજ દિવસે આમોદ નગરપાલિકામાં સમાજ સંગઠક તરીકે ફરજ બજાવતા અંકિતાબેન નવીનચન્દ્ર પડ્યા જેઓ આમોદમાં આવેલી સ્ટેટ બેન્માં પોતાનુ ખાતું ધરાવે છે. અંકિતાબેન પણ નવજીવન શોપિંગ સેન્ટરમાં આવેલા એક્સિસ બેન્કના ATMમાં નાણાં ઉપાડવા ગયા હતા તેમણે 9:58 વાગ્યાના સમયે પોતાના ATM દ્વારા રૂપિયા 2000 ઊપડ્યા હતા ત્યારબાદ તેમને બપોરે 3:51 વગ્યાના સમયે ફોન ઉપર મેસેજ દ્વારા રૂપિયા 40,000 ઊપડ્યાની  જાણ થઈ. અંકિતાબેને આ અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે બોરસદમાં આવેલી UCO BANK નાં ATM દ્વારા ઊપડ્યા છે. તેમણે મેનેજરને પૂછતાં મેનેજરે ગલ્લાતલ્લા કર્યા હતા આ બાબતની જાણ અંકિતાબેને આમોદ પોલીસ મથકે કરી હતી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમના ATM કાર્ડની લિમિટ 25000 ની છે તો એક જ દિવસમાં એટલું ટ્રાન્ઝેક્શન થયું કઈ રીતે?

એક જ દિવસમાં બે બે વ્યક્તિ ના atm કાર્ડ વગર અન્ય બેન્કના ATM દ્વારા નાણાં ઉપડવાની આ ઘટનાએ આમોદ તાલુકામાં ફફડાટ ફેલાવી મુક્યો છે આ ભેજાબાજ વ્યક્તિ ATM માંથી કઈ રીતે નાણાંની તફંડચી કરે છે અને તે કોણ છે તેને પોલીસ ક્યારે ઝડપી પાડી કાર્યવાહી કરશે તે હવે જોવાનું રહે છે.